Jamnagar

જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લેતાં ખેડૂતો-શહેરીજનોમાં વ્યાપક ચિંતા: ખેડૂતોની આકાશ તરફ મીંટ મંડાઈ

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદે વિરામ લેતા ખેડૂતો અને શહેરીજનો ચિંતિત છે. હવામાન વિભાગની આગાહી છતાં શનિ-રવિ દરમિયાન જિલ્લામાં ક્યાંય નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. છેલ્લા 24 કલાકમાં પણ શૂન્ય મી.મી. વરસાદ નોંધાયો છે. લાલપુર પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો, પરંતુ વાદળો વિખેરાઈ જતાં મેઘરાજા વરસ્યા ન હતા. લોકો હવે આકાશ તરફ મીટ માંડી વરસાદની રાહ જોઈ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લેતાં ખેડૂતો-શહેરીજનોમાં વ્યાપક ચિંતા: ખેડૂતોની આકાશ તરફ મીંટ મંડાઈ

Jamnagar: જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ સંપૂર્ણપણે વિરામ લીધો છે અને વરસાદના અભાવે ખેડૂતો તેમજ શહેરીજનોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સૂર્યદેવતા અને વાદળો વચ્ચે સંતાકૂકડીનો ખેલ જોવા મળી રહ્યો છે, પરંતુ વાદળો ઘેરાયા બાદ પણ મેઘરાજા વરસતા ન હોવાથી લોકોમાં વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે.

દરમિયાન ગઈકાલે બપોર બાદ લાલપુર પંથકમાં અચાનક વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને વરસાદની એન્ટ્રી થાય તેવા સંજોગો ઉભા થયા હતા. જોકે, ત્યારબાદ પવનને કારણે વાદળો વિખેરાઈ જતાં લાલપુરમાં પણ મેઘરાજાએ વરસ્યા વિના જ વિરામ લીધો હતો.

હવામાન વિભાગ દ્વારા શનિ-રવિ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે જામનગર જિલ્લામાં વરસાદની આશા બંધાઈ હતી, પરંતુ આગાહી વચ્ચે પણ જિલ્લામાં ક્યાંય નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. પરિણામે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોની ચિંતા વધી રહી છે.

છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં એક પણ મી.મી. વરસાદ નહીં

જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તરફથી મળેલા જામનગર જિલ્લાના પી.એચ.સી. ખાતે નોંધાયેલા વરસાદના દૈનિક પત્રક તા. 09/08/2026 મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાના તમામ નોંધાયેલા કેન્દ્રો પર શૂન્ય મી.મી. વરસાદ નોંધાયો છે.

આમ, મોસમ દરમિયાન કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો હોવા છતાં છેલ્લા એક સપ્તાહથી વરસાદે ખેંચતાં હવે ખેડૂતોની નજર ફરી એક વખત આકાશ તરફ મંડાઈ છે. વાદળો ઘેરાય, પવન ફૂંકાય અને વરસાદના સંજોગો સર્જાય છતાં મેઘરાજા વરસતા ન હોવાથી લોકોમાં ચિંતા સાથે વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.

તાપમાનમાં ગરમી-ઉકળાટ યથાવત્

જામનગર ખાતે નોંધાયેલા હવામાનના આંકડા મુજબ લઘુત્તમ તાપમાન 26.5 ડિગ્રી સેલ્સિયસ, મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ, ભેજનું પ્રમાણ 82% અને પવનની ગતિ 10.7 કિ.મી. પ્રતિ કલાક નોંધાઈ છે.