Jamnagar

જામનગરમાં લેન્ડ રેકર્ડઝ કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ : 14 દિવસથી કામગીરી ઠપ્પ

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં લેન્ડ રેકર્ડઝ કર્મચારી મંડળ દ્વારા પગાર સુધારણા અને ગ્રેડ-પે વધારવાની માગ સાથે અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરાઈ છે. આશરે 65 કર્મચારીઓ કચેરી બહાર ધરણા પર બેસી વિરોધ નોંધાવી રહ્યા છે. તેમની મુખ્ય માગણી સિનિયર સર્વેયરનો ગ્રેડ-પે 2800થી 4400 અને સર્વેયરનો 2400થી 2800 કરવાનો છે. હડતાળને કારણે જમીન માપણી સહિતની કામગીરી ખોરવાઈ છે, જેથી અરજદારોને મુશ્કેલી પડી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં લેન્ડ રેકર્ડઝ કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ : 14 દિવસથી કામગીરી ઠપ્પ

Jamnagar News : જામનગરના લેન્ડ રેકર્ડઝ વર્ગ-3 કર્મચારી મંડળના જિલ્લા એકમ દ્વારા લાંબા સમયથી પડતર પગાર સુધારણા અને ગ્રેડ-પેના પ્રશ્નોના ઉકેલની માગ સાથે અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવી છે. આશરે 65 કર્મચારીઓ કચેરી બહાર ધરણા પર બેસી વિરોધ નોંધાવી રહ્યા છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ, વારંવાર રજૂઆતો છતાં માગણીઓનો ઉકેલ ન આવતાં આંદોલનનું પગલું ભરવામાં આવ્યું છે.
જિલ્લા પ્રમુખ ચંદ્રેશભાઈ નકુમના જણાવ્યા મુજબ, સિનિયર સર્વેયર સંવર્ગનો હાલનો રૂ.2800નો ગ્રેડ-પે વધારીને રૂ.4400 કરવો તથા સર્વેયર સંવર્ગનો રૂ.2400નો ગ્રેડ-પે વધારીને રૂ.2800 કરવાની મુખ્ય માગણી છે. કર્મચારી મંડળ દ્વારા અગાઉ 30 દિવસનું આખરીનામું આપવામાં આવ્યું હતું. ત્યારબાદ 11થી 18 સપ્ટેમ્બર દરમિયાન 'પેનડાઉન' કાર્યક્રમ અને 19 સપ્ટેમ્બરે સામૂહિક રજા સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમ છતાં માગણીઓ અંગે કોઈ યોગ્ય નિર્ણય ન લેવાતા કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે.
કર્મચારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા ચાર દિવસથી કચેરીઓને તાળા લગાવી દેવામાં આવ્યા છે અને કર્મચારીઓ કચેરી બહાર ધરણા પર બેઠા છે. હડતાળના કારણે જમીન માપણી, સનદ તથા લેન્ડ રેકર્ડઝને લગતી અન્ય મહત્વની કામગીરી પર સીધી અસર પડી છે.
છેલ્લા 14 દિવસથી કામગીરી ખોરવાઈ જતાં ગ્રામ્ય વિસ્તારોમાંથી જમીન સંબંધિત કામો માટે આવતા અરજદારો સહિત સામાન્ય લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અરજદારોના કામો સમયસર નહીં થતાં તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. કર્મચારીઓએ પોતાની માગણીઓનો વહેલી તકે ઉકેલ લાવી હડતાળનો અંત આવે તે માટે સરકાર અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે.