For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નડિયાદના ખોખા બજારમાં વીજ વાયર તૂટી પડતા કેબીનોમાં આગ ભભૂકી

Updated: Apr 29th, 2024

નડિયાદના ખોખા બજારમાં વીજ વાયર તૂટી પડતા કેબીનોમાં આગ ભભૂકી

- અમદાવાદી બજાર વિસ્તારમાં દુર્ઘટના

- 5 કેબીનો તથા 3 વાહનો સળગતા અફરાતફરી  રવિવારે બજાર બંધ હોવાથી જાનહાનિ ટળી

નડિયાદ : નડિયાદના ખોખા બજારમાં લાકડાની કેબીનો પરથી પસાર થતી વીજ લાઈનનો વાયર તૂટી પડતાં પાંચ જેટલી કેબીનોમાં આગ ભભૂકી ઉઠી હતી. રવિવારે બજાર બંધ હોવાથી લોકોની અવરજવર ના હોવાના કારણે સદ્નસીબે જાનહાનિ ટળી હતી. 

નડિયાદના અમદાવાદી બજાર વિસ્તારમાં હરિદાસ હોસ્પિટલ સામે આવેલા ખોખા બજારમાં સીંધી વેપારીઓની લાકડાની કેબીનો આવેલી છે. રવિવારે બપોરે કેબીન પરથી પસાર થતી વીજ લાઈનનો વાયર તૂટીને કેબીન ઉપર પડયો હતો. જેના લીધે લાકડાની કેબીનમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. 

ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્થાનિકો ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. રવિવારે બજાર બંધ હોવાથી લોકોની અવરજવર ના હોય, સદ્નસીબે જાનહાનિ ટળી હતી. બનાવની જાણ થતાં નડિયાદ પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી અને દુકાનો પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ બનાવમાં પાંચ જેટલી કેબીનો સળગી જતાં માલ-સામાનને ભારે નુક્સાન પહોંચ્યું હતું. 

બે ગાડી અને એક ટુવ્હીલર સળગ્યું

રવિવારે ખોખા બજારમાં દુકાનો બંધ રહેતી હોવાથી સ્થાનિકોએ પોતાના વાહનો પાર્ક કર્યા હતા. ત્યારે વીજ વાયર તૂટી પડતા આગ લાગતા પાર્ક કરેલી બે ગાડીઓ અને એક ટુવ્હીલર પણ સળગી ઉઠયું હતું. ત્રણેય વાહનો સળગીને ખાખ થઈ ગયા હતા.

Gujarat