Jamnagar

હાપા માર્કેટિંગ યાર્ડમાં 66 નંબરની મગફળીની બોલબાલા, મણના રૂ.2501નો ભાવ : નવાં મરચાંની પણ પધરામણી

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને મરચાંની આવકથી બજારમાં તેજી જોવા મળી છે. 66 નંબરની મગફળીના ભાવ રૂ.2550 સુધી પહોંચ્યા છે, જેમાં તમિલનાડુના વેપારીઓ ખરીદી કરી રહ્યા છે. વરસાદની અછત છતાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. હાપા યાર્ડમાં સિઝનના પ્રથમ રેવા મરચાંની પણ 15 ગુણી આવક થઈ, જેના રૂ.9100 સુધીના ઊંચા બોણીના ભાવ બોલાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

હાપા માર્કેટિંગ યાર્ડમાં 66 નંબરની મગફળીની બોલબાલા, મણના રૂ.2501નો ભાવ : નવાં મરચાંની પણ પધરામણી

Jamnagar Hapa Marketing Yard : હાલારના મુખ્ય પાક ગણાતી મગફળીના ઉત્પાદનમાં આ વર્ષે વરસાદની અછતને કારણે ઘટાડો નોંધાયો છે, ત્યારે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક સાથે બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને 66 નંબરની સારી જાતની મગફળીની માંગ વધી છે. તમિલનાડુના વેપારીઓ ખરીદી માટે જામનગર આવી રહ્યા હોવાથી ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. બીજી તરફ, હાપા યાર્ડમાં નવા મરચાંની પણ સિઝનની પ્રથમ આવક થતાં કૃષિ બજારમાં ચહલપહલ જોવા મળી છે.
હાપા માર્કેટિંગ યાર્ડમાં તા.12 ઓક્ટોબરે મગફળીનો ભાવ મણના રૂ.2550 સુધી પહોંચ્યો હતો, જ્યારે તા.13 ઓક્ટોબરે 66 નંબરની મગફળીના મણના રૂ.2501નો ભાવ નોંધાયો હતો. સારી ગુણવત્તાની મગફળીની માંગને પગલે તમિલનાડુ સહિતના અન્ય રાજ્યોના વેપારીઓ ખરીદીમાં રસ દાખવી રહ્યા છે. તેના કારણે સ્થાનિક બજારમાં મગફળીના ભાવને ટેકો મળી રહ્યો છે.
વરસાદની અછત વચ્ચે સારી ગુણવત્તાની મગફળીની માંગ
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે વરસાદની અછતને કારણે મગફળીના ઉત્પાદન પર અસર પડી છે. જોકે, સારી ગુણવત્તાની મગફળીની માંગ યથાવત્ રહેતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. મગફળીના સારા ભાવની આશાએ મોરબી, હળવદ અને જૂનાગઢ સહિતના વિસ્તારોના ખેડૂતો પણ પોતાનો પાક વેચવા માટે હાપા યાર્ડ તરફ આવી રહ્યા છે.
આગામી દિવાળી બાદ મગફળીની આવક અને ખરીદી માટે વેપારીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો બજારમાં માંગ જળવાઈ રહેશે તો મગફળીના ભાવમાં વધુ સુધારો થવાની આશા ખેડૂતો રાખી રહ્યા છે.
હાપા યાર્ડમાં સિઝનનાં પ્રથમ રેવા મરચાંની આવક
મગફળીની સાથે હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે સિઝનનાં પ્રથમ નવાં રેવા મરચાંની પણ આવક નોંધાઈ હતી. બરડિયા ગામના ખેડૂત પરસોત્તમભાઈ દ્વારા કમિશન એજન્ટ કે.પટેલ એન્ડ કંપની મારફતે કુલ 15 ગુણી મરચાં વેચાણ માટે લાવવામાં આવ્યાં હતાં.
આ મરચાંની હરાજીમાં છ ગુણીનો 20 કિલોદીઠ રૂ.8100ના ભાવે સોદો થયો હતો, જ્યારે બે ગુણીનો 20 કિલોદીઠ રૂ.9100ના ભાવે સોદો થયો હતો. જોકે, યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ આ ભાવ સિઝનની શરૂઆતની બોણીના ભાવ છે. તેથી તેને સમગ્ર સિઝનના સ્થિર બજારભાવ તરીકે ગણવા યોગ્ય નથી.
આમ, હાપા માર્કેટિંગ યાર્ડમાં એક તરફ 66 નંબરની મગફળીના સારા ભાવ અને તમિલનાડુના વેપારીઓની ખરીદીથી ખેડૂતોમાં આશા જાગી છે, તો બીજી તરફ સિઝનનાં પ્રથમ રેવા મરચાંની આવક અને ઊંચા બોણીના ભાવથી મરચાંના બજારમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે.