Kem Che Dost

સત્કારની જિંદગી : પત્નીની કઠોરકૃપાનો કરુણ અંજામ!

By GS Team
28 Nov 20266 mins read
સત્કારની જિંદગી : પત્નીની કઠોરકૃપાનો કરુણ અંજામ!
  • કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
  • ''બેટા, છૂટાછેડાની વાત કરવાની જ નહીં, છેડો બાંધેલો રાખવાનો, પણ વર્તવાનું છૂટથી!'' દીકરીને મોડર્ન માતા વિશાખાદેવીની સલાહ

સ ત્કારે બારણું ખોલ્યું! આસક્તિ સામે જ ઊભી હતી. એનો ચહેરો જોતાં લાગતું હતું કે હજીયે એના મન પર અમાવાસ્યાના અંધકારનો પડછાયો છે. પૂરા બાર મહિના થયા એની મમ્મીના ઘરે ગયે, પણ હજી યે નવા વર્ષના સ્વાગત માટે એ તૈયાર નહોતી.
આસક્તિ વિષે માંડીને વાત કરવા જેવી છે, એટલા માટે નહીં કે એ સત્કારની પત્ની ઉર્ફે મિસિસ સત્કાર છે, પણ એટલા માટે કે આસક્તિ એ આસક્તિ છે… અનન્ય… અજોડ, બધાંથી સાવ અલગ પ્રકારના સ્વભાવની જિદ્દી સ્ત્રી.
સત્કાર પતિ તરીકે તેની નિંદા કરવા નથી માગતો, પણ દુનિયામાં કેટલાક લોકો એવાં હોય છે, જેને નથી પ્રેમથી જીતી શકાતા કે નથી ભય દેખાડીને. એવી વ્યક્તિ સાથે પળ ગુજારવાનુંય મુશ્કેલ બને તો પછી પ્રસન્ન દામ્પત્યના પાયા રચવાની તો વાત જ શી કરવી?
સત્કારનું દામ્પત્ય ચકડોળે ચઢેલું હતું તેનું મૂળ કારણ તેની મમ્મી તૃષાદેવી હતાં. મમ્મીની જીદે સત્કારના જીવનને એક નવો જ વળાંક આપ્યો અને તેના કારણે આસક્તિ સાથે સંસાર માંડવો પડયો. સત્કારના પડોશમાં રહેતી તોષા સાથે તેના લગ્નની વાત ચાલતી હતી. તોષા પાસે રૂપ હતું પણ અનોખી અદા નહોતી, નજાકત હતી પણ આધુનિકતા નહોતી, તોષા પાસે કશું જ નહોતું - સિવાય સાદગી અને ધીર ગંભીર સ્વભાવ. સત્કારને પણ તોષા પસંદ હતી. સત્કાર એની સાદગી પર જ ફિદા થઈ ગયો હતો.
સત્કારે જ્યારે તોષાને પસંદ કરી ત્યારે તેના મિત્રોને બહુ નવાઈ લાગી હતી. ત્યારે સત્કારે કહ્યું હતું ઃ 'જીવનસંગિની અંગેના મારા ખ્યાલો તમારા કરતાં જરાક જુદા છે. હું નથી ઈચ્છતો કે મારી પત્ની રૂપનો સાગર હોય, વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં નિપુણ હોય કે છટાદાર ભાષણ આપવામાં કુશળ હોય… હું મહત્વ આપું છું જીવન પ્રત્યેના તેના ગાંભીર્યને, સાદગીને, સમર્પણને, એના મિતભાષીપણાને. તોષાએ મને પૂછ્યું હતું સત્કાર, મારી સાદગી તમને અને તમારા મમ્મી-પપ્પાને પસંદ તો પડશે ને? હું આનાથી વધુ મોડર્ન થવાનું કે રહેવાનું પસંદ નથી કરતી.' તોષાએ નતમસ્તકે આટલી જ વાત મારી સાથે કરી હતી. અને સત્કારે તોષાને પોતાની જીવનસંગિની બનાવવાનો નિર્ણય કરી લીધો હતો.
''તોષાના નસીબ આડેથી પાંદડું ખસી ગયું. એક ગરીબ ઘરની છોકરીને મારા રાજકુંવર જેવા દીકરાએ પસંદ કરી છે.'' એમ કહીને સત્કારના મમ્મી તૃષાદેવી ટોણાં મારતા હતાં. પણ તોષાના મમ્મી કે પપ્પા બધુ ચૂપચાપ સહન કરતાં હતાં.
