જામનગરમાં સજુબા સ્કૂલથી દરબારગઢ સુધી જાહેર ન્યૂસન્સ સામે મનપાની ઝુંબેશ : શાક માર્કેટ વિસ્તારમાં દબાણો દૂર કરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Corporation : જામનગર શહેરના શાક માર્કેટ વિસ્તાર સહિત જાહેર માર્ગો પર ઊભા થતા દબાણો અને જાહેર ન્યૂસન્સ સામે જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે ફરી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સજુબા સ્કૂલથી શરૂ કરીને દરબારગઢ સુધીના વિસ્તારમાં જાહેરમાં થતા ન્યૂસન્સ દૂર કરવા તેમજ રસ્તાઓ અને જાહેર જગ્યાઓ દબાણમુક્ત કરાવવાના હેતુથી મનપાની ટીમ દ્વારા વહેલી સવારથી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનરના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ ઉપરાંત એસ્ટેટ શાખાની દબાણ હટાવ વિભાગની ટુકડીઓ કામગીરીમાં જોડાઈ હતી. શાક માર્કેટ વિસ્તારમાં વેપારીઓ તથા અન્ય દ્વારા જાહેર માર્ગો અને રસ્તાની આસપાસ કરવામાં આવતાં દબાણોને દૂર કરાવવા અને જાહેર અવરજવરમાં અડચણરૂપ ન્યૂસન્સ દૂર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સજુબા સ્કૂલથી દરબારગઢ સુધીના વિસ્તારમાં હાથ ધરાયેલી આ ઝુંબેશ દરમિયાન જાહેર સ્થળોએ થતા ન્યૂસન્સ સામે મનપાની ટીમે કાર્યવાહી કરી હતી, અને કેટલોક સામાન ટ્રેક્ટરમાં જપ્ત કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવ્યો છે, સાથો સાથ ન્યુસન્સ ફેલાવવાના મામલે સોલિડ વેસ્ટ શાખાની ટુકડીએ સ્થળ પર દંડ પણ વસૂલ્યો છે. શહેરના મુખ્ય માર્ગો, બજાર વિસ્તારો અને જાહેર સ્થળોએ લોકોની અવરજવર સરળ બને તેમજ ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે આવી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે.




