For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આંખમાં મરચાની ભૂકી નાખી ડીલીવરી બોયને લૂંટી લેવાયો

Updated: Apr 28th, 2024

આંખમાં મરચાની ભૂકી નાખી ડીલીવરી બોયને લૂંટી લેવાયો

- નાંદોલી કેનાલ પાસે બનેલો બનાવ

- 1.49 લાખના 4 મોબાઈલ અને બાઈક લૂંટી પાર્સલ મંગાવનાર શખ્સ ફરાર 

નડિયાદ : માતરના નાંદોલી ગામની કેનાલ પાસે શુક્રવારે પાર્સલની ડીલીવરી કરવા માટે ગયેલા પેટલાદની એક કુરિયર કંપનીના ડિલિવરી બોયની આંખમાં મરચાની ભૂકી નાખી પાર્સલ મંગાવનાર શખ્સ ઓનલાઇન મંગાવેલા રૂ. ૧.૪૯ લાખની કિંમતના ચાર મોબાઈલ અને બાઈકની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. માતર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

પેટલાદના માનપુરા ગામે રહેતા નરેશકુમાર દિનેશભાઈ ઠાકોર (ઉં.વ.૨૫)એ શુક્રવારથી પેટલાદના વૈભવ કોમ્પ્લેક્સમાં આવેલી એક ખાનગી કુરિયર કંપનીમાં સેલ્સમેન તરીકે જોડાયા હતા. તે શુક્રવારે સવારે પાર્સલો ડીલીવર કરવા બાઈક પર નિકળ્યો હતો. દરમિયાન તે નાંદોલી ગામે મુકેશ રાઠોડ નામના શખ્સે મંગાવેલા પાર્સલની ડીલીવરી કરવા ગયો હતો.  ત્યારે મુકેશે તેને નાંદોલી કેનાલ પર પાર્સલ આપવા બોલાવ્યો હતો. જેથી ડીલીવરી બોય કેનાલ પર પહોંચ્યો હતો અને પાર્સલો આપ્યા હતા.  જેથી શખ્સે ઓપન કુરીયર માંગતા ડીલીવરી બોયે કંપનીના નિયમ મુજબ ઓપન કુરીયર આપવાની ના પાડી હતી. જેથી શખ્સે ઓર્ડર કેન્સલ કરાવતા ડીલીવરી બોય બાઈકમાં ભરાવેલા થેલામાં પાર્સલો મૂકી દીધા હતા. 

દરમિયાન પાર્સલ મંગાવનાર શખ્સે અચાનક મરચાની ભૂકી કાઢી ડીલીવરી બોયની આંખોમાં નાખી, તેને ધક્કો મારી, ઓનલાઈન મંગાવેલા રૂ.૧,૪૯,૨૩૭ની કિંમતના ચાર મોબાઈલ તથા બાઈક મળી રૂ.૧.૭૯ લાખની મત્તાની લૂંટ ચલાવી ત્યાંથી નાસી છુટયો હતો. આ અંગે માતર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Gujarat