એકવાર એવું બન્યું કે તોષાના નાનાભાઈની વર્ષગાંઠને દિવસે સત્કારના મમ્મી તૃષાદેવીને જમવાનું નોતરું ન દેવાનું પાપ તોષાની મમ્મીથી જાણે-અજાણે થઈ ગયું અને તોષા સહિત તેના ઘરનાં તમામ લોકો તૃષાદેવીના બ્લેક લિસ્ટમાં મુકાઈ ગયા. બન્ને પરિવારો વચ્ચે શરૂ થયેલાં યુદ્ધનો સૌથી પહેલો શિકાર બની સત્કાર અને તોષાના લગ્નની વાત. સત્કારનો બધો જ આનંદ તૃષાદેવીએ છીનવી લીધો હતો.
તૃષાદેવી ઘમંડ અને જીદની મૂર્તિ હતા પણ સત્કારના પપ્પા યશકુમાર તો લાગણીનો અવતાર હતા. યશકુમારથી સત્કારની ઉદાસી સહન નહોતી થતી! તેમણે સત્કારને બીજે લગ્ન કરવા સમજાવવાની બહુ કોશિશ કરી પણ સત્કાર એકનો બે ન થયો. અંતે મમ્મી તૃષાદેવીની જીદ ખાતર સત્કારે પોતાની જીદ છોડી દીધી… અને તૃષાદેવીની સહેલીની એકની એક દીકરી આસક્તિ સાથે લગ્ન કરવાની સમ્મતિ આપી દીધી. આસક્તિ સાથે લગ્નની સમ્મતિ એ સત્કારનો ઘોર પરાજ્ય હતો.
આસક્તિ સત્કારના જીવનમાં સહજ રીતે નહોતી આવી, તૃષાદેવી દ્વારા યોજનાબદ્ધ રીતે તેને લાવવામાં આવી હતી. આસક્તિ એ એક અમીર પરિવારની એકની એક દીકરી હતી. અતિશય લાડમાં ઉછરેલી આસક્તિનો સ્વભાવ વિચિત્ર હતો. તે ઘમંડી, જીદ્દી અને ઉદ્ધત સ્વભાવની હતી. છતાં તૃષાદેવીએ એક પ્લસ પોઇન્ટ જોયો હતો, કે તે અમીર પરિવારની દીકરી હતી એટલે પુષ્કળ દહેજ લઈને આવવાની હતી. લાલચુ તૃષાદેવીએ સત્કાર અને આસક્તિના લગ્ન ધામધૂમથી પતાવી દીધા.
આસક્તિએ સાસરે આવીને બે-ચાર દિવસમાં જ પોતાનું અસલી રૂપ બતાવવાનું ચાલુ કરી દીધું હતું. આસક્તિ બોલતી નહોતી, વિષબાણ છોડતી હતી. સત્કારના મમ્મી-પપ્પાને એ વૃદ્ધાશ્રમ કહેતી હતી. એનો એકેએક શબ્દ સત્કારના મમ્મી-પપ્પા માટે અસહ્ય થઈ ગયો હતો. અંતે કંટાળીને સત્કારના મમ્મી-પપ્પાને સત્કારથી અલગ થવાની ફરજ પડી હતી. તેમને મન સત્કાર એક પુત્ર તરીકે સાવ બદલાઈ ગયો હતો, 'જોરુકા ગુલામ' બની ગયો હતો. પણ સત્કારનું મન તો તમામ કલેશો કે આનંદથી પર થઈ ગયું હતું.
સત્કારના મમ્મી-પપ્પાના જુદા થયા પછી ઘરમાં આસક્તિનું એકચક્રી શાસન શરૂ થયું. એને આરામ એટલો બધો પ્રિય હતો કે ઘરે ભૂલચૂકે કોઈ મહેમાન આવે તો તે સત્કાર સાથે ભયંકર ઝઘડો કરતી. ભૂખી રહેવાનું એને મંજૂર હતું પણ બે સમય રસોઈ કરવા માટે એ તૈયાર નહોતી. સત્કાર જમીને નોકરીએ જાય કે ભૂખ્યો જાય આસક્તિને તેની સાથે કશી લેવા-દેવા નહોતી. હા, પોતાને ભૂખ લાગે તો એ ઓનલાઇન મોંઘોદાટ નાસ્તો મંગાવીને ખાઈ લેતી હતી. સત્કારે કમને મહારાજ અને નોકર રાખ્યા હતા, તેના ટૂંકા પગારમાં પોષાતું નહોતું હતું તો પણ.
ધીરે ધીરે આસક્તિનું મગજ પણ વિકૃત થવા માંડયું હતું. પડોશમાં રહેતી તોષા અને સત્કારના લગ્ન થવાના હતા એવી વાત તેને ખબર પડી એટલે ઘરમાં એણે તોફાન મચાવી દીધું હતું. આસક્તિ તોષાને ઘરે જઈને વારંવાર તેનું અપમાન કરતી હતી. અને સત્કાર તથા તોષાના આડા સંબંધોની વાત ઊપજાવી કાઢીને સત્કારને બહુ તંગ કરવાનું ચાલુ કરી દીધું હતું.
