Jamnagar

મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.એસ.આઈ. સહિત ત્રણ પોલીસ કર્મચારીઓ સામે કેસ ચલાવવાનો લાલપુર કોર્ટનો આદેશ

By GS Team
23 Jul 20262 mins read
TukuTouch Logo
જામનગરના મોટી ખાવડી ગામના ભારમલ મોરીને 2016માં મેઘપર પોલીસે માર માર્યો હતો. પીએસઆઈ જલુ સહિત 3 પોલીસકર્મીએ ચાની કેબિન પર ગાળાગાળી કરી લાકડીઓથી માર મારી, પોલીસ સ્ટેશન લઈ જઈ ફરી માર માર્યો હતો. લાલપુર કોર્ટે ફરિયાદી, સાક્ષી અને ડોક્ટરના નિવેદનોના આધારે ત્રણેય પોલીસકર્મી સામે IPC 323, 365 સહિતની કલમો હેઠળ કેસ ચલાવવા અને સમન્સ પાઠવવા આદેશ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.એસ.આઈ. સહિત ત્રણ પોલીસ કર્મચારીઓ સામે કેસ ચલાવવાનો લાલપુર કોર્ટનો આદેશ

Jamnagar: ફરિયાદ મુજબ મોટી ખાવડી ગામના ભારમલ કરાભાઈ મોરી 11 એપ્રિલ, 2016ની રાત્રે પોતાની ચાની કેબિન પર હતા ત્યારે મેઘપર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ જલુ, પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ ધરણાત ડાડુભાઈ ચરણવડિયા ત્યાં પહોંચ્યા હતા. ફરિયાદી સાથે ગાળાગાળી કર્યા બાદ લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. દરમિયાન વચ્ચે પડેલા મહિપતસિંહ નાથુભા જાડેજાને પણ માર મારી બંનેને પોલીસ જીપમાં બેસાડી મેઘપર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે પોલીસ સ્ટેશનમાં પણ બંનેને બેફામ માર મારવામાં આવ્યો હતો અને ધમકી આપીને મોડી રાત્રે છોડી મૂકવામાં આવ્યા હતા. બીજા દિવસે ઇજાગ્રસ્ત ફરિયાદીને જી.જી. હોસ્પિટલ, જામનગર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એમએલસી નોંધાઈ હતી. ત્યારબાદ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતાં ફરિયાદીએ એડવોકેટ નિખિલ બી. બુદ્ધભટ્ટી મારફતે લાલપુર કોર્ટમાં ખાનગી ફરિયાદ દાખલ કરી હતી.

કોર્ટ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન ફરિયાદી, સાક્ષીઓ અને જી.જી. હોસ્પિટલના ડૉક્ટરના નિવેદનોના આધારે લાલપુરના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે પીએસઆઈ જલુ, કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ ધરણાત ડાડુભાઈ ચરણવડિયા સામે ભારતીય દંડ સંહિતાની કલમ 323, 365, 341, 504, 506 અને 114 હેઠળ ફરિયાદ નોંધાવી કેસ ચલાવવાનો તથા આરોપીઓને સમન્સ પાઠવવાનો આદેશ કર્યો છે.

આ કેસમાં ફરિયાદી પક્ષ તરફથી એડવોકેટ નિખિલ બી. બુદ્ધભટ્ટી, એડવોકેટ પાર્થ ડી. સામાણી, એડવોકેટ મહાવીરસિંહ બી. જાડેજા તથા એડવોકેટ સમર્થ આર. વેકરિયા રજૂઆત કરી રહ્યા છે.