ગિરનાર પરિક્રમામાં હૈયે હૈયું દળાય એટલી ભીડ, તમામ પડાવ ભરચક્ક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જૂનાગઢ : ગિરનાર પરિક્રમાના બીજા દિવસે રૂટ પર હૈયે હૈયું દળાય એટલી ભીડ જોવા મળી હતી. આજે તમામ પડાવ ભરચક્ક રહ્યા હતા. રૂટ પર પગ મુકવાની જગ્યા રહી ન હોય તેવી સ્થિતિ હતી. આજે મોડી સાંજ સુધીમાં ૩ લાખથી વધુ ભાવિકોએ નળપાણીની ઘોડી વટાવી લીધી હતી. તેમાંથી બે લાખથી વધુ યાત્રિકો પરિક્રમા પૂર્ણ કરી રવાના થઈ ગયા હતા. હજુ રૂટ પર અઢી-ત્રણ લાખ જેટલા ભાવિકો હોવાનો અંદાજ છે. આજે સાંજ સુધી પ્રવેશદ્વાર પરથી પરિક્રમા કરવા માટે યાત્રિકોનો પ્રવાહ જતો જોવા મળ્યો હતો.
ગઈકાલે વહેલી સવારથી ગિરનારની લીલી પરિક્રમા માટે ગેટ ખોલી નાખવામાં આવ્યો હતો. જ્યારે રાત્રીના ૧ર વાગ્યે સાધુ-સંતો તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જય ગિરનારીના નાદ સાથે વિધીવત પરિક્રમાનો પ્રારંભ થયો હતો. આ સમયે પણ મોટી સંખ્યામાં ભાવિકો પરિક્રમા રૂટ પર રવાના થયા હતા. આજે જીણાબાવાની મઢી, સરકડીયા, માળવેલા, નળપાણીની ઘોડી, બોરદેવી પડાવ ભરચક્ક રહ્યા હતા. પરિક્રમા રૂટ પર હૈયે હૈયું દળાય તેટલી ભીડ જોવા મળી હતી.
૩૬ કિલોમીટરના રૂટ પર મોટાભાગના સ્થળોએ પગ મુકી શકાય તેટલી પણ જગ્યા રહી ન હતી. ભાવિકોએ બપોરે અન્નક્ષેત્રોમાં ભોજન-પ્રસાદ લીધો હતો તો સાથે કાચો સીધો લઈ આવેલા યાત્રિકોએ જંગલમાં રસોઈ બનાવી વન ભોજનનો આનંદ માણ્યો હતો. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન પરિક્રમાના કારણે હાલ જંગલમાં મંગલ માહોલ છવાયો છે.
વન વિભાગ દ્વારા નળપાણીની ઘોડી ખાતે શરૂ કરાયેલા ગણતરી પોઈન્ટ પર આજે મોડી સાંજ સુધીમાં ૩ લાખથી વધુ યાત્રિકોની નોંધ થઈ હતી. રાત સુધીમાં આ આંકડો વધ્યો હતો. જેમાંથી ર લાખથી વધુ યાત્રિકોએ પરિક્રમા પૂર્ણ કરી ભવનાથ તળેટી પહોંચી ગયા હતા. તેમાંથી મોટાભાગના પોતાના ઘરે જવા માટે રવાના થઈ ગયા હતા. આજે સાંજ સુધી પરિક્રમાના પ્રવેશદ્વાર પણ યાત્રિકોનો પ્રવાહ ટવરક-ટવરક વહેતો રહ્યો હતો. જ્યારે પરિક્રમા પૂર્ણ કરી આવનાર યાત્રિકોની સંખ્યા વધુ રહી હતી.