આસક્તિના વાક્બાણોથી વીંધાઈને ક્યારેક સત્કાર પણ પાકિસ્તાનની જેમ એની હેસિયત ભૂલીને યુદ્ધનાં નગારાં વગાડવાની ઘોષણા કરતો પણ આસક્તિ જાણતી હતી કે ભસતાં શ્વાન… આટલું ઓછું હોય તેમ આસક્તિ 'ન્યાય' માટે તેની માતા વિશાખાદેવીની અદાલતમાં ધા નાખે ત્યારે સત્કારનો ડ્રોઈંગરૂમ ન્યાયાલયખંડમાં ફેરવાઈ જતો હતો… વિશાખાદેવી પાસે પૂરતી અનુકૂળતા હતી, એકતરફી ફરિયાદ સાંભળવાની ઉલટતપાસ કરવાની અને જરૂર પડે તો રવિવાર પૂરો કરી, સોમ, મંગળ કે બુધ-ગુરુ સુધી તેમની અદાલત સતત ચાલુ રાખવાની.
અને એકતરફી માહિતી એકઠી કરીને વિશાખાદેવી સત્કાર પર તૂટી પડતા હતા. ''હવે, તમે ત્રીસ વર્ષના ઢાંઢા થયા સત્કારકુમાર લગ્ન થયા પછી પણ ચક્કર ચલાવો છો? તમારામાં અક્કલ ક્યારે આવશે?''ની ધુ્રવપંક્તિ સાથે સત્કારને રીઢો ગુનેગાર સમજીને જ ન્યાય તોળવાની પોતાની ગમતી ફરજ બજાવવાનું વિશાખાદેવી શરૂ કરી દેતા હતા.
ક્યારેક તો છૂટાછેડા આપવાની પોતાની તૈયારી છે એવું કહેતી આસક્તિને વિશાખાદેવી પોતાનો ન્યાયાધીશ ધર્મ ભૂલીને સમજાવવા બેસી જતા કે, ''બેટા, એ દિવસો ગયા, છૂટાછેડાની વાત કરવાની જ નહીં. છેડો બાંધેલો રાખવાનો, પણ વર્તવાનું છૂટથી. અને હારેલા યોદ્ધા જેવો સત્કાર ખિન્ન મને બાલ્કનીમાં પડેલી ખુરશી પર કલાકો સુધી આકાશ તરફ મીડ માંડી બેસી રહેતો.
દિવાળીનું સ્વાગત કરવા માટે જ્યારે આખુ શહેર આનંદમાં ડૂબેલું હતું… ત્યારે કાળી ચૌદશની સાંજે ઘરના તમામ લાઇટ કનેકશન તથા ફ્યુઝને નુકસાન પહોંચાડી આસક્તિએ ખરા અર્થમાં કાળીચૌદશ ઊજવી બતાવી. સત્કાર ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે આસક્તિ દિવાળી ઊજવવા માતૃગૃહે ચાલી ગઈ હતી. અને ટેબલ પર પડેલી ચિઠ્ઠી સત્કારના હાથમાં આવી હતી. જેમાં આસક્તિએ લખ્યું હતું ઃ ''આસ્થાહીન દામ્પત્યજીવન એ અભિશાપ છે, સત્કાર હું મારા મમ્મીને ઘરે જઉં છું. હું મારા પિયરથી પાછી નહીં ફરું, તોષાનું લગ્ન થઈ જાય પછી જ હું આવવાનું વિચારીશ. તું તોષા પાછળ દેવદાસ બની ગયો છે. એટલે તને મારા પ્રેમની કિંમત સમજાતી નથી. મારા મમ્મી પાસે બહુ પૈસા છે, એટલે મને તારા પૈસાની જરાપણ પડી નથી. સાસરામાં મારી રીતે જીવીશ એ આશાએ જ તારી સાથે લગ્ન કર્યા હતા. તું મારો પડયો બોલ ઝીલીશ અને મારી આગળ પાછળ ફરીશ એવી મારી ઈચ્છા ફળી નહીં. હું તને છૂટાછેડા તો નહીં જ આપું.''
આસક્તિની ચિઠ્ઠી વાંચીને સત્કાર સોફા પર ફસડાઈ પડયો. આ તો ચોર કોટવાળને દંડે એવી વાત છે. જ્યાં સુધી વિશાખાદેવી જેવી પુત્રીવત્સલ માતાઓ દીકરીના સાસરીઆને પોતાની જાગીર સમજી કાજી બનીને એકતરફી ન્યાય તોળશે ત્યાં સુધી સત્કાર જેવા અનેક યુવકોના જીવનાકાશમાં સદાય અંધકાર ફેલાતો રહેશે.
અને સત્કારનાં એકલવાયા જીવનમાં નૂતનવર્ષનો પ્રારંભ થયો હતો. પત્નીની કઠોરકૃપાનો કરુણ અંજામ!