Jamnagar

જામનગરની પરિણીત શિક્ષિકાએ પતિ સહિત સાસરિયાં સામે માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

By GS Team
10 Aug 20263 mins read
TukuTouch Logo
જામનગરની 35 વર્ષીય પરિણીતા અને કચ્છમાં શિક્ષિકાએ પતિ, સાસુ, સસરા અને નણંદ સામે શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. 2017માં લગ્ન બાદ અમરેલીમાં સાસરીયાઓએ નાની બાબતોમાં ઝઘડા કરી ગાળો ભાંડી હતી. ગર્ભાવસ્થામાં પણ સારસંભાળ ન લીધી. પતિ પણ કામ ન કરતા અને શંકા કરી ત્રાસ આપતા. આખરે, મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરની પરિણીત શિક્ષિકાએ પતિ સહિત સાસરિયાં સામે માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

Jamnagar News : જામનગરની વતની અને હાલ કચ્છમાં સરકારી શિક્ષિકા તરીકે ફરજ બજાવતી 35 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ સહિત સાસુ, સસરા અને નણંદ સામે શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, મહિલાના લગ્ન તા. 29 જાન્યુઆરી, 2017ના રોજ અમરેલીના વિશાલભાઈ અનીલભાઈ ગળીયેલ સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ પતિ-પત્ની અમરેલીમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા. લગ્નના થોડા સમય બાદથી જ સાસુ દક્ષાબેન ઘરકામ અને રસોઈ જેવી નાની બાબતોમાં ઝઘડો કરી ગાળો આપતા હોવાનો આક્ષેપ છે. સસરા અનીલભાઈ પણ સાસુનો સાથ આપી પતિને તેની પત્નીને માવતરે મૂકી આવવાનું કહેતા તથા નાની બાબતોમાં ઝઘડા કરતા હોવાની ફરિયાદમાં જણાવાયું છે.
નણંદ શિલ્પાબેનના લગ્ન થઈ ગયા હોવા છતાં તેઓ રીસામણે હોવાથી સાસરે જ રહેતા હતા અને પતિને પત્ની વિરુદ્ધ ચડામણી કરતા તેમજ ઘરકામ બાબતે ઝઘડો કરી ગાળો આપતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આ કારણે લગ્નના આશરે બે મહિના બાદ પતિ-પત્ની અલગ રહેવા લાગ્યા હતા. જોકે, પતિની નોકરી છૂટી જતા બંને ફરી સંયુક્ત પરિવારમાં રહેવા ગયા હતા અને તે દરમિયાન પણ કથિત ત્રાસ ચાલુ રહ્યો હતો.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, ગર્ભાવસ્થા દરમિયાન સાસરિયાઓએ સારસંભાળ લીધી નહોતી, અને ગર્ભપાત થયા બાદ પણ કાળજી લીધી ન હતી. ત્યારબાદ મહિલા પોતાના માવતરે જામનગર આવી હતી. પતિ પણ બાદમાં જામનગર આવી પત્ની સાથે રહેવા લાગ્યા હતા. આ દરમિયાન પતિને કામધંધો કરવાની વાત કરતાં તે ઝઘડો કરી ગાળો આપતા અને મારવા દોડી આવતા હોવાનો આક્ષેપ છે.
આશરે વર્ષ 2022માં પતિ-પત્ની અમરેલીમાં સસરાના મકાનના ઉપરના માળે અલગ રહેવા ગયા હતા. ત્યાં પણ પતિ, સાસુ, સસરા તથા નણંદ દ્વારા શારીરિક-માનસિક દુઃખ ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કરી મહિલાએ પિતાને ફોન કરી પોતાને તથા પુત્રને તેડી જવા જણાવ્યું હતું. બાદમાં પતિને જામનગર ખાતે પોતાની સાથે રહેવા બોલાવી બંને પુત્ર સાથે આશરે બે વર્ષ જામનગરમાં રહ્યા હતા. આ સમય દરમિયાન પણ પતિ નાની-નાની બાબતોમાં ઝઘડા કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
આશરે એક વર્ષ પહેલાં મહિલાને કચ્છમાં શિક્ષક તરીકે સરકારી નોકરી મળતાં તે પતિ તથા પુત્ર સાથે કચ્છમાં રહેવા ગઈ હતી. ત્યાં પણ પતિ કામધંધો કરતા ન હોવાથી નોકરી કરવાની વાત કરતાં ઝઘડો કરી ગાળો આપતા અને પોતાના પર શંકા-કુશંકા કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. શાળામાં વેકેશન પડતાં મહિલા પુત્ર સાથે જામનગર માવતરે આવી હતી, જ્યારે પતિ અમરેલી પોતાના માવતરે જતા રહ્યા હતા.
મહિલાએ વડીલો મારફતે પતિને કચ્છમાં પોતાની સાથે રહેવા આવવા જણાવ્યું હતું. ત્યારબાદ અગાઉ મહિલા પોલીસ મથકે અરજી પણ કરી હતી, પરંતુ સમાધાનનો કોઈ રસ્તો ન નીકળતાં આખરે પોતાની માતા સાથે આવી પતિ વિશાલભાઈ અનીલભાઈ ગળીયેલ, સાસુ દક્ષાબેન, સસરા અનીલભાઈ તથા નણંદ શિલ્પાબેન સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મોડેથી નોંધાવવાનું કારણ પતિ સાથે સમાધાન કરી ઘર સંસાર જાળવી રાખવાની ઇચ્છા તથા કાઉન્સેલિંગ કરાવવાની તૈયારી હોવાનું મહિલાએ જણાવ્યું છે.