Junagadh

મંજૂરી વિના ખડકેલું 'ખેડૂત ભવન' અમિત શાહ પાસે ખુલ્લું મુકાવ્યું

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડે મહાનગરપાલિકાની મંજૂરી વિના 4 માળનું 'ખેડૂત ભવન' બનાવ્યું છે. 2 વર્ષ પહેલાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે તેનું લોકાર્પણ કર્યું હતું. આ ગેરકાયદે બિલ્ડિંગમાં યાર્ડનો વહીવટ ચાલે છે. મનપાએ 10 વર્ષથી યાર્ડનો ₹27.95 લાખથી વધુનો વેરો પણ વસૂલ્યો નથી, જે સામાન્ય નાગરિકો માટે અલગ નિયમો અને શાસક પક્ષ માટે આંખ આડા કાનનો સ્પષ્ટ સંકેત આપે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મંજૂરી વિના ખડકેલું 'ખેડૂત ભવન' અમિત શાહ પાસે ખુલ્લું મુકાવ્યું

જૂનાગઢ: ભાજપ પ્રેરિત સહકારી સંસ્થાઓમાં ચાલતા ગોબરા વહીવટ અને કાયદાકીય અરાજકતાનો વધુ એક નમૂનો જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે સામે આવ્યો છે. ભાજપ શાસિત જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાની બાંધકામ મંજૂરી લીધા વિના જ ચાર માળનું 'ખેડૂત ભવન' ખડકી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ ગેરકાયદેસર બિલ્ડિંગનું લોકાર્પણ બે વર્ષ પહેલાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે કરાવીને કાયદાનો અનાદર પણ કરવામાં આવ્યો છે. હાલ આ ગેરકાયદેસર બિલ્ડિંગમાં બેસીને જ યાર્ડનો વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે.
બાંધકામ અને બીયુ પરમિશન વિનાનાં બિલ્ડિંગોના કેસમાં મનપા સામાન્ય નાગરિકો સામે સીલિંગની કાર્યવાહી કરે છે, તો માર્કેટિંગ યાર્ડની મિલકતો સામે પગલાં લેવામાં કેમ પાછીપાની કરે છે એવો સવાલ ઉઠયો છે.
બીજી તરફ, જાણે માર્કેટિંગ યાર્ડને મહાનગરપાલિકાના નિયમો લાગુ જ ન પડતા હોય તેમ છેલ્લાં દસેક વર્ષથી યાર્ડની અલગ-અલગ મિલકતોનો વેરો ભરવામાં આવ્યો નથી. સામાન્ય નાગરિકો જો નજીવો વેરો પણ ન ભરે તો તેના ઘર કે દુકાન પર ઢોલ-નગારા વગાડી મિલકત સીલ કરવાની કાર્યવાહી કરતી મહાનગરપાલિકા ભાજપ શાસિત માર્કેટિંગ યાર્ડ સામે આંખ આડા કાન કરી રહી છે. યાર્ડના સત્તાધીશોની બેદરકારીના કારણે ૨૭.૯૫ લાખથી વધુનું તો માત્ર વ્યાજ ચડી ગયું છે.

  • એક જ વ્યક્તિનાં શાસનમાં ગેરકાયદે બાંધકામોની હારમાળા
    યાર્ડનો વહીવટ સંભાળતા જવાબદાર વ્યક્તિ જ્યારે જિલ્લા ભાજપ કાર્યાલયનો વહીવટ સંભાળતા હતા, ત્યારે ત્યાં પણ વેરો ભરવામાં આવ્યો ન હતો અને એ બાબત ઉજાગર થતાં તાબડતોબ વેરો ભરવાની ફરજ પડી હતી. જિલ્લા ભાજપ કાર્યાલયનું ગેરકાયદેસર બાંધકામ ઉભું કરી દેવાયું હતું, જેને તાજેતરમાં દૂર કરવાની ફરજ પડી છે અને હજુ પણ બાંધકામ દૂર કરવું પડે તેવી નોબત છે. આ ઉપરાંત ઝાંઝરડા રોડ પર પણ તેમના વ્યક્તિગત ગેરકાયદેસર બિલ્ડિંગને મનપાએ નોટિસ ફટકારવી પડી હતી. આ દર્શાવે છે કે એક જ વ્યક્તિ દ્વારા કાયદાનો સતત અનાદર કરવામાં આવી રહ્યો છે.
    જવાબદારી નક્કી કરી દાખલો બેસાડવો જરૂરી
    મનપાની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડિંગ ખડકી દેનાર યાર્ડના સત્તાધીશો સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવી જરૂરી બની છે. ખેડૂતોના કલ્યાણ માટે વપરાવાની રકમમાંથી ૨૭.૯૫ લાખથી વધુનું વ્યાજ ભરવાની નોબત આવી છે, તેની વસૂલાત જવાબદાર સત્તાધીશોના ખિસ્સામાંથી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે. તાત્કાલિક ધોરણે આ ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવે અને બાકી નીકળતો વેરો વ્યાજ સાથે જવાબદારો પાસેથી વસૂલવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવે છે.