મતદાન મથક માટે 28 ફોર્મ, 6 પ્રકારનાં 29 કવર અને 24 જાતની લેખન સામગ્રી!


- વિધાનસભા ચૂંટણી પૂર્વે તંત્ર દ્વારા તૈયારીઓને અપાતો આખરી ઓપ

- પેન્સીલ, બોલપેન, કાર્બન પેપર, કાગળ, લાખ, સેફટીપીન, ગુંદર સહિત 98 ચીજવસ્તુઓની કીટ તૈયાર કરી દરેક પ્રીસાઈડીંગને સોંપાશે

જૂનાગઢ : વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં પ્રીસાઈડીંગ સહિતનાં તમામ સ્ટાફને હાલ મતદાન પ્રક્રિયાને લગતી તમામ પ્રકારની તાલીમ આપવાની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. મતદાન મથક પર જતા પૂર્વે પ્રીસાઈડીંગ ઓફીસરને મતદાન માટે જરૂરી નાની-મોટી મળી કુલ 98 ચીજવસ્તુઓની કીટ આપવામાં આવશે. જેમાં મતદાન મથક પર 28 પ્રકારનાં ફોર્મ, 6 પ્રકારનાં 29 કવર અને 24 જાતની લેખન સામગ્રી જેમાં પેન્સીલ, બોલપેન, કાર્બન પેપર, પેકિંગ માટેનાં અને કોરાકાગળ, લાખ, સેફટીપીન, ગુંદર સહિતની કીટ આપવામાં આવશે.

ચૂંટણીની મતદાન પ્રક્રિયા ખુબજ જટીલ હોય છે. મતદારોને મતદાનની પ્રક્રિયા ખુબજ સહેલી લાગતી હોય છે. પરંતુ આ માટે ચૂંટણીપંચ કેટલા સમયથી કેટલી તૈયારીઓ કરતું હોય છે. જેમાં એક મતદાન મથક પર એક સીયુ, એક બીયુ, એક વીવીપેટ, મતદાર યાદીની નિશાન વાળી નકલ, મતપત્રો, વર્ગીકૃત સેવા મતદારોની યાદી, ઉમેદવારો-એજન્ટોની સહીની નકલ, મતદાન મથકનો વિસ્તાર દર્શાવતી નોટીસ, હરીફ ઉમેદવારોની યાદી, ઈવીએમ માટે ગ્રીન પેપર સીલ, ખાસ કાપલી, પ્લાસ્ટિક બોક્ષને સીલ કરવા માટે પીક પેપર સીલ, બીયુ, સીયુ, વીવીપેટ માટે સરનામા વાળી કાપલી, મતદારો માટેનું રજીસ્ટર(ફોર્મ-17-ક), મતદારોની સ્લીપ, વિશિષ્ટ નિશાની વાળો રબ્બરનો સીક્કો, મતદાન મથકનાં પ્રમુખ અધિકારી માટે ધાતુનું સીલ, એરોક્રોસ માર્ક વાળો રબ્બર સ્ટેમ્પ, મોકપોલ સ્લીપ સ્ટેમ્પ, અવીલોપ્ય શાહીનો સમાવેશ થાય છે.

