Janyu Chhata Ajanyu

પ્રેમનાં વૃક્ષોને મૂળિયાં સહિત ઉખેડી નાખતો આવેશ!

By GS Team
28 Nov 20266 mins read
પ્રેમનાં વૃક્ષોને મૂળિયાં સહિત ઉખેડી નાખતો આવેશ!
  • જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
  • મહાવીર સ્વામીને દંશ આપનારા ચંડકૌશિક નામના સર્પમાં દંશમાં તો વિષ હતું, પરંતુ એની આંખમાં પણ વિષ હતું. આથી જેના પર એની દ્રષ્ટિ પડતી, તે વિષથી મૃત્યુ પામતા આવેશ એક ઝંઝાવાત જેવો છે. જે ઘરના સબંધોમાં વાવેલાં પ્રેમનાં વૃક્ષોને મૂળિયાં સહિત ઉખેડી નાખે છે. એ વ્યક્તિને વર્તમાનમાં તો હાનિ કરે છે, પરંતુ એના ભવિષ્યને પણ અંધકારમય બનાવે છે

ગૃ હસ્થાશ્રમના મધુર કાવ્ય સમાન રામાયણનાં બે દ્રશ્યો સ્મરણપટ પર તરવરે છે! એક છે રામને વનવાસ મળ્યો. દશરથ રાજાનું મૃત્યુ થયું. મામાને ત્યાં ગયેલો ભરત પાછો આવે છે અને અયોધ્યામાં પગ મૂકતાં ભરતને બધું જ સૂમસામ દેખાય છે. માતા કૈકેયીને પૂછે છે, તો ખબર પડે છે કે એના પિતા રાજા દશરથ મૃત્યુ પામ્યા છે અને એ જ કૈકેયી એને કહે છે કે રામ પિતાની આજ્ઞાથી વનમાં ગયા, સીતા અને લક્ષ્મણ પણ એમની સાથે ગયા છે. વિશેષમાં કૈકેયી ગર્વભેર કહે છે કે એને માટે અયોધ્યાનું રાજપાટ અને રામને ચૌદ વર્ષનો વનવાસ રાજા દશરથ પાસેથી માગી લીધા છે, માટે હવે તું અયોધ્યાનો રાજા છે.
આ સાંભળતાં જ ભરત ગુસ્સે થઈને કહે છે કે, ''પિતા પરલોક ગયા અને રામ વનમાં ગયા, પછી હવે અહીં જીવીને મારે શું કામ છે? તું દૂર હટ. તું મારી મા નથી. શું કરું, રામ તને માતા કહે છે, નહીં તો હમણાં જ હું તને બોલતી બંધ કરી દઉં.'' અને ભરત પાગલ થયો હોય તેમ જોરથી ચીસો પાડે છે. અહીં ભરતનો આવેશ દ્રષ્ટિગોચર થાય છે.
આવી જ રીતે બીજું દ્રશ્ય છે રામને વનમાં મળવા માટે ભરત આવે છે, ત્યારે લક્ષ્મણ દૂરથી ધૂળ ઊડતી જોઈને વિચારે છે કે કોઈ સેના આવી રહી છે અને પછી રથ પર ફરકતો અયોધ્યાનો ધ્વજ જોઈને વિચારે છે કે ભરત સેના લઈને વનવાસ વેઠતા રામને હેરાન કરવા માટે આવ્યો લાગે છે. તેથી તે રામ પાસે દોડી જઈને કહે છે,
''આજે કાં ભરત નહીં, કાં હું નહીં'' અને ત્યારે રામ એને શાંત પાડતા કહે છે, ''જરી ઠંડો પડ, શાંત થા. તું ભરતને ઓળખવામાં ભૂલ કરે છે.''
માનવીય આવેશના આ બે પ્રસંગોમાં લાગણીની સાથે આવેશ ભરેલો છે. રામાયણની તમામ ઘટનાઓમાં શ્રી રામ સદૈવ સ્વસ્થ લાગે છે. કદાચ ઋષિ વાલ્મીકિએ જોયું હશે કે ભારતવર્ષની પ્રજા લાગણીથી ભરેલી આવેગશીલ અને આવેશશીલ છે. એને લાગણીના પૂરમાં ઘસડાઈ ઘસડાઈને આવેશનો ભોગ બનવાને બદલે લાગણીના આવેશોને સ્વસ્થતાથી પાર પાડવાનો ઉપદેશ રામકથા મારફતે આપ્યો છે.
