Jamnagar

જામનગરમાં મહેસૂલી કર્મચારીઓની હડતાળનો બીજો દિવસ : રામધૂન બોલાવી સરકારને જગાડવાનો પ્રયાસ

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં પડતર માંગણીઓ મુદ્દે મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. આજે હડતાળનો બીજો દિવસ છે, જેમાં 260થી વધુ કર્મચારીઓ જોડાયા છે. જૂની કલેક્ટર કચેરી પાસે મહિલા અને પુરુષ કર્મચારીઓ બે અલગ-અલગ છાવણીમાં ધરણાં કરી રહ્યા છે. કર્મચારીઓએ રામધૂન કરીને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં મહેસૂલી કર્મચારીઓની હડતાળનો બીજો દિવસ : રામધૂન બોલાવી સરકારને જગાડવાનો પ્રયાસ

Jamnagar News : જામનગર શહેર-જિલ્લાની સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા મહેસૂલી કર્મચારીઓ પડતર માંગણીઓના નિરાકરણની માંગ સાથે અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા છે. હડતાળનો આજે બીજો દિવસ છે ત્યારે લાલબંગલા સ્થિત જૂની કલેક્ટર કચેરી પાસે મહેસૂલી કર્મચારીઓ દ્વારા બે અલગ-અલગ છાવણી ઊભી કરી ધરણાં કરવામાં આવી રહ્યાં છે.
જૂની કલેક્ટર કચેરી પાસે આવેલી મહેસૂલી કર્મચારી મંડળની કચેરી નજીક બનાવવામાં આવેલી એક છાવણીમાં મહિલા કર્મચારીઓ હાથમાં બેનર-પોસ્ટરો સાથે ધરણાં પર બેઠાં હતાં, જ્યારે બાજુની બીજી છાવણીમાં પુરુષ કર્મચારીઓ પણ બેનર-પોસ્ટરો સાથે હડતાળ પર બેઠા હતા. કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
હડતાળના બીજા દિવસે તા.8 ઓક્ટોબરના રોજ સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધી જૂની કલેક્ટર કચેરી ખાતે રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કર્મચારીઓએ રામધૂન બોલાવી સરકારનું ધ્યાન પોતાની પડતર માંગણીઓ તરફ દોરવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ આજે બપોરે 4થી 5 વાગ્યા દરમિયાન મહેસૂલી કર્મચારીઓ શ્રી બાલા હનુમાન મંદિર ખાતે પહોંચીને રામધૂનનો પાઠ કરશે અને શ્રી હનુમાનજી મહારાજને પ્રાર્થના કરશે કે મહેસૂલ વિભાગ દ્વારા કર્મચારીઓની પડતર માંગણીઓનું સંજ્ઞાન લેવામાં આવે અને હડતાળનો વહેલી તકે સુખદ અંત આવે.
મહેસૂલી કર્મચારી મંડળ વર્ગ-3ના જણાવ્યા મુજબ, જામનગરમાં 260થી વધુ સભ્ય એવા સરકારી કર્મચારીઓ આ અનિશ્ચિત મુદતની હડતાળમાં જોડાયા છે. હડતાળ દરમિયાન કોઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું નથી અને કર્મચારીઓ દ્વારા શાંતિપૂર્ણ રીતે ધરણાં તથા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.