જામનગર નજીક શાપર પાટિયા પાસે બસે ડિવાઇડર ઓળંગી બાઇકને હડફેટે લેતાં ચાલકનો પગ ભાંગ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : જામનગર તાલુકાના નાઘેડી ખાતે રહેતા અને ખાનગી કંપનીમાં ટ્રેક્ટર ડ્રાઇવર તરીકે કામ કરતા અરજણભાઈ માલદેભાઈ જોગાણી (ઉ.વ. 41)એ બસ ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, તા. 31 જુલાઈના રોજ સવારે આશરે સાડા આઠ વાગ્યે અરજણભાઈ પોતાની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ લઈને રિલાયન્સ કંપનીના શાપર ગેટથી ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન શાપર પાટિયા નજીક ખંભાળિયા તરફથી આવેલી ખાનગી બસ નાં જી.જે. 16 એ.વી. 6478 ના ચાલકે બેફિકરાઈપૂર્વક બસ હંકારી ડિવાઇડર ઓળંગી શાપર ગામ તરફના રસ્તા પર ચઢાવી તેમની મોટરસાયકલને ટક્કર મારી હતી.
અકસ્માતમાં અરજણભાઈ રોડ પર પટકાયા હતા અને બસની આગળની નંબર પ્લેટ નીચે તેમનો ડાબો પગ આવી જતા ગંભીર ઇજા પહોંચી હતી. તેમના ભાઈ લાખાભાઈ તેમને જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં ડાબા પગમાં ફ્રેક્ચર હોવાનું નિદાન થયું હતું. બાદમાં તેઓ ગુલાબનગર સ્થિત ડિવાઇન હોસ્પિટલમાં દાખલ થયા હતા, જ્યાં તેમના પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
સારવાર પૂર્ણ થયા બાદ અરજણભાઈએ બસના ચાલક સામે બેફિકરાઈથી વાહન હંકારી અકસ્માત સર્જ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









