જામનગરમાં એક યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્નનો ઈનકાર, યુવક સામે ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર શહેરના ખોજાગેટ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીએ પડોશમાં રહેતા યુવક સામે લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્ન કરવાનો ઇનકાર કર્યાની ફરિયાદ નોંધાવતા સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 69 હેઠળ ગુનો નોંધાયો છે.
ફરિયાદ મુજબ 22 વર્ષીય એક યુવતી રહે, ખોજાગેટ, લાલખાણ, મદીના મસ્જિદ પાસે, જામનગર. દોઢ વર્ષ પહેલાં પડોશમાં રહેતા અયાન કાદર ચાકીના સંપર્કમાં આવ્યા હતા. આરોપીએ યુવતીને લગ્ન કરવાની વાત કરી ને વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને ફોન તેમજ રૂબરૂ મુલાકાતો થતી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, સંબંધ શરૂ થયાના આશરે પંદર દિવસ બાદ આરોપીએ યુવતીને રાત્રિના સમયે પોતાના ઘરની અગાસી પર બોલાવી લગ્ન કરવાની ખાતરી આપીને પ્રથમ વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પણ લગ્નનું વચન આપી અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
યુવતીએ અનેક વખત લગ્ન અંગે પૂછપરછ કરતાં આરોપી વિવિધ બહાનાં બનાવી લગ્ન ટાળતો રહ્યો હતો. અંતે ગત તા. 1 મે, 2026ના રોજ બંને વચ્ચે થયેલી વાતચીત દરમિયાન આરોપીએ સ્પષ્ટપણે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હોવાનું અને "લગ્ન નહીં કરું" તેમ કહી દીધું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. ત્યારબાદ યુવતીએ પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી અને પોતાના ફોઈ સાથે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોંચીને ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી અયાન કાદર ચાકી સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 69 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