વ્યક્તિનું જીવન વિચાર, લાગણી અને આવેશ એ ત્રણથી ચાલતું હોય છે. એમાં પણ એના મનમાં કોઈ આવેશ આવે અને પછી એ આવેશ એના આખાય ચિત્તને ઘેરી લે, ત્યારે એની સ્થિતિ ઘણી કફોડી બને છે. એકવાર મનમાં એ આવેશનો ધમધમાટ જાગે પછી ઉલ્કાપાત જ. એ જે વ્યક્તિ પર ગુસ્સે થયો એટલે એ આખી દુનિયા ભૂલીને આવેશભર્યા ગુસ્સા સાથે એ વ્યક્તિ પર તૂટી પડશે. આવેશના આ સમયે એને એના પરિણામનો ખ્યાલ હોતો નથી. કોઈ ફાઈવસ્ટાર હોટલમાં જઈને વ્યક્તિ એક પછી એક વાનગીનો ઓર્ડર આપે, ત્યારે એને વાનગી આરોગવામાં ભારે મજા આવે છે અને એ વાનગીથી એ હૃષ્ટપુષ્ટ થતો જાય છે, મોજમાં ઝૂમવા લાગે છે. એવું જ આવેશોનું છે. આવેશ આવે એટલે માણસ એમાં ડૂબી જાય છે. કામ કે વિકારનો આવેશ હોય, તો એની મોજમસ્તીમાં પરોવાઈ જાય છે. ઇર્ષાનો આવેશ હોય તો એ સામી વ્યક્તિ પર વધુને વધુ દોષારોપણ ક૨વાની મજા માણતો રહે છે.
આમ, આવેશ વ્યક્તિને બહેકાવે છે. ફાઈવસ્ટાર હોટલમાં વાનગી ખાવાની મજા પડે, પરંતુ જ્યારે બિલ આવે ત્યારે ખબર પડે, એ જ રીતે આવેશનો અનુભવ એ ઘડીએ વ્યક્તિને ચિત્તરંજક, મનોરંજક કે દેહરંજક લાગતો હોય છે, પરંતુ એનું પરિણામ આવે ત્યારે એને એનાથી થયેલા અનિષ્ટનો ખ્યાલ આવે છે. પછી એનું વળતર ગુસ્સાના આવેશને ચૂકવવાનું હોતું નથી, પરંતુ તમારે પોતે ચૂકવવાનું હોય છે.
જીવનમાં અનિયંત્રિત આવેશોને કારણે ઘણીવાર વ્યક્તિને એની મોટી કીંમત ચૂકવવી પડે છે. કોઈ આવેશને વશ થઈને કશુંક એવું બોલી નાખે છે કે જેને કા૨ણે એનો મધુર સબંધ ઝેર જેવો બની જાય છે. કોઈ આવા આવેશને વશ થઈને પોતાની નોકરી ખોઈ બેસે છે, તો કોઈ પોતાનું સ્વાસ્થ્ય ગુમાવે છે. આમ જુદા જુદા આવેશો જૂદું જૂદું પરિણામ લાવતા હોય છે, પરંતુ આ બધામાં એક વાત એટલી નક્કી હોય છે કે આવા આવેશને કારણે વ્યક્તિનું ભવિષ્ય અંધકારમય બને છે. આથી જીવનમાં આવતા વાસના કે વૃત્તિના આવેશના પોષણને બદલે એને શિસ્તબદ્ધ બનાવવાની જરૂર છે અને એ આવેશ પર આત્મસંયમની લગામ મૂકવાથી એ આવેશોમાંથી તમે બહાર આવી શકશો. 'જેવું વાવો, તેવું લણો' તે વાત તમારા આવેશભર્યા વર્તનને માટે તદ્દન સાચી છે.
ઘણી વ્યક્તિઓ તો પ્રત્યેક ક્ષણે માત્ર તીવ્ર આવેશ પર જીવતી હોય છે. એમને વાસનાનો આવેશ આવે, તો એ બધી વિવેકદ્દષ્ટિ બાજુએ મૂકીને એને માટે તડફડાટ કરતી હોય છે અને એ જ આવેશ એ વ્યક્તિને બળાત્કાર સુધી દોરી જાય છે. એવી જ રીતે જો ક્રોધનો આવેશ જાગે, તો વ્યક્તિ સતત ક્રોધાયમાન રહે છે અને એનો મનમાં ધૂંધવાતો ક્રોધ જ્યારે વાણી કે વર્તનરૂપે આવેશ સહિત બહાર નીકળે છે, ત્યારે એ ઘણી મોટી હાનિ પહોંચાડે છે. આ સમયે વ્યક્તિ એની આસપાસનું જગત ભૂલી જાય છે. સ્નેહ, પ્રેમ, મૈત્રી જેવા ભાવો એને દેખાતા નથી અને માત્ર એ આવેશથી પોતાનો ક્રોધ પ્રગટ કરતો રહે છે.
