જામનગર: લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘૂસીને હત્યા!, માથાના ભાગે ઇજાનાં નિશાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime News: જામનગર જિલ્લાના લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી 66 વર્ષીય મનસુખ વાછાણીની ઘરમાં જ ઘાતકી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગઈ કાલે રાત્રે તેમના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના માથાના ભાગે ઇજાનાં પાંચ નિશાન જોવા મળતાં તેમની હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘરની અંદર ચીજવસ્તુઓ વેરવિખેર હાલતમાં મળી આવતાં રોકડ રકમ અથવા અન્ય માલમત્તાની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, લાલપુરમાં રહેતા મનસુખ વાછાણી પીજીવીસીએલમાંથી નિવૃત્ત થયા બાદ પોતાના ઘરે એકલા રહેતા હતા. તેના પત્ની અને પુત્ર અમદાવાદમાં રહે છે. પુત્ર અમદાવાદમાં કારખાનું ચલાવતા હોવાથી તથા પરિવારનાં બે નાનાં બાળકોની સંભાળ રાખવાની જવાબદારીને કારણે મનસુખનાં પત્ની પણ અમદાવાદમાં રહેતાં હતાં. આથી લાલપુરમાં મનસુખ એકલા જ રહેતા હતા.
આ દરમિયાન, ગઈ કાલે રાત્રે મનસુખના ઘરમાંથી કોઈ હલચલ જણાતી ન હતી. તેમના ઘરના દરવાજાને બહારથી તાળું મારેલું ન હોવાની અને ઘરની લાઇટ પણ ચાલુ ન થતી હોવાની બાબતથી આસપાસના રહેવાસીઓને શંકા ગઈ હતી. આથી પાડોશીઓએ મનસુખના લાલપુરમાં જ રહેતા નાના ભાઈ મહેન્દ્ર વાછાણીને જાણ કરી હતી. મહેન્દ્રએ ઘરે પહોંચીને દરવાજો ખોલી તપાસ કરતાં મનસુખ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લાલપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો સંભાળ્યો હતો. મૃતકના માથાના ભાગે ઇજાનાં પાંચ નિશાન મળી આવતાં તેની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતાં પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં એએસપી અને એલ.સી.બી. સહિતની પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ઘરમાં કામ કરતી સગીરા અને તેના સંપર્કમાં રહેલા યુવાનની શોધખોળ
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ઘરમાં કામકાજ માટે આવતી એક સગીરા અને તેના સંપર્કમાં રહેલા યુવાનની ભૂમિકા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. આ સગીરા હાલ ગુમ હોવાનું અને તેની સાથે સંપર્કમાં રહેલો અક્ષય નામનો યુવાન પણ મળી આવતો ન હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે. પોલીસે બંનેને શોધવા માટે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે. જોકે, હત્યામાં તેની સંડોવણી અંગે હજુ સુધી કોઈ અંતિમ તારણ બહાર આવ્યું નથી.
લૂંટના ઇરાદે હત્યા કરાઈ હોવાની આશંકા
મનસુખભાઈના ઘરમાં ચીજવસ્તુઓ વેરવિખેર હાલતમાં મળી આવતાં ઘરમાંથી રોકડ રકમ અથવા અન્ય કીમતી વસ્તુઓની ચોરી થઈ છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. લૂંટના ઇરાદે ઘરમાં પ્રવેશ કરીને હત્યા કરવામાં આવી હોવાની શક્યતા નકારી શકાય તેમ ન હોવાથી પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે. મૃતકના ઘરમાં પ્રવેશ કોણે કર્યો, હત્યા કયા હથિયારથી અને કયા સંજોગોમાં કરવામાં આવી તથા બનાવ પાછળનો ચોક્કસ હેતુ શું હતો તે સહિતના મુદ્દાઓની તપાસ હાથ ધરવામાં આવી છે.
લાલપુરમાં એકાંતમાં રહેતા નિવૃત્ત વીજ કર્મચારીની ઘરમાં જ હત્યા કરી દેવામાં આવતાં સ્થાનિક રહેવાસીઓમાં ભય અને ચિંતાની લાગણી ફેલાઈ છે. પોલીસે અજાણ્યા બે શખસો સામે હત્યાના ગુનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગુમ સગીરા અને યુવાનની શોધખોળ સહિતની તપાસના અંતે જ હત્યાનો ભેદ ઉકેલાશે અને બનાવ પાછળનું સાચું કારણ બહાર આવશે.




