જામનગરના ચંદ્રાગા ગામના 3 મંદિરોમાં થયેલી રૂ.3.10 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો : 2 શખ્સો ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Temple Theft : જામનગર તાલુકાના ચંદ્રાગા ગામમાં ત્રણ અલગ-અલગ ધાર્મિક સ્થળોમાંથી સોના-પંચધાતુના છત્તર અને પિત્તળના ઘંટ સહિત રૂ. 3.10 લાખની ચોરી કરવાના ચકચારી બનાવનો પંચકોશી ‘બી’ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.1.55 લાખનો ચોરીનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચંદ્રાગા ગામમાં આવેલા ચામુંડા માતાજીના મંદિરમાંથી આશરે બે કિલો વજનના પંચધાતુના છત્તર, જેની કિંમત રૂ.80 હજાર તથા રૂ.20 હજારની કિંમતનું સોનાનું છત્તર ચોરાયું હતું. આ ઉપરાંત ખોડિયાર માતાજીના મંદિરમાંથી આશરે સાડા ચૌદ કિલો વજનનો રૂ.10 હજારની કિંમતનો પિત્તળનો ઘંટ અને વાકોલ માતાજીના મઢમાંથી આશરે બે તોલા વજનનું રૂ. બે લાખની કિંમતનું સોનાનું ફરૂ ચોરાયું હતું.
આ બનાવ અંગે પંચકોશી ‘બી’ ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરેડ ગામના સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ધૈર્યરાજ પાનની દુકાન પાસેથી એક શંકાસ્પદ શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન અન્ય સાગરીતનું નામ ખૂલતા પોલીસે તા.15 જુલાઈના રોજ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં ચંદ્રાગા ગામનો સિદ્ધરાજસિંહ ઉર્ફે સિધો વનરાજસિંહ શીવુભા જાડેજા (ઉ.વ. 23) અને મૂળ વિજયપુરનો તેમજ હાલ જામનગરમાં રહેતો હાર્દિક સુરેશભાઈ નથુભાઈ દુધાગરા (ઉ.વ. 32)નો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી સોનાનું છત્તર અને લંબચોરસ આકારનું સોનાનું ફરૂ મળી કુલ 6 ગ્રામ 50 મિલીગ્રામ વજનના રૂ.1.15 લાખના સોનાના દાગીના તેમજ અલગ-અલગ ડિઝાઇનના આશરે એક કિલો એક ગ્રામ વજનના રૂ.40 હજારના પંચધાતુના છત્તર કબજે કર્યા છે.
આમ, પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ રૂ.1.55 લાખનો ચોરીનો મુદ્દામાલ કબજે કરી બાકીના મુદ્દામાલ તથા ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.




