જામજોધપુરના ધોરીયા નેસમાં દારૂના જંગી જથ્થા પર પોલીસનો દરોડો : રૂ.44.40 લાખનો મુદ્દામાલ કબજે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામજોધપુર તાલુકાના ધોરીયા નેસ સીમ વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જંગી જથ્થા સાથે કુલ રૂ.44.40 લાખનો મુદ્દામાલ જામજોધપુર પોલીસે કબજે કરી ગણનાપાત્ર પ્રોહિબિશન કેસ શોધી કાઢ્યો છે. દરોડા દરમિયાન દારૂનો જથ્થો ઉતારી કટીંગ કરી અન્ય સ્થળે વેચાણ માટે સગેવગે કરવાની તૈયારી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના તથા લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતીભા આઈપીએસના માર્ગદર્શન હેઠળ જામજોધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન.શેખની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ અંગે પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે ધોરીયા નેસ ખાતે રહેતા નાથાભાઈ લાલાભાઈ મોરી, રાજુભાઈ ઉર્ફે બાઠીયો મોરી તથા તેમના મળતીયાઓએ વિદેશી દારૂ ભરેલો ટ્રક મંગાવ્યો છે અને ટ્રકમાંથી દારૂ ઉતારી કટીંગ કરી અન્યત્ર વેચાણ માટે મોકલવાની તૈયારી કરી રહ્યા છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા સરકારી તથા ખાનગી વાહનોની લાઈટ જોઈ હાજર શખ્સો નાસી છૂટ્યા હતા. સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ચપટા બોટલો નંગ-15,600, કિંમત રૂ.23,40,000, ટાટા કંપનીનો ટ્રક કિંમત રૂ.20,00,000, તેમજ ત્રણ મોટરસાયકલ સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.44,40,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પકડવાના બાકી આરોપીઓ
મુખ્ય સૂત્રધાર નાથાભાઈ લાલાભાઈ મોરી તથા રાજુભાઈ ઉર્ફે બાઠીયો મોરી, બંને રહે. ધોરીયા નેસ, તા. જામજોધપુર, તેમજ ટ્રકના ચાલક, ત્રણેય મોટરસાયકલના ચાલકો અને તપાસમાં ખુલનારા અન્ય શખ્સોનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા તમામની શોધખોળ હાથ ધરવામાં આવી છે.




