Jamnagar

ફ્રી ફાયર ગેમના સંપર્કથી સગીરાનું અપહરણ : જામનગર પોલીસની ટીમે આસામમાંથી આરોપીને ઝડપી લીધો

By GS Team
28 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગર પોલીસે ફ્રી ફાયર ગેમ દ્વારા સગીરાનું અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. 8 ઓક્ટોબર, 2026ના રોજ જામનગર ST બસ સ્ટેન્ડ પરથી અપહરણ થયેલી સગીરાને પોલીસે CCTV, હ્યુમન સોર્સ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે આસામના બોંગાઈગાંવ જિલ્લાના જોગીઘોપા ગામેથી શોધી કાઢી હતી. પોલીસે 24 વર્ષીય પ્રદ્યુત કાર્તીક ચૌધરીની ધરપકડ કરી સગીરાને પરિવારને સુરક્ષિત રીતે સોંપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ફ્રી ફાયર ગેમના સંપર્કથી સગીરાનું અપહરણ : જામનગર પોલીસની ટીમે આસામમાંથી આરોપીને ઝડપી લીધો

Jamnagar Police : મોબાઇલમાં રમાતી ફ્રી ફાયર વીડિયો ગેમના માધ્યમથી સગીર બાળા સાથે સંપર્ક કેળવી તેનું અપહરણ કરવાના ગુનામાં જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસને સફળતા મળી છે. જામનગર એસ.ટી. બસ સ્ટેન્ડ પરથી સગીરાનું અપહરણ થયા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે તપાસ આગળ ધપાવી આસામ રાજ્યના બોંગાઈગાંવ જિલ્લાના જોગીઘોપા ગામેથી બાળાને શોધી કાઢી હતી. પોલીસે આરોપી પ્રદ્યુત કાર્તીક ચૌધરી (ઉંમર 24)ને ઝડપી લઈ સગીરાને તેના માતા-પિતાને સુરક્ષિત રીતે સોંપી હતી.
આ અંગેની વિગતો મુજબ, ગત તા. 8 ઓક્ટોબર, 2026ના રોજ સાંજના આશરે પોણા પાંચ વાગ્યાના અરસામાં જામનગર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતેથી કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સગીર વયની દીકરીનું કોઈ અજાણ્યો શખસ લલચાવી-ફોસલાવી અપહરણ કરી ગયો હતો. આ બનાવ અંગે જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતાં સગીરાને શોધી કાઢવા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન સીસીટીવી ફૂટેજની ચકાસણી સાથે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ એનાલિસિસનો સહારો લેવામાં આવ્યો હતો.
પોલીસ કોન્સ્ટેબલને તપાસમાં મળેલી મહત્વની કડીને આધારે સગીરા મોબાઇલ ફોનમાં ફ્રી ફાયર વીડિયો ગેમ રમતી હતી અને આ ગેમમાં એક અજાણ્યા શખસે આઈડી બનાવી તેની સાથે રમવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ગેમમાં મેસેજ મારફતે વાતચીત કરી સગીરાનો મોબાઇલ નંબર મેળવ્યો હતો અને ફોન દ્વારા સંપર્ક વધારી તેને લલચાવી-ફોસલાવી લઈ ગયો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. સગીરા આસામ રાજ્યના બોંગાઈગાંવ જિલ્લાના જોગીઘોપા ગામે હોવાની માહિતી મળતાં પોલીસ દ્વારા તાત્કાલિક આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસની ટીમે આસામ પહોંચી સઘન તપાસ હાથ ધરતાં સગીરા આરોપી પ્રદ્યુત કાર્તીક ચૌધરી (ઉંમર 24, રહે.જોગીઘોપા, જિલ્લો બોંગાઈગાંવ, આસામ) સાથે મળી આવી હતી. પોલીસે સગીરાને શોધી મુક્ત કરાવી તેના માતા-પિતાને સોંપી હતી. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા તથા પોક્સો કાયદાની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઓનલાઇન ગેમ રમતાં બાળકોની સુરક્ષા અંગે વાલીઓને પોલીસની અપીલ
મોબાઇલ ગેમ અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ વચ્ચે બાળકો અજાણી વ્યક્તિઓના સંપર્કમાં આવી શકે છે. આવી સ્થિતિમાં વાલીઓએ બાળકોની ઓનલાઇન પ્રવૃત્તિઓ પર નજર રાખવી, અજાણ્યા વ્યક્તિઓ સાથે મોબાઇલ નંબર કે અંગત માહિતી શેર ન કરવા સમજાવવું અને કોઈ લાલચ, દબાણ કે ધમકી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પ્રોત્સાહિત કરવું જરૂરી છે, તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે.