Jamnagar

જામનગરમાં નવરાત્રિ દરમિયાન પોલીસનો આકાશી પહેરો : નાઇટ વિઝન ડ્રોનથી ગરબા સ્થળો પર બાજ નજર

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં નવરાત્રિ પર્વને લઈ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. શહેર અને જિલ્લામાં ગરબા સ્થળોએ સુરક્ષા માટે નાઇટ વિઝન ડ્રોન કેમેરાથી આકાશી પહેરો ગોઠવાયો છે. મોટા આયોજનો, પાર્ટી પ્લોટ, હોટલ અને રેસ્ટોરાં સહિતના સ્થળો પર નજર રાખવામાં આવી રહી છે. ભીડ વ્યવસ્થાપન, ટ્રાફિક નિયમન અને અનિચ્છનીય બનાવ અટકાવવા પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે. ખેલૈયાઓ નિર્ભય બની ગરબા માણી શકે તે માટે જમીનથી આકાશ સુધી ચુસ્ત બંદોબસ્ત કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં નવરાત્રિ દરમિયાન પોલીસનો આકાશી પહેરો : નાઇટ વિઝન ડ્રોનથી ગરબા સ્થળો પર બાજ નજર

Jamnagar Police : જામનગર શહેર અને જિલ્લામાં નવરાત્રિના પર્વ દરમિયાન ગરબાની રમઝટ જામી છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે. ગરબા મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ખેલૈયાઓ નિર્ભય બનીને ગરબાનો આનંદ માણી શકે તે માટે પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે શહેર અને જિલ્લામાં વિવિધ ગરબા સ્થળો પર નાઇટ વિઝન ડ્રોન કેમેરાની મદદથી આકાશી પહેરો ગોઠવીને સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
જામનગર શહેરનાં મોટા ગરબા આયોજનો ઉપરાંત શહેરની આસપાસ આવેલા પાર્ટી પ્લોટ, હોટલ, રેસ્ટોરાં અને અન્ય સ્થળોએ યોજાતા રાસ-ગરબાના કાર્યક્રમો પર પણ પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ગરબા સ્થળોનાં મેદાનો, મુખ્ય પ્રવેશદ્વાર, બહાર નીકળવાના માર્ગો, વાહનોનાં પાર્કિંગ સ્થળો તેમજ આસપાસના વિસ્તારોનું ડ્રોન કેમેરાની મદદથી નિરીક્ષણ કરવામાં આવે છે.
નાઇટ વિઝન સુવિધાથી સજ્જ ડ્રોન કેમેરાની મદદથી રાત્રિના સમયે પણ વિવિધ સ્થળોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. ગરબા સ્થળોના મુખ્ય પ્રવેશદ્વારથી લઈને હાઇવે તરફ જતા માર્ગો સુધીના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા પર દેખરેખ રાખવામાં આવે છે. આ ઉપરાંત વાહન પાર્કિંગ અને નાસ્તાની દુકાનો સહિત લોકોની અવરજવર વધુ રહેતા વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ગરબા મહોત્સવમાં જોડાતા હોવાથી ભીડનું વ્યવસ્થાપન, વાહનવ્યવહારનું નિયમન અને સુરક્ષા જાળવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જમીન પર પોલીસની હાજરીની સાથે આકાશમાંથી ડ્રોન દ્વારા રાખવામાં આવતી નજરને કારણે ગરબા સ્થળો અને આસપાસના વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ ન થાય તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે.
આમ, નવરાત્રિના પર્વ દરમિયાન ખેલૈયાઓ અને ગરબાપ્રેમીઓ કોઈપણ પ્રકારના ભય કે વિક્ષેપ વિના રાસ-ગરબાનો આનંદ માણી શકે તે માટે જામનગર પોલીસ દ્વારા જમીનથી લઈને આકાશ સુધી સુરક્ષાનું ચુસ્ત માળખું ગોઠવવામાં આવ્યું છે.