Jamnagar

ફેસબુક પર ટિકટોક ડાઉનલોડની પોસ્ટની લિંક ક્લિક કરતાં સિક્કાના ડ્રાઇવર સાથે રૂ.50 હજારની ઓનલાઈન છેતરપિંડી

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં સિક્કાના ફારુખભાઈ ચમડીયા સાથે ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ફેસબુક પર TikTok ડાઉનલોડ કરવાની લિંક પર ક્લિક કરીને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા તેમના બેંક ખાતામાંથી 50,000 રૂપિયા અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા. સિક્કા પોલીસે IT એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફેસબુક પર ટિકટોક ડાઉનલોડની પોસ્ટની લિંક ક્લિક કરતાં સિક્કાના ડ્રાઇવર સાથે રૂ.50 હજારની ઓનલાઈન છેતરપિંડી

Jamnagar Fraud Case : જામનગર નજીક સિક્કા ગરીબ નવાઝ ચોક વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ફારુખભાઈ જુનસભાઈ ચમડીયા (ઉં.વ.45) સાથે ઓનલાઈન છેતરપિંડી થયાની ફરિયાદ સિક્કા પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદ મુજબ ફેસબુક પર ટિકટોક ડાઉનલોડ કરવાની પોસ્ટમાં આવેલી લિંક પર ક્લિક કરી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેમના બેંક ખાતામાંથી રૂ.50 હજાર અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા.
ફારુખભાઈના જણાવ્યા મુજબ તા.17 સપ્ટેમ્બરની રાત્રે તેઓ મોબાઇલમાં ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે ટિકટોકની એક પોસ્ટ જોવા મળી હતી. પોસ્ટમાં આવેલી લિંક પર ક્લિક કરતાં બતાવાયેલી એપ્લિકેશન તેમણે ડાઉનલોડ કરી હતી. બીજા દિવસે તેઓ ડ્રાઇવિંગના કામે વાડીનાર બહાર ગયા હતા. બપોરે તેમણે ગુગલ પે મારફતે એક દુકાન પર રૂ.55નું પેમેન્ટ કર્યું હતું.
પેમેન્ટ કર્યાના થોડા સમય બાદ તેમનો મોબાઇલ આપમેળે બે વખત અપડેટ થયો અને ત્યારબાદ રીસ્ટાર્ટ થયો હતો. દરમિયાન બપોરે 2.51 વાગ્યાના અરસામાં તેમના મોબાઇલ પર બેંક ખાતામાંથી રૂ.50 હજાર ઉપડી ગયાનો સંદેશ આવ્યો હતો. તેમણે યુપીઆઈની લેવડદેવડની વિગતો તપાસતા રૂ.50 હજાર અજાણ્યા ફેડરલ બેંકના ખાતામાં ટ્રાન્સફર થયેલા હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે સાયબર છેતરપિંડી થયાની જાણ થતાં તેમણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ જાણવા મળ્યું કે તેમની રકમ ફેડરલ બેંકના ખાતામાં ટ્રાન્સફર થઈ હતી. ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ આ ખાતામાંથી ચેક મારફતે કુલ રૂ.1.90 લાખ ઉપાડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
સિક્કા પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 318(4) તથા માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમની કલમ 66(સી), 66(ડી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.