જામનગર-ખંભાળિયા હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે પરપ્રાંતીય યુવાનનું કરૂણ મૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : જામનગર-ખંભાળિયા હાઇવે પર મોટી ખાવડી નજીક નાગાર્જુન પેટ્રોલ પંપ સામે જાહેર રોડ પર અજાણ્યા વાહનની અડફેટે ગંભીર રીતે ઘવાયેલા મજૂરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી વાહનચાલક વાહન સાથે ફરાર થઇ જતાં મેઘપર (પડાણા) પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, નંદલાલ ગાંગો મહતો (ઉંમર 43 વર્ષ, મૂળ ઝારખંડ)ના રહેવાસી અને હાલ મોટી ખાવડી સીમમાં નાગાર્જુન પેટ્રોલ પંપ પાછળ આવેલી લેબર કોલોનીમાં રહી મજૂરી કામ કરતા હતા. તા. 11 સપ્ટેમ્બરના રોજ રાત્રિના આશરે સાડા આઠથી નવ વાગ્યાના અરસામાં તેઓ નાગાર્જુન પેટ્રોલ પંપ સામે જામનગર-ખંભાળિયા હાઇવે પર રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે વાહન પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી નંદલાલને ટક્કર મારી હતી.
અકસ્માતમાં નંદલાલને શરીરના વિવિધ ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં સ્થળ પર લોકો એકત્ર થયા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ફરજ પરના તબીબે ગંભીર ઇજાઓના કારણે નંદલાલને મૃત જાહેર કર્યા હતા.
આકસ્મિક મોત અંગેની કાયદેસરની કાર્યવાહી બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ મૃતદેહનો કબજો તેમના નજીકના સગાએ સંભાળ્યો હતો. અંતિમવિધિ માટે મૃતદેહ વતન ઝારખંડ લઇ જવામાં આવ્યો હતો.
બનાવ અંગે નંદલાલ સાથે કામ કરતા સુપરવાઇઝર ટેકલાલે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 તથા 106(1) અને મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી અકસ્માત સર્જી ફરાર થયેલા અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.