મતદાનની પ્રક્રિયા દરમ્યાન 28 પ્રકારનાં ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં મતદાન મથકનાં પ્રમુખ અધિકારીની ડાયરી, વૈકલ્પિક પુરાવાઓ દ્વારા મતદારોની ઓળખ અંગેનો ચૂંટણીપંચનો હુકમ, નોંધાયેલ મતોનો હિસાબ, પ્રીસાઈડીંગ ઓફિસરનું એકરારનામું, પ્રીસાઈડીંગ ઓફિસર માટેનો ચેક મેમો, વિઝીટ શીટ, તકરારી મતોની યાદી, અંધ અને અશકત મતદારોની યાદી, અંધ અને અશકત મતદારનાં સાક્ષીનું એકરારનામું, સુપ્રત કરેલ મતોની યાદી, તકરારી મતોની ફી જમા કરવા માટેની પહોંચ બુક, પોલીસ ફરિયાદનો પત્ર, મતદાન શરૂ થતા પહેલા અને મતદાનનાં અંતે મતદાન મથકનાં પ્રમુખ અધિકારીનું એકરારનામું, મતદાન દ્વારા તેની ઉંમર બાબતેનું એકરરનામું, એકરારનામું આપ્યા બાદ જે મતદારોએ મત આપ્યો હોય/મત આપવા ઈન્કાર કર્યો હોય તેવા મતદારોની યાદી, મતદાન એજન્ટની નિમણુંકનાં પત્રકો, મતદાન એજન્ટની નિમણુંક રદ કરવા બાબતનાં પત્રકો, ચૂંટણી અધિકારીનાં રજુ કરવાનાં વધારા 16 મુદ્દાનાં અહેવાલનાં નમુનાનું પત્રક, પીએસઓ-પ પત્રક, મતદાન મથકનાં પ્રમુખ અધિકારીનો અહેવાલ મોકપોલ, દર બે-બે કલાકે આપવાનાં થતા મતદાનનાં પ્રોગ્રેસીવ આંકડાનું પત્રક, મતદાન એજન્ટો-અવેજી એજન્ટોની અવર-જવરનું પત્રક, ઝોનલ અધિકારીનો રીપોર્ટ મતદાનનાં આગલા દિવસ અને મતદાનનાં દિવસ માટે, ઈવીએમ અને વીવીપેટ ચલાવવામાં નિષ્ફળતા-ભુલો અંગે ઉપયોગી સુચનો, ઈવીએમ અને વીવીપેટનાં ઉપયોગ અંગે મતદાન મથકનાં અધિકારી માટેની પુસ્તિકા, નિયમ-49એમએ હેઠળ મતદારે કરવાનાં એકરારનામનો નમુનો, મોકપોલ દરમ્યાન ધ્યાનમાં રાખવાનાં 6 પગલાનું પોસ્ટરનો સમાવેશ થાય છે.

મતદાન દરમ્યાન પ્રીસાઈડીંગ ઓફિસરને 6 પ્રકારનાં 29 કવર આપવામાં આવે છે. જેમાં વૈધાનિક પરબિડીયા લીલું કવર, બીન વૈધાનિક પરબિડીયા પીળું કવર, ખાખી અને બ્રાઉન કવર, વાદળી કવર, સફેદ કવર, કાળા કલરનાં અને વધારાનાં સફેદ કવરોનો સમાવેશ થાય છે. આ કવરોની અંદર અલગ-અલગ પ્રકારનાં ચીજવસ્તુઓ અને ઉપયોગી કાગળોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 24 પ્રકારની લેખન સામગ્રી મતદાન માટે આપવામાં આવે છે. જેમાં મતકુટીર, મતકુટીરનાં સ્ટેન્ડ, બ્લેડ, તેલ વિગેરે દુર કરવા કાપડ અથવા ચીથરૂ, રબ્બર બેડ, સેલોટેપ, બોલપેન બે વાદળી અને એક લાલ, મીણીયો દોરાનો એક દડો, પાતળી દોરીનો એક દડો, સીલીંગ પટ્ટી સહિત ચીજવસ્તુઓનાં ઉપયોગ બાદ સમગ્ર મતદાનની પ્રક્રિયા પુર્ણ થતી હોય છે.

ટેન્ડર વોટ અને ચેલેન્જ વોટની પ્રક્રિયા માટે પણ તૈયારી

ટેન્ડર વોટમાં મતદાર મતદાન કરવા જાય તેવા સમયે તેમનાં નામનો મત પડી ગયો હોય તો રૂા.20ની ફી લઈ તેનાં વિવિધ ફોર્મ ભરી તેની પ્રક્રિયા કરી કવરમાં મત નાખવા દેવામાં આવે છે. ત્યારબાદ તેની સંપુર્ણ ખરાઈ કરી તે અંગેનો નિર્ણય લેવામાં આવે છે. આ ઉપરાંત ચેલેન્જ વોટ માટે વીવીપેટમાંથી કાપલી નીકળે છે અને આ કાપલી સામે કોઈ મતદાર ચેલેન્જ કરે તો તેની પાસે બાંહેધરીપત્ર લેવામાં આવે છે અને બાંહેધરીમાં સ્પષ્ટ ઉલ્લેખ હોય છે કે, ચેલેન્જ કરનાર મતદાર જો ખોટો પડે તો તેને પોલીસ કેસ વગર જ છ માસની સજા અને એક હજારનાં દંડની જોગવાઈ છે. જો મતદાર આ કિસ્સામાં સાચો પડે તો સમગ્ર મતદાનની પ્રક્રિયા અટકાવી અને તપાસ કરી ફરીથી મતદાન કરવામાં આવે છે.

City News

Sports

RECENT NEWS