For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખેડાના અકલાચાના બે ભાઈએ રૂ. 4.92 લાખ પડાવી ન્યુઝીલેન્ડની બોગસ ટિકિટ આપી

Updated: Apr 30th, 2024

ખેડાના અકલાચાના બે ભાઈએ રૂ. 4.92 લાખ પડાવી ન્યુઝીલેન્ડની બોગસ ટિકિટ આપી

- એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ખબર પડી કે ટિકિટ નકલી છે

- સુરતના યુવાન પાસે ઈ-વિઝા હોવાથી બાદમાં ટિકિટ માટે રૂ. 5 લાખની માંગણી કરી રૂ. 4.92 લાખ લઈ 3 વખત બોગસ ટિકિટ આપી હતી

(પ્રતિનિધિ દ્વારા) : સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા યુવાનને ન્યુઝીલેન્ડની ટિકિટ કઢાવી આપવાના બહાને ખેડાના અકલાચાના બે ભાઈઓએ રૂ.૪.૯૨ લાખ પડાવી બોગસ ટિકિટ આપી ઠગાઈ કરતા ડીંડોલી પોલીસે અરજીના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડીંડોલી રામીપાર્કની બાજુમાં આવિષ્કાર રો હાઉસ પ્લોટ નં.૭ માં રહેતા ૩૭ વર્ષીય સંદીપકુમાર શરદભાઈ પાટીલ પાંડેસરાની એક કંપનીમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે.વર્ષ ૨૦૧૯ માં ન્યુઝીલેન્ડ ખાતે કામ માટે જવા તેમણે અડાજણ ગુજરાત ગેસ સર્કલ કાંતિ શોપીંગ સેન્ટર ઓફિસ નં.૨૪ સ્થિત આર.વી.કન્સલ્ટનસી નામે વિઝાનું કામ કરતા ભાવિકાબેન પ્રજાપતિને રૂ.૨ લાખ અને જરૂરી દસ્તાવેજો આપતા તેમના ઈ-વિઝા આવ્યા હતા.ભાવિકાબેને સંદિપકુમાર અને અન્યોને વિદેશ મોકલવાનું કામ ખેડાના અકલાચા ગામ મુસલમાન ફળીયા ૬૦૩ માં રહેતા જોય ડાહ્યાભાઈ ખ્રિસ્તીને સોંપ્યું હતું.તે માટે ભાવિકાબેને એફિડેવિટ પણ કરી આપી હતી.જોકે, જોયે તમામ દસ્તાવેજો લીધા બાદ વર્ષ ૨૦૨૦ માં કોરોનાને લીધે તમામ ફ્લાઇટ બંધ થતા સંદીપકુમારની ન્યુઝીલેન્ડની ટિકિટ નહીં મળતા ભાવિકાબેને રૂ.૨ લાખ પરત કરી દીધા હતા.

ત્યાર બાદ વર્ષ ૨૦૨૨ માં જોયે સંદીપકુમારને ફોન કરી કહ્યું હતું કે તમારી પાસે વિઝા છે તો તમારે ન્યુઝીલેન્ડ જવું હોય તો હું તમને ટિકિટ અપાવી દઉં.જોયે તે માટે રૂ.૫.૫૦ લાખ કહ્યા હતા પણ બાદમાં રૂ.૫ લાખમાં ટિકિટ કરાવી આપવાનું કહેતા સંદીપકુમારે જોય, તેના ભાઈ જયકર મહીડા અને જોયના કહ્યા મુજબના જુદાજુદા એકાઉન્ટમાં રૂ.૪,૯૧,૮૯૫ જમા કર્યા હતા.જોયે સંદિપકુમારને ૨૭ ઓકટોબર ૨૦૨૨ ની મુંબઈ આક્લેન્ડની ટિકિટ આપી હતી.જોકે, સંદીપકુમાર તે દિવસે મુંબઈ એરપોર્ટ પહોંચ્યા અને ટિકિટ બતાવી તો તે બોગસ હતી.તે સમયે જ જોયે ફોન કરી ફ્લાઈટ મોડી છે, પાછા આવતા રહો, હું તમને બીજી ટિકિટ આપું છું.ત્યાર બાદ જોયે ૨૧ જાન્યુઆરી ૨૦૨૩ ની અમદાવાદથી ન્યુઝીલેન્ડની વાયા દોહાની ટિકિટ આપી હતી.પણ બાદમાં ફોન કરી તે ટિકિટ પર નહીં જવા કહી હું સુરત આવું છું ત્યાર બાદ આપણે સાથે ન્યુઝીલેન્ડ જઈશું તેમ કહ્યું હતું.

ત્યાર બાદ જોયે મુંબઈથી ઓક્લેન્ડની વાયા હોંગકોંગની ટિકિટ આપી સંદિપકુમારને સાથે જવા માટે અમદાવાદ બોલાવ્યો હતો.પણ મારી તબિયત સારી નથી પછી આપણે ચોથી ટિકિટ લઈશું તેવું બહાનું કાઢયું હતું.જોકે, ત્યાર બાદ તેણે ટિકિટ કાઢી આપી નહોતી.આથી સંદીપકુમાર તેના ગામ ગયો હતો અને પૈસા માંગતા બંને ભાઈઓએ થોડા દિવસોમાં જમીન વેચીને પૈસા આપવાનું કહ્યું હતું.પણ નહીં આપતા છેવટે સંદીપકુમારે ડીંડોલી પોલીસમાં અરજી કરી હતી.અરજીના આધારે ડીંડોલી પોલીસે ગતરોજ બંને ભાઈઓ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જોય ખ્રિસ્તીએ અમદાવાદના યુવાન પાસેથી પણ વિદેશ મોકલવાના બહાને રૂ. 2.20 લાખ પડાવ્યા છે

સુરતના યુવાન પાસેથી ટિકિટ કઢાવી આપવાના બહાને રૂ.૪.૯૨ લાખ પડાવનાર જોય ખ્રિસ્તીએ અમદાવાદ મણીનગર હરિપુરા ન્યુ ડુપ્લેક્ષ સિદ્ધેશ્વર સોસાયટી ખાતે રહેતા પ્રિતેશભાઇ મરૂડકર પાસેથી પણ વિદેશ મોકલવાના બહાને રૂ.૨.૨૦ લાખ પડાવ્યા છે.તેમને પણ જોયે સિંગાપોરના વિઝા અને ટિકિટ મોકલી બાદમાં તે કેન્સલ થઈ છે કહી પૈસા પરત કરવાને બદલે કેનેડાના વિઝાનો સિક્કો મારવા માટે પાસપોર્ટ મંગાવી આજદિન સુધી પરત કર્યો નથી.જયારે પ્રિતેશભાઇએ પૈસાની માંગણી કરી ત્યારે જોયે સંદીપકુમાર પાસે પ્રિતેશભાઈના એકાઉન્ટમાં પૈસા જમા કરાવડાવી કાયદાકીય ગૂંચમાં ફસાવતા તેમણે અમદાવાદથી સુરત ડીંડોલી પોલીસ મથક સુધી પોતાનો પક્ષ રજૂ કરવા આવવું પડયું હતું.

Gujarat