જામનગરમાં ચાની હોટલમાં તસ્કરોનો હાથફેરો : પહેલાં પેટ ભર્યું પછી રોકડ પર હાથ સાફ કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Theft Case : જામનગર શહેરના નાનકપુરી વિસ્તારમાં ગુરુ નાનક મંદિર પાસે આવેલી સુરેશ ચાની હોટલમાં મોડીરાત્રે બે અજાણ્યા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની માહિતી સામે આવી છે. આ ચોરીની ઘટનાની ખાસ વાત એ છે કે તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યા બાદ સૌથી પહેલાં પોતાની ભૂખ સંતોષી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, બંને તસ્કરો ચોરીના ઇરાદે હોટલમાં ઘૂસ્યા હતા. દુકાનમાં પ્રવેશ્યા બાદ તેમણે ત્યાં રહેલા બિસ્કિટ, ચોકલેટ, વેફરના પેકેટ, ઠંડા પીણાં તેમજ ઠંડા પાણીની બોટલનો ઉપયોગ કરી પેટનો ખાડો પૂર્યો હતો. ત્યારબાદ તેઓએ દુકાનમાં રહેલી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ચોરીની આ સમગ્ર ઘટના દુકાનમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ફૂટેજમાં બે શખ્સો ચોરી કરતાં સ્પષ્ટ રીતે જોવા મળ્યા હોવાનું વેપારી દ્વારા જણાવાયું છે. આ CCTV ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા છે.
પ્રાથમિક અંદાજ મુજબ ચોરીમાં આશરે રૂ.1.20 લાખની રોકડ રકમની ચોરી થઈ હોવાનું જણાવાઈ રહ્યું છે. જોકે, ચોરી ગયેલા મુદ્દામાલ અને નુકસાન અંગેનો ચોક્કસ આંકડો પોલીસ તપાસ અને વેપારીના હિસાબ બાદ સ્પષ્ટ થશે.
ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળનું નિરીક્ષણ કરીને તપાસ શરૂ કરી છે. વેપારીના નિવેદનના આધારે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ CCTV ફૂટેજ તથા અન્ય ટેક્નિકલ પુરાવાના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ ઘટનાને પગલે નાનકપુરી વિસ્તારના વેપારીઓમાં ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.




