Jamnagar

જામનગરમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્રના ગોડાઉનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો, એકની ધરપકડ

By GS Team
29 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં ભાજપના મહિલા કોર્પોરેટર મંજુબેન બાંભણિયાના પુત્ર હિતેશ ઉર્ફે વાંગો બાંભણિયાના ગોડાઉન પર પોલીસે દરોડો પાડ્યો હતો. રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા આ ગોડાઉનમાંથી રૂ. 53,78,517નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. 19,522 બોટલો સાથે 1 આરોપી ઝડપાયો છે, જ્યારે હિતેશ સહિત 10 ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્રના ગોડાઉનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો, એકની ધરપકડ

Jamnagar Liquor Seizure: જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10ના ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્રના જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા ગોડાઉનમાં વિદેશી દારૂના મોટા જથ્થાનું કટિંગ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની 19.522 બોટલો સહિત કુલ 53.78,517 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની આ કાર્યવાહીમાં એક વાહનચાલકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર તરીકે દર્શાવાયેલા ભાજપના મહિલા કોર્પોરેટર મંજુબહેન બાંભણિયાના પુત્ર હિતેશ ઉર્ફે વાંગો બાંભણિયા સહિત કુલ 10 આરોપીઓને ફરાર દર્શાવી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

બાતમીના આધારે ગોડાઉન પર દરોડો

મળતી માહિતી અનુસાર, પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર હિતેશ ઉર્ફે વાંગો બાંભણિયાના કબજા-ભોગવટાવાળા ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારી તેનું કટિંગ કરવામાં આવી રહ્યું છે. જેને લઈને પોલીસે સ્થળ પર દરોડો પાડતાં ગોડાઉન પાસે ત્રણ વાહનમાંથી દારૂની હેરફેર અને કટિંગની પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી વાહનચાલક 37 વર્ષીય ધર્મેશ યાજ્ઞિકને ઝડપી લીધો હતો.

દારૂની 19,522 બોટલોનો જથ્થો મળ્યો

પોલીસે ગોડાઉન અને વાહનોની તલાશી લેતાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી કુલ 19,522 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત દારૂની હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલાં ત્રણ વાહનો અને એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત 53,78,517 રૂપિયા થયો છે.

ઝડપાયેલા વાહનચાલકની પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો તેના મિત્ર હિતેશ ઉર્ફે વાંગો બાંભણિયાએ વેચાણના હેતુથી બહારથી મંગાવ્યો હોવાનું સામે છે. ગોડાઉનમાં દારૂનું કટિંગ કર્યા બાદ સ્થાનિક બુટલેગરો તથા અન્ય સંડોવાયેલા ઇસમોને વેચાણ માટે જથ્થો પહોંચાડવાનો હોવાનું બહાર આવ્યું છે.

મુખ્ય સૂત્રધાર સહિત 10 આરોપીઓની શોધખોળ

આ પ્રકરણમાં હિતેશ ઉર્ફે વાંગો બાંભણિયા સહિત કુલ 10 આરોપીઓને ફરાર દર્શાવવામાં આવ્યા છે. પોલીસે તમામને ઝડપી પાડવા માટે તપાસ અને શોધખોળ તેજ કરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેની હેરફેરમાં કોણ-કોણ સંડોવાયેલું છે અને સ્થાનિક સ્તરે કોને વેચાણ માટે જથ્થો પહોંચાડવાનો હતો તે સહિતની કડીઓ મેળવવા પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસની યાદી મુજબ ફરાર દર્શાવાયેલા 10 આરોપી

  • હિતેશ ઉર્ફે વાંગો બાંભણિયા (રાજપાર્ક, જામનગર)
  • સુનીલ ઉર્ફે ભૂતી દોણાસિયા (રાજપાર્ક, જામનગર)
  • સુનીલ બારૈયા (રાજપાર્ક, જામનગર)
  • દિલીપ (જૂના રેલવે સ્ટેશન પાસે, જામનગર)
  • મેરૂ રામા રબારી (પાસ્તર, ભાણવડ, દેવભૂમિ દ્વારકા જિલ્લો)
  • યોગેશ કોળી (ગુરુદ્વારા ચોકડી પાસે, જામનગર)
  • રાહુલ રેશીયા (ભીમવાસ, જામનગર)
  • વીમલો ડોડારો (જામનગર)
  • રોહિત કોળી (શંકરટેકરી, જામનગર)
  • જીગો સોલંકી ખવાસ (પંચેશ્વર ટાવર, જામનગર)