જામનગર શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારે મોસમે મિજાજ બદલ્યો : ધુમ્મસની ચાદર છવાઈ, વાહનચાલકોને હાલાકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગર શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારે ફરી એક વખત મોસમનો મિજાજ બદલાયો હતો અને વહેલી પરોઢે સમગ્ર પંથકમાં ધુમ્મસની ચાદર છવાઈ જતાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. વહેલી સવારે ઝાકળ સાથે ધુમ્મસ છવાતાં માર્ગો પર દૃશ્યતા ઘટી ગઈ હતી. જેના કારણે વાહનચાલકોને દૂર સુધીનો માર્ગ જોવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાહનચાલકોએ વાહનોની લાઇટ ચાલુ રાખીને તેમજ વાઇપરનો ઉપયોગ કરીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. સવારના સાડા આઠ વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં ધુમ્મસની અસર જોવા મળી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં ઉતાર-ચઢાવ વચ્ચે રાત્રિના સમયે ઠંડકનો અહેસાસ થવા લાગ્યો છે. વહેલી સવારે ઝાકળ અને ઠંડકભર્યા વાતાવરણને કારણે લોકોને આહ્લાદક અનુભવ થયો હતો. જોકે, દિવસ દરમિયાન તાપમાનનો પારો ઊંચે જતાં બપોરના સમયે ગરમીનો અનુભવ પણ થઈ રહ્યો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેર અને જિલ્લામાં લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ 81 ટકા નોંધાયું હતું. બીજી તરફ, પવનની ગતિ પ્રતિ કલાક માત્ર 3.2 કિલોમીટર જેટલી રહેતાં બપોરના સમયે ગરમીની અસર વધુ અનુભવાઈ હતી.
જામનગર શહેર અને જિલ્લામાં વહેલી સવારે ઝાકળ, ધુમ્મસ અને ઠંડકભર્યા વાતાવરણની શરૂઆત થતાં હવે ધીમે ધીમે શિયાળાના આગમનના એંધાણ વર્તાઈ રહ્યા હોય તેવો અનુભવ લોકો કરી રહ્યા છે. જોકે, દિવસ દરમિયાન ગરમી યથાવત્ રહેતાં વાતાવરણમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.




