Junagadh

સાસણ ગીરના જંગલોમાં જળસંકટની ભીતિ, વન્યપ્રાણીઓ સામે જીવનું જોખમ, નદી-નાળા ખાલીખમ

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
વિશ્વપ્રસિદ્ધ સાસણ ગીર અભયારણ્યમાં ચોમાસું પૂરું થતાં જ જળસંકટ ઘેરું બન્યું છે. અલનીનોની અસરથી નહીંવત્ વરસાદને કારણે જંગલના મોટાભાગના કુદરતી જળસ્રોતો સૂકાઈ ગયા છે. વન્યજીવોને પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. દિવાળી આસપાસ જ કૃત્રિમ પોઈન્ટ્સ ભરવાની નોબત આવી છે. પાણીની શોધમાં સિંહો અને અન્ય વન્યજીવો રેવન્યુ વિસ્તારમાં આવી શકે છે, જેથી માનવ-પ્રાણી સંઘર્ષ વધવાની ભીતિ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાસણ ગીરના જંગલોમાં જળસંકટની ભીતિ, વન્યપ્રાણીઓ સામે જીવનું જોખમ, નદી-નાળા ખાલીખમ

Gir Forest Water Crisis: વિશ્વપ્રસિદ્ધ સાસણ ગીર અભ્યારણ્યમાં નવું જંગલ સફારી સત્ર શરૂ થતાં જ એક ચિંતાજનક અને કરુણ ચિત્ર સામે આવ્યું છે. સામાન્ય રીતે ચોમાસા બાદ ગીરનું જંગલ બળબળ વહેતી નદીઓ, નાળાઓ અને સભર ઝરણાંઓથી લહેરાતું હોય છે, પરંતુ આ વખતે 'અલનીનો'ની માળખાગત અસરોના કારણે જંગલમાં નહીંવત્ વરસાદ નોંધાયો છે. પરિણામે, જંગલના મોટાભાગના કુદરતી જળસ્રોતો સૂકાભઠ્ઠ થઈ ગયા છે અને માત્ર કહેવા પૂરતા પાણીના ખાબોચિયા જોવા મળી રહ્યા છે.

આ વખતે જંગલના એક પણ નાળા કે નદીમાં પાણી પસાર થઈ રહ્યું નથી. માત્ર એકાદ-બે વરસાદી રાઉન્ડ આવવાને કારણે માત્ર ખાબોચિયા જ ભરાયા છે. સામાન્ય રીતે જંગલ ક્યારેય વાંજણું રહેતું નથી તેવી લોકમુખે કહેવત છે, પરંતુ આ વર્ષે ખુદ જંગલ જ પાણી વગર તરસ્યું રહી ગયું છે. રસ્તાઓ પર પાણી વહેવાને બદલે માત્ર ધૂળ અને પથ્થર દેખાઈ રહ્યા છે. ચોમાસું પૂરું થતાં જ જંગલની આવી સ્થિતિ જોઈ સફારી માટે આવતા પ્રવાસીઓ પણ ચિંતાતુર બની ગયા છે.

આવનારા એક-બે મહિનામાં જંગલમાં પીવાનું પાણીની વિકટ સમસ્યા સર્જાવાની પૂરી શક્યતા છે. સૂકાઈ રહેલા ખાબોચિયાનું ગંદુ પાણી પીવાથી વનપ્રાણીઓમાં ચેપી રોગચાળો ફેલાવાની શક્યતા નકારી શકાતી નથી.

દિવાળી આસપાસ જ કૃત્રિમ પોઇન્ટ ભરવાની નોબત

દર વખતે ઉનાળાની શરૂઆતમાં જંગલમાં કૃત્રિમ પાણીના પોઇન્ટ્સ (તળાવડી/અવાડા) ભરવાની કામગીરી થતી હોય છે, પરંતુ આ વખતે ચોમાસું પૂરું થાતની સાથે જ અને દિવાળી આસપાસ જ કૃત્રિમ પોઇન્ટ્સ ભરવા પડે એવી નોબત આવી પડી છે. વનવિભાગે યુદ્ધના ધોરણે એક્ઝેશન પ્લાન અમલમાં મુકવો પડે તેવી સ્થિતિ છે. જંગલના અંદરના વિસ્તારોમાં આવેલ તમામ કૃત્રિમ અવાડાઓ સોલાર બોરવેલ અને ટેન્કરો દ્વારા સતત ભરેલા રાખવામાં આવે, પાણી વિના અશક્ત બનેલા વનજીવોને તાત્કાલિક તબીબી સારવાર મળી રહે તે માટે સ્પેશિયલ રેસ્ક્યુ ટીમ તહેનાત કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

સિંહ-દીપડા પાણીની શોધમાં બહાર આવે અને માનવ-પ્રાણી સંઘર્ષ વધી પડે એવી પણ ભીતી

જળસ્રોતો સૂકાઈ જતાં એશિયાટીક સિંહ, ચિત્તલ, સાબર અને દીપડા જેવા વનજીવો પાણીની શોધમાં જંગલની બહાર રેવન્યુ વિસ્તાર કે માનવ વસાહતો તરફ પ્રયાણ કરશે. પાણી માટે ગામડાઓ તરફ આવતા તૃણાભક્ષી અને હિંસક પ્રાણીઓના કારણે માનવ-પ્રાણી વચ્ચે સંઘર્ષ વધવાની અને અકસ્માતોની ઘટનાઓમાં વધારો થવાની ભીતી છે.