કાલાવડના રામપર ગામમાં આવેલા સોલાર પ્લાન્ટમાં હુમલા કેસમાં મોટો વળાંક : ગોકુલ માળીયાની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : કાલાવડ તાલુકાના રામપર ગામ નજીક ઓપેરા કંપનીના સોલાર પ્લાન્ટ ખાતે કંપનીના મેનેજર સહિત ત્રણ વ્યક્તિઓ પર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે થયેલા હુમલાના કેસમાં કાલાવડ ગ્રામ્ય પોલીસે તપાસ આગળ ધપાવી ગોકુલ કારાભાઈ માળીયાની ધરપકડ કરી છે. પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરેલી વિગતો મુજબ આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા આરોપીઓ સાથેની કથિત સાંઠગાંઠ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ ફરિયાદ મુજબ તા.18 ઓગસ્ટ 2026 ના બપોરે રામપર ગામ પાસે આવેલા ઓપેરા કંપનીના સોલાર પ્લાન્ટમાં કંપનીના મેનેજર રાજેશભાઈ ઉર્ફે રાજુ બરડીયાવદરા, તેમના ભાઈ રાયદેભાઈ અને નથુભાઈ ગાગલીયા બેઠા હતા ત્યારે એક જૂથ હથિયારો સાથે ત્યાં પહોંચ્યું હતું. કામ બંધ કરવા બાબતે બોલાચાલી બાદ લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરાયો હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. હુમલામાં ત્રણેયને ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ગુનામાં પોલીસે અગાઉ બશીર ઉર્ફે બસલો સમા, ઇકબાલ થૈયમ સહિત કુલ નવ આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન ત્રણ લોખંડના પાઇપ, ચાર લાકડાના ધોકા અને બે મોટરસાઇકલ કબજે કરવામાં આવી હતી. કેટલાક હથિયારો પર લોહી જેવા ડાઘા મળ્યાનું પણ પોલીસ તપાસમાં નોંધાયું છે.
પોલીસના જણાવ્યા મુજબ કોલ ડિટેઇલ, બેન્ક ટ્રાન્ઝેક્શન અને બનાવ સમયના વીડિયો ફૂટેજની તપાસમાં આરોપીઓ વચ્ચે અગાઉથી બેઠક થઈ હોવાના તથા હુમલાનું કાવતરું ઘડાયું હોવાના પુરાવા મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસે એવો પણ દાવો કર્યો છે કે હુમલા બાદ કેટલાક આરોપીઓને ઓનલાઇન રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.
દરમિયાન અગાઉ પકડાયેલા કિશન કરમુરના મોબાઇલની તપાસ દરમિયાન કિશન કરમુર અને ગોકુલ માળીયા વચ્ચેની વાતચીતનું રેકોર્ડિંગ મળી આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે. આ રેકોર્ડિંગ તથા અન્ય તપાસના આધારે ગોકુલ માળીયાની સંડોવણી હોવાની શંકા ઊભી થતાં પોલીસે તા.29 સપ્ટેમ્બર 2026 ના રોજ તેની ધરપકડ કરી હતી.
પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરેલી રિમાન્ડ અરજીમાં જણાવ્યું છે કે ગોકુલ માળીયાએ અગાઉ પકડાયેલા કિશન કરમુરને કથિત રીતે મદદ કરી હતી અને રામપર સોલાર સાઇડનું કામ મેળવી આર્થિક લાભ મેળવવાનો હેતુ હતો કે કેમ તેની તપાસ કરવાની બાકી છે. આ ઉપરાંત બનાવ અગાઉ ગોકુલ માળીયાના માણસો દ્વારા સાઇટ પર કામ બંધ કરાવવાના પ્રયાસ અંગે પણ પોલીસ વધુ તપાસ કરી રહી છે.




