જૂનાગઢ: કડક ચેકિંગ છતાં ગિરનાર પરિક્રમામાં પ્રતિબંધિત પ્લાસ્ટિક; વન વિભાગે 171 ગુનામાં ફટકાર્યો 5.46 લાખ દંડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Girnar Parikrama Plastic Pollution: જૂનાગઢ ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં યોજાતી પરંપરાગત લીલી પરિક્રમા દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને તેના કારણે વન્યજીવો તથા પ્રાકૃતિક પર્યાવરણને થતાં નુકસાનને અટકાવવા માટે વન વિભાગ દ્વારા સઘન તપાસ અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગ દ્વારા પરિક્રમા દરમિયાન 171 ગુના નોંધી 5.46 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.
ચેકિંગ હોવા છતાં અનેક લોકો પ્રતિબંધિત પ્લાસ્ટિક લઈ જંગલમાં ગયા
પ્રવેશદ્વાર સહિતના ઠેકઠેકાણે ચેકિંગ હોવા છતાં અનેક લોકો પ્રતિબંધિત પ્લાસ્ટિક લઈ જંગલમાં પહોંચ્યા હતા. પરિક્રમાના રૂટ પર પ્રવેશદ્વારથી લઈને સમગ્ર જંગલ વિસ્તારમાં વિવિધ ચેકપોસ્ટ અને ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
171 ગુના, 5.46 લાખનો દંડ
આ ઝુંબેશ અંતર્ગત વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972ની વિવિધ જોગવાઈઓ હેઠળ પ્રતિબંધિત પ્લાસ્ટિક સાથે રાખવા અને જંગલ વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવવા બદલ કુલ 171 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. કાયદાકીય કાર્યવાહીના ભાગરૂપે નિયમ ભંગ કરનારા વ્યક્તિઓ અને વેપારીઓ પાસેથી કુલ રૂા. 5,46,250 નો દંડ વસૂલવામાં આવ્યો છે, તેમજ મોટા જથ્થામાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.
રાઉન્ડ-ધ-ક્લોક તપાસ ચાલુ
વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક લઈ જવું અને કચરો ફેંકવો એ દંડનીય ગુનો છે. જંગલમાં ફેંકાયેલું પ્લાસ્ટિક વન્યપ્રાણીઓના ખોરાકમાં જવાથી તેમના સ્વાસ્થ્ય અને જીવન માટે ગંભીર જોખમ ઊભું કરે છે તેમજ જમીન અને જળસ્ત્રોતોને નુકસાન પહોંચાડે છે. પરિક્રમાના તમામ પડાવો અને રસ્તાઓ પર વન વિભાગની ટીમો દ્વારા રાઉન્ડ-ધ-ક્લોક તપાસ ચાલુ રાખવામાં આવી છે.
દામોદર કુંડ સફાઇ માટે ખાલી કરાયો
ગિરનાર પરિક્રમા પૂર્ણ થતાં મોટી સંખ્યામાં ભાવિકો દામોદર કુંડમાં સ્નાન કરી રવાના થયા હતા. આજે બુધવારે દામોદર કુંડની સફાઇ માટે તેને ખાલી કરવામાં આવ્યો છે. હવે તારીખ 26 નવેમ્બરના રોજ કુંડમાં પાણી ભરી ફરીથી કાર્યરત કરવામાં આવશે.




