Jamnagar

જામનગરના નાગપુર ગામે લગ્ન નોંધણી પ્રકરણમાં તપાસ તેજ, સરપંચ અને તલાટી કમ મંત્રી લાપતા

By GS Team
19 Nov 20262 mins read
TukuTouch Logo
જામનગરના કાલાવડ તાલુકાના નાગપુર ગામમાં 3 મહિનામાં 431 લગ્નની નોંધણી થતાં ખળભળાટ મચ્યો છે. 700ની વસ્તીવાળા આ ગામમાં આટલી મોટી સંખ્યામાં લગ્ન નોંધાતા ગ્રામ પંચાયતના વહીવટ સામે સવાલો ઉઠ્યા છે. સરપંચ અને તલાટી કમ મંત્રી લાપતા થતાં મામલો વધુ ગૂંચવાયો છે. 10 હજાર રૂપિયા લેવાયાના આક્ષેપોની તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના નાગપુર ગામે લગ્ન નોંધણી પ્રકરણમાં તપાસ તેજ, સરપંચ અને તલાટી કમ મંત્રી લાપતા
AI IMAGE

Jamnagar News : જામનગરના કાલાવડ તાલુકાના માત્ર 700 જેટલી વસ્તી અને 170 જેટલાં ઘરો ધરાવતા નાગપુર ગામમાં ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં 431 લગ્નની નોંધણી થયાના ચોંકાવનારા પ્રકરણમાં હવે તપાસના ચક્રો વધુ ગતિમાન બન્યા છે. આરટીઆઈ હેઠળ મેળવેલી વિગતોના આધારે બહાર આવેલા આ પ્રકરણમાં હવે ગ્રામ પંચાયતના વહીવટ સામે પણ ગંભીર સવાલો ઊઠવા લાગ્યા છે.

સરપંચ તથા તલાટી કમ મંત્રી બન્ને લાપતા

ગ્રામ પંચાયતના અન્ય સભ્યો, સ્થાનિક નાગરિકો સહિતના લોકોની પૂછપરછ અને પ્રાથમિક તપાસ દરમિયાન ગામના સરપંચ તથા તલાટી કમ મંત્રી બંને હાલ લાપતા હોવાની વિગતો સામે આવતાં સમગ્ર મામલો વધુ રહસ્યમય બન્યો છે. આ પ્રકરણમાં સરપંચ અને તલાટી કમ મંત્રીની સંભવિત મિલીભગત હોવાની પણ ગામમાં ચર્ચા ચાલી રહી છે.

એટલું જ નહીં, લગ્નની એક નોંધણી કરાવવા પાછળ રૂ. 10 હજાર જેટલી રકમ વસૂલવામાં આવતી હોવાના આક્ષેપો અને ચર્ચાઓ પણ સામે આવી રહી છે. જોકે, આ નાણાકીય વ્યવહારો અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તપાસમાં જ તેની વાસ્તવિકતા બહાર આવશે.

લગ્ન નોંધણી વખતે દસ્તાવેજો અને સાક્ષીઓની ખરાઈને લઈ ઉઠ્યા સવાલ

બીજી તરફ, નોંધાયેલા 431 લગ્ન પૈકી મોટા ભાગનાં લગ્નમાં યુવક-યુવતીની ઉંમર 18થી 22 વર્ષની આસપાસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આટલી મોટી સંખ્યામાં બહારગામનાં યુવક-યુવતીઓનાં લગ્ન નાગપુર ગ્રામ પંચાયતમાં કેવી રીતે નોંધાયા? લગ્ન નોંધણી વખતે જરૂરી દસ્તાવેજો અને સાક્ષીઓની ખરાઈ કરવામાં આવી હતી કે કેમ? લગ્ન નોંધણી માટે સંબંધિત પરિવારોની સંમતિ હતી કે નહીં? સહિતના અનેક સવાલો હવે ઊભા થયા છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસ સમિતિની રચના

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કર્યા બાદ હવે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સહિતની ટીમ દ્વારા તપાસને વધુ વેગ આપવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતના લગ્ન નોંધણી રજિસ્ટર, સંબંધિત અરજીઓ, આધાર-પુરાવા, અન્ય દસ્તાવેજો તથા વહીવટી રેકોર્ડ એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન સરપંચ અને તલાટી કમ મંત્રીની ભૂમિકા, લગ્ન નોંધણીની પ્રક્રિયા તેમજ સંભવિત નાણાકીય વ્યવહારોની પણ ખરાઈ કરવામાં આવે તેવી શક્યતા છે.

મામલો માત્ર તપાસ પૂરતો ન રહે પોલીસ કાર્યવાહીની માગ

આરટીઆઈ મારફતે સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કરનાર અરજદાર પરિવાર દ્વારા પણ હવે આ મામલે ઉચ્ચ સ્તરે રજૂઆતો શરૂ કરવામાં આવી છે. પરિવારની માગ છે કે લગ્ન નોંધણીના નામે જો કોઈએ નાણાકીય ઉઘરાણી કરી હોય, ખોટા દસ્તાવેજોના આધારે નોંધણીઓ કરી હોય અથવા સરકારી હોદ્દાનો દુરુપયોગ કર્યો હોય તો તેમની સામે માત્ર વિભાગીય તપાસ પૂરતી ન રાખતાં કાયદેસરની અને પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવે.

હાલ સમગ્ર તપાસ દરમિયાન નાગપુર ગ્રામ પંચાયતના વહીવટી રેકોર્ડ અને જવાબદારોની ભૂમિકાની તપાસ મહત્ત્વપૂર્ણ બની છે. તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારની તપાસમાં આગામી દિવસોમાં કોઈ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાને પગલે હવે સમગ્ર જિલ્લા પંથકની નજર આ પ્રકરણના અંતિમ અહેવાલ પર મંડાઈ છે.