Jamnagar

જામનગર શહેર-જિલ્લામાં નશાખોરો સામે પોલીસનો સપાટો : 11 શખ્સો સામે પ્રોહિબિશનના ગુના

By GS Team
14 Oct 20263 mins read
TukuTouch Logo
જામનગર પોલીસે શહેર અને જિલ્લામાં દારૂ પીને જાહેરમાં લથડિયાં ખાતા, હોબાળો કરતા અને વાહન ચલાવતા 11 શખ્સો સામે કાર્યવાહી કરી છે. નવા 80 ફૂટ રોડ પર ગર્લફ્રેન્ડના ફોટા બતાવવા મુદ્દે બોલાચાલી અને સમર્પણ સર્કલ નજીક સર્પાકારે કાર ચલાવવાનો બનાવ પણ સામે આવ્યો છે. પોલીસે પ્રોહિબિશન હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર-જિલ્લામાં નશાખોરો સામે પોલીસનો સપાટો : 11 શખ્સો સામે પ્રોહિબિશનના ગુના

Jamnagar Police : જામનગર શહેર અને જિલ્લામાં દારૂના નશામાં જાહેરમાં લથડિયાં ખાતા, હોબાળો કરતા તેમજ નશાની હાલતમાં વાહન ચલાવતા શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. શહેરના વિવિધ વિસ્તારો ઉપરાંત કાલાવડ, લાલપુર, જોડિયા અને ધ્રોલ પંથકમાં નશાની હાલતમાં મળી આવેલા કુલ 11 શખ્સો સામે જુદા જુદા પોલીસ મથકોમાં પ્રોહિબિશન હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. આ બનાવોમાં ગર્લફ્રેન્ડના ફોટા બતાવવાના મુદ્દે થયેલી બોલાચાલી અને નશામાં સર્પાકારે કાર ચલાવવાનો બનાવ પણ સામે આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જામનગરના નવા 80 ફૂટ રોડ પર દ્વારકાધીશ હોટલ નજીક ગર્લફ્રેન્ડના ફોટા અન્ય મિત્રોને બતાવવાના મુદ્દે થયેલી બોલાચાલીમાં ચંદ્રેશભાઈ હીરજીભાઈ પેઢીયા (ઉં.વ.32) નશાની હાલતમાં હોવાની ફરિયાદ ઊઠી હતી. વકીલ મહેશભાઈ યાદવે 112 હેલ્પલાઇન પર જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ચંદ્રેશભાઈ સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
અન્ય એક બનાવમાં જામનગરના સમર્પણ સર્કલ નજીક ખંભાળિયા બાયપાસ તરફથી સર્પાકાર રીતે કાર ચલાવતા તપસ્વી મનસુખલાલ જોષી (ઉં.વ.54, રહે. ખોડિયાર કોલોની)ને પોલીસે અટકાવ્યા હતા. રાહદારીઓએ ધ્યાન દોરતાં પોલીસે તપાસ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ કારચાલક નશાની હાલતમાં જણાતાં તેમની સામે પ્રોહિબિશન અને મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. અંદાજે રૂ.5 લાખની કિંમતની કાર આ બનાવમાં સામેલ હતી.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં તાડિયા હનુમાનજી મંદિર પાસે દારૂના નશામાં તોફાન કરતો હોવાની વર્ધીના આધારે સીટી ‘બી’ ડિવિઝન પોલીસે દીપકભાઈ રમેશભાઈ સોલંકી (ઉં.વ.32) સામે કાર્યવાહી કરી હતી. જ્યારે નાઘેડી પાટિયાથી અંદર આંબાવાડી રિસોર્ટ સામે જાહેર માર્ગ પર નશાની હાલતમાં લથડિયાં ખાતા વિપુલસિંહ ભરતસિંહ ઝાલા (ઉં.વ.27, રહે. પાડાણા) સામે પંચકોશી બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.
કાલાવડ પંથકમાં પણ નશાખોરો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. કાલાવડ શહેરમાં 112 જનરક્ષકની ટીમે નશાની હાલતમાં મળી આવેલા રિક્ષાચાલક પરેશભાઈ મનજીભાઈ રાઠોડ (ઉં.વ. 32)ને કાલાવડ ટાઉન પોલીસ મથકે સોંપ્યો હતો. ઉપરાંત કાલાવડ બસ સ્ટેન્ડ નજીક જાહેર માર્ગ પરથી પ્રવીણભાઈ ચનાભાઈ સારમીયા (ઉં.વ. 58) નશાની હાલતમાં મળી આવતાં તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. કાલાવડ તાલુકાના મોટી માટલી ગામના સંજયભાઈ ભીમજીભાઈ ગોહિલ (ઉં.વ.30)ને પણ 112 પોલીસની ટીમે નશાની હાલતમાં કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે સોંપતાં પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

લાલપુર તાલુકાના ગોધાવરી ગામમાં પ્રાથમિક શાળા નજીક ધનાભાઈ દેવાભાઈ ખરા (ઉં.વ.55) નશાની હાલતમાં મળી આવતાં લાલપુર પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો હતો.

જોડિયા તાલુકાના બોંકડા ગામમાં દારૂના નશામાં જાહેરમાં બકવાસ કરતો હોવાની ફરિયાદના આધારે પ્રદીપભાઈ મોહનભાઈ જવીયા (ઉં.વ.56)ને 112 પોલીસની ટીમે પોલીસ મથકે સોંપ્યા હતા. જ્યારે બાદનપર ગામના પાદરમાં રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન લથડિયાં ખાતા દીપકભાઈ લાલજીભાઈ ભોજાણી (ઉં.વ.39) મળી આવતાં તેમની સામે પણ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધાયો હતો.

ધ્રોલના આંબેડકરનગર વિસ્તારમાં સ્કૂલ પાછળ જાહેરમાં નશાની હાલતમાં બકવાસ કરતા માંડાભાઈ સિંહાભાઈ વરુ (ઉં.વ.26)ને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમના મોઢામાંથી કેફી પીણાની વાસ આવતી હોવાનું અને શરીરનું સંતુલન જાળવી શકતા ન હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

આમ, જામનગર શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બનેલા કુલ 11 બનાવોમાં પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ફરિયાદો મુજબ, સંબંધિત શખ્સો પાસે દારૂ કે કેફી પીણું પીવા અંગેના માન્ય પાસ-પરમિટ નહોતા. જુદા જુદા પોલીસ મથકોમાં ગુના નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.