For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

2 બાઈક સામસામે અથડાતાં બંનેના ચાલક સહિત 3 યુવાનોનાં મોત

Updated: Apr 29th, 2024

2 બાઈક સામસામે અથડાતાં બંનેના ચાલક સહિત 3 યુવાનોનાં મોત

- મોરવા હડફના મોરા - સરસવા રોડ ઉપર ગમખ્વાર અકસ્માત

- અન્ય 3 વ્યક્તિને ગંભીર ઈજા, એક બાઈક ચાલક  પૂરઝડપે રોંગ સાઈડે આવતાં અકસ્માત સર્જાયો

શહેરા : મોરવા હડફ તાલુકાના મોરા - સરસવા રોડ ઉપર બે બાઈક સામસામે ધડાકાભેર ભટકાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બંને બાઈક ચાલક સહિત ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય ત્રણને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

સંતરામપુર તાલુકાના સરસવા ગામના છત્રાભાઈ હેમાભાઈ ભાભોરના મોરવાહડફ તાલુકાના વિરણીયા ગામે રહેતાં ગણપતભાઈ ગેમાભાઈ ઘોડના નાનીરેલ ખાતે રહેતા સંબંધીને ત્યાં લગ્નપ્રસંગ હોવાથી તેમના પુત્ર દિનેશ (ઉ.વ.૧૯)ને ઘરે બોલાવ્યો હતો. જેથી દિનેશભાઈ ભાભોર ઘરેથી વિરણીયા ગામે ગયો હતો. ત્યારબાદ ગઈકાલે તા.૨૭મીએ રાત્રિના તેઓ વિરણીયા ગામે રહેતાં દશરથભાઈ ગેમાભાઈ ઘોડ (ઉ.વ.૩૫), મીનાબેન ગણપતભાઈ ઘોડ (ઉ.વ.૧૮) સાથે બાઈક પર નાનીરેલ ખાતે લગ્નપ્રસંગમાં ગયા હતાં. જ્યાંથી તેઓ પરત મોરા તરફ આવતા હતાં, ત્યારે મોરાથી સરસવા તરફ જતી એક બાઈકના ચાલકે રોંગ સાઈડમાં પૂરઝડપે બાઈક હંકારી દિનેશભાઈની બાઈક સાથે ધડાકાભેર અથાડતાં બંને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક દિનેશ ભાભોર અને પાછળ બેસેલા દશરથભાઈ ઘોડ અને મીનાબેન રોડ પટકાયા હતાં. જેમાં દિનેશભાઈને ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યંુ હતું. જ્યારે અન્ય બાઈકના ચાલક મુકેશ કેશાભાઈ નાયક (ઉ.વ.૧૭)ને પણ ગંભીર ઈજા થતાં તેનું પણ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે દશરથ ઘોડ અને મીનાબેનને તેમજ સામેની બાઈક પર સવાર અજય નરવતભાઈ નાયક (ઉ.વ.૧૬) અને મહેશભાઇ બુધાભાઈ નાયક (ઉ.વ.૩૦)ને પણ ગંભીર ઈજા થતાં તમામને મોરા સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયા હતાં. જ્યાં ફરજ પર હાજર તબીબે ઈજાગ્રસ્ત અજય નાયકને પણ મરણ ગયેલ જાહેર કર્યા હતાં. 

મોરા દવાખાને પ્રાથમિક સારવાર બાદ ગંભીર ઈજા પામેલા દશરથભાઈ ઘોડ, મીનાબેન ઘોડ અને મહેશભાઈ નાયકને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. ઘટનાની જાણ મોરવાહડફ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકો દિનેશ અને મુકેશના મૃતદેહને મોરા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતાં, જ્યારે અજય નાયકના મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ રૂમ મુકવામાં આવ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બે ચાલક સહિત ત્રણ વ્યક્તિના મોત થતાં ત્રણેયના પરિવારોમાં ઘેરો શોક છવાઈ ગયો હતો.

Gujarat