લાલપુરના મેઘપરમાંથી મોબાઈલ ફોનની ચોરી કરી બેંક ખાતામાંથી રૂ.2.05 લાખ ઉપાડી લેવાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરી કરી તેના મારફતે બેંક ખાતામાંથી રૂ.2.05 લાખ જેટલી રકમ અલગ-અલગ યુપીઆઈ વ્યવહારો મારફતે ટ્રાન્સફર કરી લેવાના બનાવ અંગે પંજાબના એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે.
મેળવેલી વિગતો મુજબ મેઘપર ગામમાં જુનટેક પ્રા.લિ. કંપનીના ભાડાના રૂમ નં.5માં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ પંજાબના જગતાર મશીહ ચંચાલ મશીહ (ઉ.વ.35)નો વીવો કંપનીનો મોબાઈલ ફોન, જેની કિંમત રૂ.14,500 હતી, તે ચોરી થયો હતો. તા.11 સપ્ટેમ્બરની રાત્રિના સાડા અગિયાર વાગ્યાથી તા.12 સપ્ટેમ્બરની વહેલી સવારે સાડા ચાર વાગ્યા દરમિયાન કોઈ સમયે મોબાઈલની ચોરી થયાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ મુજબ, ફરિયાદી સાથે જ રૂમમાં રહેતા પંજાબના લવ દુગલ નામના શખ્સે મોબાઈલ ફોન ચોરી કર્યા બાદ તેમાં યુપીઆઈ પેમેન્ટ માટેની એપ્લિકેશન કોઈ રીતે ચાલુ કરી હતી. ત્યારબાદ ફરિયાદીના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બેંક ખાતા સાથે જોડાણ કરી અલગ-અલગ યુપીઆઈ વ્યવહારો મારફતે કુલ રૂ.2,04,900 પોતાના તથા અન્ય એક અજાણ્યા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હોવાનો આક્ષેપ છે.
આ બનાવ અંગે જગતાર મશીહે તા.18 સપ્ટેમ્બરના રાત્રે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લવ દુગલ તથા તપાસમાં ખુલાસો થાય તેવા અન્ય શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305(એ), 316(2) તથા આઈ.ટી. એક્ટની કલમ 66(સી), 66(ડી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




