જામનગર શહેર અને જિલ્લામાં નિર્ભયપણે ગરબે ઘૂમશે નારી, સુરક્ષા કરશે 'શી ટીમ' : રોમિયોગીરી કરનારાઓ સામે કડક કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગરમાં નવરાત્રિ દરમિયાન મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે પોલીસની 'શી ટીમ' સક્રિય બની છે. મહિલા પોલીસ કર્મચારીઓ પરંપરાગત પોશાક અને ડ્રેસકોડમાં વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં પહોંચી મહિલા ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમીને સુરક્ષા વ્યવસ્થા પર ચાંપતી નજર રાખી રહી છે. ગરબા ગ્રાઉન્ડ તથા તેની આસપાસ રોમિયોગીરી કરતા શખ્સોને પકડી તેમની સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
જામનગર શહેર અને જિલ્લામાં નવરાત્રિ મહોત્સવ તથા દશેરાની ઉજવણી ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ વિશેષ સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓ નિર્ભય બની ગરબામાં ભાગ લઈ શકે તે માટે પોલીસ દ્વારા દેખરેખ અને ચેકિંગ વધારવામાં આવ્યું છે.
સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ.ડોડીયાની સૂચનાથી 'શી ટીમ' ના પીએસઆઇ વી.આર.ધોરીયા સહિતની ટીમે વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. પરંપરાગત પોશાકમાં હાજર મહિલા પોલીસ કર્મચારીઓએ ખેલૈયાઓ વચ્ચે રહી શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી હતી.
આ દરમિયાન ગરબા ગ્રાઉન્ડ અને આસપાસ રોમિયોગીરી કરતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. શંકાસ્પદ વ્યક્તિઓ તથા તેમનાં વાહનોની તપાસ સાથે વાહનોના દસ્તાવેજો ચકાસવામાં આવ્યા હતા. બ્રેથએનલાઇઝર દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.




