નડિયાદમાં ખેતીની જમીનનો બોગસ દસ્તાવેજ બનાવી ખેડૂત પાસે ચાર લાખની ખંડણી માંગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kheda Land Fraud Case: નડિયાદના ગુતાલ ગામની સીમમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતી વડીલોપાર્જિત ખેતીની જમીન પચાવી પાડવાના ઇરાદે નડિયાદના ભેજાબાજોએ બનાવટી વેચાણ બનાખત ઊભો કરી ખેડૂત પાસે 4 લાખ રૂપિયાની માંગણી કરી છે. આ મામલે ધાકધમકી આપવા તેમજ ખોટા સહી સિક્કા કરી છેતરપિંડી આચરવા બદલ વડતાલ પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
શું હતો સમગ્ર મામલો?
ગુતાલ ગામમાં મંદિર પાસે ખેડૂત મહેશ પટેલ અને તેમના પરિવારની બ્લોક સર્વે નં. 19 વાળી ખેતીની જમીન આવેલી છે. 10 ડિસેમ્બર 2025ના રોજ અશોક રાણા ગામમાં આવી મહેશ પટેલને જણાવ્યું કે, તેમના કાકા ડાહ્યા પટેલે જમીનના વેચાણ બનાખત પેટે 4 લાખ રૂપિયા લીધા છે. બાદ તેણે ફોન પર એક દસ્તાવેજનો ફોટો મોકલ્યો હતો. જેમાં ફરિયાદી અને તેમના ભાઈ સહિતના ખોટા ફોટો અને સહીઓ કરાવી હતી.
નડિયાદની પૂજા મોટર્સની ઓફિસમાં ખેડૂત તેમના કાકાને લઈને ગયા હતા. ત્યાં નરેન્દ્ર ઉર્ફે પપ્પુ જાદવાનીએ તેમની એક ફાઈલ બતાવી હતી. નડિયાદ સબ રજિસ્ટ્રારના સિક્કા વાળો કરાર બતાવી 4 લાખ રૂપિયા તાત્કાલિક આપી દેવા દબાણ કર્યું હતું. પૈસા ન આપે તો જમીન પચાવી પાડવાનો ભય ઊભો કરવાનો પ્રયાસ કરાયો હતો. બાદમાં ખેડૂત પરત ફર્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
ખેડૂતે જિલ્લા જમીન તકેદારી સમિતિમાં કલેક્ટર કચેરી ખાતે અરજી કરી હતી. અરજીની તપાસ દરમિયાન પીયુષ પટેલ અને અન્ય વ્યક્તિ સાથે ગુતાલ ગામે ખેતરમાં આવીને મામલો દબાવી દેવા દબાણ કર્યું હતું. જો સમાધાન નહીં કરી લેવાની ધમકી આપી હતી. આખરે મહેશ પટેલે 27 નવેમ્બરે વડતાલ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ મામલે નરેન્દ્ર ઉર્ફે પપ્પુ જાદવાની, પીયુષ વિનુ પટેલ, હેતુલ અશ્વીનકુમાર પટેલ અને હિતેષ મુળજી રોહીત વિરુદ્ધ છેતરપિંડી અને કાવતરા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
બાનાખતમાં દર્શાવેલો દસ્તાવેજ નંબર કણજરીની જમીનનો નીકળ્યો
આરોપીઓએ ખેડૂતને જે બનાવટી વેચાણ બનાખત બતાવ્યો હતો. તેમાં દસ્તાવેજ નંબર 1947 વર્ષ 2024 અને તારીખ 20 ફેબ્રુઆરી 2024 દર્શાવવામાં આવી હતી. ખેડૂતે નડિયાદ રજિસ્ટ્રાર કચેરીમાંથી આ નંબરની ખરાઈ કરાવતા ચોંકાવનારી વિગત સામે આવી હતી. આ દસ્તાવેજ નંબર ગુતાલની જમીનનો નહીં પરંતુ કણજરી ગામની કોઈ અન્ય જમીનની પાવર ઓફ એટર્નીનો હોવાનું ખૂલ્યું હતું.
પપ્પુ જાદવાની ખેડૂત ન હોવાથી અન્યોના નામે ખેલ કરતો
પોલીસ ફરિયાદમાં નોંધ્યા આક્ષેપ મુજબ, નરેન્દ્ર ઉર્ફે પપ્પુ જાદવાની પોતે ખેડૂત નથી. જેથી તે પોતાની નજરમાં આવેલી જમીનોના દસ્તાવેજો પોતાના મળતિયાઓ હેતુલ પટેલ અને હિતેષ રોહિત મારફતે નડિયાદ ખાતે તૈયાર કરાવતો હતો. ત્યારબાદ આ જમીનો પીયુષ પટેલના નામે કરાવી સસ્તામાં જમીન પચાવી પાડી બજારમાં ઊંચા ભાવે અન્ય લોકોને વેચી મારવાનો ગોરખધંધો ચલાવતો હતો.
આરોપી હેતુલ પટેલ અગાઉ પણ જમીન કૌભાંડોમાં સામેલ હતો
મૂળ સલુણ ગામનો હેતુલ પટેલ અગાઉ ચકલાસી અને નડિયાદની જમીનના કૌભાંડોમાં પણ નામ ઊછળ્યું હતું. એક બાદ એક જમીનોના કદમાં આ હેતુલ પટેલનું નામ સામે આવી રહ્યું છે. અને ગરીબોની જમીનો ખોટી રીતે પચાવી પાડવામાં હેતુલ અને અન્ય સાગરીતો દ્વારા જમીનો પડાવી લેવામાં આવી રહી છે. પોલીસ ચોપડે અને કોર્ટોમાં આ નામો આરોપી તરીકે છપાઈ ગયા હોવા છતાં તેમની સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.




