લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત કર્મચારીની તેના જ ઘરમાં ઘાતકી હત્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર : લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીનો મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યો હતો. મૃતકના માથાના ભાગે ઇજાનાં પાંચ નિશાન જોવા મળતાં તેમની હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘરની ચીજવસ્તુઓ વેરવિખેર હાલતમાં મળી આવતાં લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, લાલપુરમાં રહેતા મનસુખભાઈ રામજીભાઈ વાછાણી (ઉં.વ. ૬૬) પીજીવીસીએલમાંથી નિવૃત્ત થયા હતા. તેમના પુત્ર અમદાવાદમાં કારખાનું ચલાવતા હોવાથી તેના પરિવારનાં બે નાનાં બાળકોની સંભાળ રાખવાની જવાબદારીને કારણે મનસુખભાઈનાં પત્ની પણ અમદાવાદમાં રહેતાં હતાં. આથી લાલપુરમાં મનસુખભાઈ એકલા જ રહેતા હતા.
દરમિયાન, ગઈ કાલે રાત્રે મનસુખભાઈના ઘરમાંથી કોઈ હલચલ જણાતી ન હતી. દરવાજાને બહારથી તાળું મારેલું ન હોઇ અને ઘરની લાઇટ પણ ચાલુ ન થતા પાડોશીઓએ મનસુખભાઈના લાલપુરમાં જ રહેતા નાના ભાઈ મહેન્દ્રભાઈને જાણ કરી હતી. મહેન્દ્રભાઈએ ઘરે પહોંચીને દરવાજો ખોલી તપાસ કરતાં મનસુખભાઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આથી, પોલીસને જાણ કરવામાં આવી હતી.
લાલપુરના ઇન્ચાર્જ પોલીસ અધિકારી ડી.સી. ગોહિલ સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો સંભાળ્યો હતો. મૃતકના માથાના ભાગે ઇજાનાં પાંચ નિશાન મળી આવતાં તેમની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતાં પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી.
ઘરમાં કામ કરતી તરૂણી અને તેના સંપર્કમાં રહેલા યુવાનની શોધખોળ
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ઘરમાં કામકાજ માટે આવતી એક તરૂણી અને તેના સંપર્કમાં રહેલા યુવાનની ભૂમિકા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. આ તરૂણી હાલ ગુમ હોવાનું અને તેની સાથે સંપર્કમાં રહેલો અક્ષય નામનો યુવાન પણ મળી આવતો ન હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે. પોલીસે બંનેને શોધવા માટે તપાસ આદરી છે. જોકે, શંકાસ્પદ હત્યામાં તેમની સંડોવણી અંગે હજુ સુધી કોઈ અંતિમ તારણ બહાર આવ્યું નથી.
ઘરમાં ચીજવસ્તુઓ વેરવિખેર હાલતમાં મળી આવી
મનસુખભાઈના ઘરમાં ચીજવસ્તુઓ વેરવિખેર હાલતમાં મળી આવતાં ઘરમાંથી રોકડ રકમ અથવા અન્ય કીમતી વસ્તુઓની ચોરી થઈ છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. લૂંટના ઇરાદે ઘરમાં પ્રવેશ કરીને હત્યા કરવામાં આવી હોવાની શક્યતા નકારી શકાય તેમ ન હોવાથી પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે. મૃતકના ઘરમાં પ્રવેશ કોણે કર્યો, હત્યા કયા હથિયારથી અને કયા સંજોગોમાં કરવામાં આવી તથા બનાવ પાછળનો ચોક્કસ હેતુ શું હતો તે સહિતના મુદ્દાઓની તપાસ હાથ ધરવામાં આવી છે.




