જૂનાગઢમાં ઉધારીના 80,000 રૂપિયા પાછા ન આપ્યા એટલે પિતા-પુત્રએ યુવકને બ્રિજ પરથી ફેંકી દીધો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Junagadh News : જેતપુરના પાંચપીપળા નજીક ભાદર નદીમાંથી થોડા દિવસ પહેલા જૂનાગઢના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પરિવારની શંકાના આધારે પોલીસે તપાસ કરી શકમંદ પિતા-પુત્રની ધરપકડ કરી પૂછપરછ કરતા 80 હજાર રૂપિયા માંગતા હોવાથી તે ન આપતા કલરકામ માટે ઘરે બોલાવી ઘેનના ટીકડા નાખેલી લસ્સી પીવડાવી સ્કૂટર પર પાંચપીપળવા પાસે લઈ જઇ ત્યાં ભાદર નદીના પુલ પરથી ફેંકી દીધાની કબૂલાત આપી હતી. આ મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં આવેલા બારા સૈયદ રોડ પર રહેતો સમીર હનીફભાઈ શેખ (ઉ.વ.27) ગત તા.16ના કલરકામ કરવા માટે મધુરમ વિસ્તારમાં રહેતા નાસીરખાન પઠાણના ઘરે ગયા બાદ પરત આવ્યો ન હતો અને તા.૧૮ના જેતપુર તાલુકાના પાંચ પીપળવા નજીક ભાદર નદીમાંથી તેની લાશ મળી આવી હતી. સમીરને ફૂલ તરતા આવડતું હતું તેની લાશ તરતી હાલતમાં મળી આવતા પરિવારજનોને શંકા ગઈ હતી.
પરિવારના સભ્યોએ જેતપુર ઉદ્યોગનગર પોલીસમાં આ અંગે જાણ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજમાં તપાસ કરી હતી, જેમાં એક્ટીવા પર નાસીરખાન સહિત ત્રણ વ્યક્તિઓ બેઠેલા હતા. વચ્ચે બેસેલા શખ્સનું માથું લટકતું હતું અને એક શખ્સ પાછળ પકડીને બેઠો હતો. પોલીસે આ ફૂટેજના આધારે નાસીરખાન તથા તેના પુત્ર દાઉદખાનની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, સમીરને 80 હજાર રૂપિયા આપ્યા હતા જે પરત આપતો ન હતો.
તા.16ના કલર કામ કરવા આવ્યો ત્યારે પૈસા માંગતા તેણે ના પાડી હતી આથી તેને મારી નાખવાનો પ્લાન કર્યો હતો. ઘેનની ગોળી લસ્સીમાં ભેળવી પીવડાવી હતી. સમીર બેભાન થઈ જતા સ્કૂટરમાં વચ્ચે બેસાડી તેને પાંચપીપળા નજીક ભાદર નદીના પુલ પર લઈ ગયા હતા અને બેભાન હાલતમાં રહેલા સમીરને પુલ પરથી પાણીમાં નાખી દીધો હતો અને સ્કૂટર ત્યાં રાખી નવાગઢ ચોકડી સુધી ચાલીને આવ્યા અને ત્યાંથી જૂનાગઢ આવતા રહ્યાની કબુલાત આપી હતી.
જેતપુર ઉદ્યોગનગર પોલીસે સમીર શેખના ભાઈ તથા તેના પરિવારના સભ્યોને સમીરનું મર્ડર થયું હોવાનું જણાવ્યું હતું અને જૂનાગઢના મધુરમ વિસ્તારમાં બેભાન કર્યા બાદ જેતપુર નજીક ભાદરમાં ફેંકી દીધો હતો. આથી મૃતકના ભાઈ સાહિલ હનીફ શેખે મધુરમના નાસીરખાન પઠાણ તથા તેના પુત્ર દાઉદખાન નાસીરખાન પઠાણ સામે હત્યા સહિતની કલમો મુજબ ગુનો દાખલ કરી પિતા-પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દરગાહે કલરકામ વખતે મિત્રતા થઈ હતી, પિતાને રિક્ષા અપાવવા અને પોતે સ્કૂટર ખરીદવા નાણાં લીધાં હતાં
સમીર શેખ એકાદ વર્ષ પહેલા ભવનાથમાં આવેલી અસાઈબાપીર દરગાહ ખાતે કલર કામ કરવા જતો હતો ત્યારે નાસીરખાન પઠાણ ત્યાં આવતો અને તેણે સમીરને મારૂ એક કામ થાય તો દરગાહમાં એક લાખનો ખર્ચ અને ઉર્ષ કરવો છે એવું કહેતો હતો અને કલર કામના પૈસા પણ નાસીરખાન આપતો હતો. આ સમયે સમીર સાથે નાસીરખાનની મિત્રતા થઈ હતી ત્યારે સમીરે પિતાને રિક્ષા લઈ દેવા 40 હજાર અને પોતાના જન્મદિવસ ઉપર એક્ટીવા લેવા 40 હજાર રૂપીયા નાસીરખાન પાસેથી લીધા હતા. તે ઉઘરાણી કરતા સમીરે મજુરી કામ કરતા-કરતા આપી દઈશ તેમ કહ્યું હતું.
નાસીરખાને સમીરના પરિવારને ગેરમાર્ગે દોર્યો
સમીર શેખ કલર કામ કરવા નાસીરખાનના ઘરે ગયા બાદ ગુમ થયો હતો. આથી તેના પરિવારના સભ્યોએ નાસીરખાનને ફોન પર સમીર અંગે પૂછપરછ કરતા તેણે લુણાગરી-પાંચપીપળા પાસે સમીર કોઈ સાથે કલર કામ કરવા ગયો છે અને મારી પાસેથી 3500 રૂપિયા લઈ કામ અધુરૂ રાખ્યું છે એવી વાત કરી પરિવાર અને સગાસંબંધીઓને ગેરમાર્ગે દોર્યા હતા.
નાનજી મુસ્લિમ ધર્મ અંગિકાર કરી નાસીરખાન બન્યો હતોઃ લૂંટ, હત્યા અને છેતરપિંડીનો ગુનો
ડીવાયએસપી હિતેષ ધાધલ્યાએ જણાવ્યું હતું કે, નાસીરખાન પઠાણનું મૂળ નામ નાનજી કાતરીયા હતું. તેણે ઘણા વર્ષો પહેલા મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો. ર૦ર૦માં નાસીરખાન સામે ગોંડલ તાલુકાના વેકરીમાં તેના સાળાની પોલીસી મંજૂર થઈ હોવાથી તેની લાશ નાસીરખાનની કારમાંથી મળી હતી. આ મામલે ગોંડલ તાલુકા પોલીસે નાસીરખાન તથા એક મહિલા સામે ગુનો દાખલ કર્યો હતો. આ શખ્સ સામે લૂંટ તથા છેતરપિંડીનો ગુનો પણ દાખલ થયો હતો.