વન વિભાગના ગણતરી પોઈન્ટ ખાતે આજે મોડી સાંજ સુધીમાં ૩ લાખથી વધુ યાત્રિકો નોંધાયા હતા. આટલી સંખ્યા હજુ મઢી, માળવેલા, સરકડીયા સહિતના રૂટ તેમજ પડાવ ખાતે હોવાનો અંદાજ છે. આજે શનિ અને આવતીકાલે રવિવારની રજાના કારણે ગત રાત્રીથી જ પરિક્રમાર્થીઓનો પ્રવાહ અવિરત રૂટ પર વહેતો રહ્યો હતો. આવતીકાલે સાંજ સુધીમાં મઢી ખાલી થઈ જાય તેવી સંભાવના છે. અંતિમ પડાવ બોરદેવી ખાતે ભાવિકો પહોંચશે અને સોમવારે સવાર સુધીમાં તેઓ પણ પરત તળેટીમાં પહોંચી જશે. આમ, દોઢ દિવસ વહેલી શરૂ થયેલી પરિક્રમા એક દિવસ વહેલી પૂર્ણ થવાની શક્યતા છે.
- પરિક્રમામાં આવેલા બે યાત્રિકોના એટેકથી મોત
પરિક્રમામાં આવેલા રાજકોટના લતાબેન સુરેશભાઈ સરવૈયા(ઉ.વ.૪૮)ને બોરદેવી નજીક હાર્ટએટેક આવતા તેનું મોત થયું હતું. જ્યારે જૂનાગઢના મંજુલાબેન વિઠ્ઠલભાઈ ચોટલીયા(ઉ.વ.૬પ) નામના વૃધ્ધાનું નળપાણીની ઘોડી નજીક એટેક આવતા મોત થયું હતું. જ્યારે દાતાર પર આવેલા એક યાત્રિકનું પણ એટેકથી મોત થયું હતું. આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી. - 3 દિવસમાં ૩31ને વિંછીએ ડંખ માર્યો, 3342ને શરીરમાં દુઃખાવો
પરિક્રમામાં તા.૨૦થી ૨૨ ત્રણ દિવસમાં ૩૧ લોકોને વીંછી કરડયા હતા, ૩૩૪૨ લોકોને શરીરમાં દુઃખાવો, ૫૦૮ લોકોને તાવ, ૯૧૫ને શરદી, ઝાડા-ઉલ્ટીના ૧૩૭ જ્યારે સ્નાયુ ખેંચાઈ જવા, બીપી લો, ચક્કર અને થાક લાગવાના ૨૬ સહિત ૫૪૪૪ બિમાર યાત્રીકોને આરોગ્ય ટીમે સારવાર આપી હતી. જ્યારે છાતીમાં દુઃખાવો થતા ૨૬ દર્દીઓને સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.
મોટા પ્રમાણમાં યાત્રિકો એકત્ર થતા નળપાણીની ઘોડી થઈ ગઈ બ્લોક
જૂનાગઢ : ગિરનાર પરિક્રમા દરમિયાન કઠીન અને ગીચ વિસ્તાર એવા નળપાણીની ઘોડી ખાતે આજે બપોરે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. આ સ્થળે પગથિયા ચડવા-ઉતરવા પડતા હોવાથી ત્યાં ચાલવાની ઝડપ ઓછી થઈ જાય છે. આ ઉપરાંત આ વિસ્તાર પરિક્રમાની મધ્યમાં હોવાથી યાત્રિકો ત્યાં પહોંચતા થાકી ગયા હોય છે. આ સ્થળે વિશેષ બંદોબસ્ત તેમજ આરોગ્યની ટીમ રાખવામાં આવી છે. આજે આ સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા અફડાતફડી થવાની સંભાવનાના પગલે પોલીસે સમયસુચકતા દાખવી લોકોને અટકાવી દીધા હતા. અનેક લોકો ભીડમાં ફસાતા અકળાયા હતા. ધીમે-ધીમે આ ભીડને ઘોડી પસાર કરાવવામાં આવી હતી. આ ઉપરાંત સરકડીયા ઘોડી ખાતે પણ આવી સ્થિતિ થઈ હતી. યાત્રિકોએ વારાફરતી પસાર થઈ બોરદેવી તરફ પ્રયાણ કર્યું હતું. સદનસીબે કોઈ દુર્ઘટના ન બનતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.




