ખેડાના કપડવંજ તાલુકાના આતરસુંબા ગામના બસ સ્ટેન્ડ વિસ્તારમાં 43 ગેરકાયદે દુકાનોનું દબાણ દૂર કરાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Demolition at Kheda: ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના આતરસુંબા ગામમાં આખરે ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. આતરસુંબા બસ સ્ટેન્ડ વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી પણ વધુ સમયથી થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આતરસુંબા ગામના બસ સ્ટેન્ડ વિસ્તારમાં લાંબા સમયથી મોટી સંખ્યામાં કાચી દુકાનો ઊભી કરવામાં આવી હતી.
નોટિસ આપી છતાં દબાણો દૂર ન થતા ફરી વળ્યા બુલડોઝર
આ દબાણોને કારણે બસ સ્ટેન્ડ વિસ્તારનો મોટો ભાગ દબાણ હેઠળ હતો. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા આ દબાણો દૂર કરવા માટે અગાઉ દબાણકર્તાઓને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. તેમ છતાં દબાણો દૂર ન થતાં આખરે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી અંદાજે 43 જેટલી કાચી દુકાનોના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના માટે જેસીબી મશીનની મદદ લેવામાં આવી છે. જેસીબી દ્વારા એક પછી એક દબાણો દૂર કરવાની કામગીરી શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં લોકોના ટોળાં એકત્રિત થયાં હતાં. મહત્વની વાત એ છે કે, આ કામગીરી માત્ર ગ્રામ પંચાયત પૂરતી સીમિત ન રહેતાં વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી છે. કપડવંજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ પોલીસ વિભાગના પીએસઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 15 વર્ષ જૂના દબાણો દૂર
કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કામગીરી દરમિયાન કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીનની મદદથી દુકાનોના ઓટલાઓ દૂર કરવાની કામગીરી આગળ ધપાવવામાં આવી રહી હતી. છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી અસ્તિત્વમાં રહેલા દબાણો સામે આખરે કાર્યવાહી શરૂ થતાં આતરસુંબા ગામમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ગ્રામ પંચાયત દ્વારા અગાઉ આપવામાં આવેલી નોટિસ બાદ હવે સ્થળ પર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવતાં તંત્રની કાર્યવાહી સામે સૌનું ધ્યાન કેન્દ્રિત થયું છે. હાલમાં આતરસુંબા બસ સ્ટેન્ડ વિસ્તારમાં 43 જેટલી કાચી દુકાનોના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આગામી સમયમાં સમગ્ર વિસ્તારને દબાણમુક્ત કરવાની દિશામાં તંત્રની કાર્યવાહી કેવી રીતે આગળ વધે છે તેના પર સ્થાનિકોની નજર રહેશે. આતરસુંબા ગામના રહીશ દશરથભાઈ દલવાડીએ આતરસુંબાના બસ સ્ટેન્ડ અને રોડ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ અંગે મુખ્યમંત્રી કાર્યાલય સુધી લેખિત રજૂઆત કરી હતી. જેને લઈને તંત્ર દ્વારા તાબડતોબ દબાણો દૂર કરવામાં આવ્યા છે.




