Jamnagar

જામનગરમાં 5,000થી વધુ મરઘીના બચ્ચાનું ગેરકાયદે વેચાણનું કૌભાંડ પકડાયું, બે પરપ્રાંતીય શખસો ઝડપાયા

By GS Team
27 Jun 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં એનિમલ વેલ્ફેર સંસ્થાએ 5,000થી વધુ મરઘીના બચ્ચાંને બચાવ્યા છે. પશ્ચિમ બંગાળથી આણંદ થઈને જામનગર લવાયેલા આ બચ્ચાને નાના બોક્સમાં ખોરાક-પાણી વિના ગુંગળાવવામાં આવતા હતા. જીવા ફાઉન્ડેશને બેડેશ્વર રોડ પરથી ગેરકાયદે વેચાણ કરતા 2 પરપ્રાંતીય શખ્સોને પકડી પોલીસ હવાલે કર્યા છે. બચ્ચાઓને સુરક્ષિત સ્થળે પોલ્ટ્રી ફાર્મમાં મોકલાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં 5,000થી વધુ મરઘીના બચ્ચાનું ગેરકાયદે વેચાણનું કૌભાંડ પકડાયું, બે પરપ્રાંતીય શખસો ઝડપાયા

Over 5,000 Chicks Rescued in Jamnagar: જામનગર શહેર અને આસપાસના પંથકમાં ગેરકાયદે અને ક્રૂરતાપૂર્વક મરઘીના બચ્ચાંનું વેચાણ કરવાનું એક મોટું નેટવર્ક ઝડપાયું છે. પશ્ચિમ બંગાળથી આણંદ થઈને જામનગર લાવવામાં આવેલા આશરે 5 હજાર જેટલા મરઘીના બચ્ચાંઓને એનિમલ વેલ્ફેર સંસ્થાએ બચાવી લીધા છે. એક નાના બોક્સમાં ક્ષમતા કરતાં દસ ગણા બચ્ચાંઓને પૂરીને રાખવામાં આવ્યા હતા, જ્યાં તેઓ ખોરાક-પાણી વિના ગુંગળાઈ રહ્યા હતા. જીવદયા પ્રેમીઓએ આ તમામ બચ્ચાંઓને મુક્ત કરાવી સુરક્ષિત સ્થળે મોકલ્યા છે, જ્યારે ગેરકાયદે વેચાણ કરતાં બે પરપ્રાંતીય શખ્સોને સિટી બી. ડિવિઝન પોલીસના હવાલે કર્યા છે.

રોડ પર માત્ર 25 રૂપિયામાં થતું હતું ગેરકાયદે વેચાણ

મળતી માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળના નવ જેટલા શખ્સો છેલ્લા ત્રણેક દિવસ પહેલાં આણંદથી મોટી સંખ્યામાં મરઘીના બચ્ચાંઓને બોક્સમાં ભરીને જામનગર લાવ્યા હતા. તેઓ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં જાહેર રોડ પર માત્ર 25 રૂપિયામાં એક બચ્ચું વેચી રહ્યા હોવાની બાતમી એનિમલ વેલ્ફેરની સંસ્થા 'જીવા ફાઉન્ડેશન'ને મળી હતી.

બાતમીના આધારે જામનગરની આ સંસ્થાના દીપેન પરમાર અને તૃપ્તિબહેન દાવદરા મરઘીના બચ્ચાં ખરીદવાના બહાને ગ્રાહક બનીને બેડેશ્વર વિસ્તારમાં પહોંચ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું કે, જે બોક્સમાં માત્ર 5 બચ્ચાં રાખી શકાય તેમાં આ શખ્સોએ 50થી વધુ બચ્ચાંઓને ખીચોખીચ ભર્યા હતા. બચ્ચાઓ ગુંગળાઈ જાય તેવી સ્થિતિમાં હતા અને તેમને ખોરાક કે પાણી પણ આપવામાં આવતું ન હતું. સૌપ્રથમ જીવદયા પ્રેમીઓએ વાતોમાં કેળવીને તેમની પાસેથી 160 બચ્ચા ખરીદ્યા હતા અને ત્યારબાદ પોતાની ઓળખ આપીને આખું કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું.

5000 બચ્ચાંઓને બચાવી ફાર્મમાં મોકલાયા

જીવા ફાઉન્ડેશન દ્વારા તમામ 5000 જેટલા નાના બચ્ચાંઓને અન્ય મોટા બોક્સ અને પિંજરામાં સલામત રીતે રેસ્ક્યૂ કરી લેવાયા હતા. આ બચ્ચાંઓને સૌપ્રથમ નવાગામ ઘેડ વિસ્તારમાં પક્ષીઓની આશ્રય વ્યવસ્થાના સ્થળે રાખવામાં આવ્યા હતા. જેમાંથી 2000 મરઘીના બચ્ચાંને કલ્યાણપુર નજીક ગણેશગઢમાં આવેલા પોલ્ટ્રી ફાર્મમાં ઉછેર માટે મોકલી દેવાયા છે, જ્યારે બાકીના 3000 બચ્ચાંઓને પણ કલ્યાણપુર તરફ મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર ઘટના અંગે જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે. જીવદયા પ્રેમીઓએ ગેરકાયદે વેચાણ કરનારા બે પરપ્રાંતીય શખ્સોને પકડીને પોલીસ મથકે સુપ્રત કર્યા છે, જેમની સામે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, આ નવ શખ્સોનું આખું નેટવર્ક જામનગરના જુદા જુદા વિસ્તારોથી લઈને છેક ખંભાળિયા સુધી ફેલાયેલું હતું. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આ મામલે વધુ ચોંકાવનારા ઘટસ્ફોટ થવાની શક્યતા છે.