ખેડા: મહુધામાં યુવક પર જીવલેણ હુમલા બાદ બે જૂથ વચ્ચે અથડામણ! પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ બુલડોઝર ફેરવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Illegal Encroachments Removed In Mahudha, Kheda: ખેડા જિલ્લાના મહુધામાં તાજેતરમાં બે અલગ કોમ વચ્ચે થયેલી જૂથ અથડામણ બાદ સર્જાયેલી તંગદિલી વચ્ચે તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે (પહેલી સપ્ટેમ્બર) સ્ટેટ માર્ગ અને મકાન (R&B) વિભાગ દ્વારા મહુધા-કઠલાલ રોડ પર ફીણાવ ભાગોળથી રેસ્ટ હાઉસ ચોકડી સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કોઈ અણબનાવ ન બને તે માટે આ સમગ્ર કામગીરી દરમિયાન જિલ્લા અને સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, મહુધા ચોકડી વિસ્તારમાં કારચાલક જિગ્નેશ પટેલ અને એક રિક્ષાચાલક વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી, જેણે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. રિક્ષાચાલકે અન્ય શખસોને સ્થળ પર બોલાવી જિગ્નેશ પટેલ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા જિગ્નેશ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તે હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં આ હુમલામાં ત્રણ શખસો સામેલ હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, ભોગ બનનાર યુવકની બહેને આરોપ લગાવ્યો છે કે હુમલાખોરો ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. પરિવારે તમામ આરોપીઓ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ ઘટનાના પગલે અગમચેતીના ભાગરૂપે પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. આ કડક સુરક્ષા બંદોબસ્તની વચ્ચે જ તંત્ર દ્વારા માર્ગ પરથી ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.