મહાવીર સ્વામીને દંશ આપનારા ચંડકૌશિક નામના સર્પમાં દંશમાં તો વિષ હતું, પરંતુ એની આંખમાં પણ વિષ હતું. આથી જેના પર એની દ્રષ્ટિ પડતી, તે વિષથી મૃત્યુ પામતા. આકાશમાં ઊડતાં પક્ષીઓ પર એની નજર પડે અને એ નજરના દંશથી-દ્રષ્ટિવિષથી- પક્ષીઓ મરી જતા. આ પ્રતીકનો અર્થ જ એ છે કે ક્રોધ એ વ્યક્તિની વાણીમાં જ નહીં, બલ્કે એના સમગ્ર વ્યક્તિત્વમાં ઓગળી ગયો હોય છે. આવી જ રીતે માણસના જીવનમાં આવતા આવેશો એ એના જીવનના ઘણા અવરોધોનું કારણ બનતા હોય છે.
તમે રમકડાં માટે જીદ કરતા બાળકને જોયો છે. એ બાળક એટલી બધી જીદ કરે છે કે તમારે એની આગળ નમતું જોખવું પડે છે અને જો તમે એને એ ૨મકડું ન આપો, તો એ બીજી કોઈ વસ્તુ લઈને ફેંકી દેશે. તોડફોડ ક૨શે, ગુસ્સો ક૨શે, જોરથી ૨ડશે, ઘરમાંથી ભાગી જશે. બાળપણમાં આવા આવેશો સહજ હોય છે, પરંતુ વ્યક્તિ મોટી થાય અને પેલાં બાળકોની જેમ ઉધમાત મચાવે તે કેવું? બાળકની માફક એ ઘરમાં તોડફોડ શરૂ કરી દે, તે કેવું? આવા અનિયંત્રિત આવેશને કારણે આજે અનેક ઘરોમાં આપણે જોઈએ છીએ કે ગુસ્સે થયેલો પતિ એ એના હાથમાં જે કંઈ વસ્તુ હોય, તે એની પત્ની પર ઝીંકતો હોય છે, એને તમાચો મારતો હોય છે કે એના પર પ્રહાર કરતો હોય છે.
અમેરિકા જેવા પ્રગતિશીલ ગણાતા દેશમાં પણ આજે પત્નીને માર મારવાની ઘટના પુષ્કળ પ્રમાણમાં બને છે. આનું કારણ એટલું કે એ વ્યક્તિને પોતાના આવેશોને ઓગાળીને સ્વસ્થતા કેમ ધારણ કરવી, તે શીખવા મળ્યું નથી. આવેશો પ્રમાણે ચાલતો બાળક જેમ પોતાનું ૨મકડું કે ઘરની ચીજવસ્તુ તોડી નાખે છે, એ જ રીતે આવેશશીલ માણસ પણ પોતાની જાતને નુકસાન કરે છે.
આજના સમયમાં કુટુંબો વધુને વધુ નાનાં થવાં લાગ્યા છે. એક સમયે સંયુક્ત કુટુંબમાં યુવાનને પોતાનો આવેશ પ્રગટ કરવા માટે ઘણાં આધારસ્થાનો હતાં. એ મોટાભાઈને વાત કરી શકતો, પિતાને વાત કરી શકતો, એથી આગળ વધી દાદાને વાત કરી શકતો. આજે આવા આવેશોનું ઉત્સર્જન કરવાની અનુકૂળતા કુટુંબમાં રહી નથી અને તેને પરિણામે પતિનો આવેશ પત્નીના દુઃખનું કારણ બને છે અને એથીય વિશેષ તો એ આવેશનું પરિણામ દિવસો સુધી એ દંપતિને અનુભવવું પડે છે.
આવેશ એક ઝંઝાવાત જેવો છે. જે ઘરના સબંધોમાં વાવેલાં પ્રેમનાં વૃક્ષોને મૂળિયાં સહિત ઉખેડી નાખે છે. એ વ્યક્તિને વર્તમાનમાં તો હાનિ કરે છે, પરંતુ એના ભવિષ્યને પણ અંધકારમય બનાવે છે, આથી જ ઋષિ વાલ્મીકિએ રામના જેવું વ્યક્તિત્વ આ પ્રજાને આપ્યું, જે જીવનની કોઈપણ ક્ષણે કે પળે આવેશથી દોરવાતું નથી અને સતત સ્વસ્થતા ધારણ કરીને જીવનની ઘટનાઓને સ્વીકારે છે.