જામનગરમાં પોલીસની કસ્ટડીમાંથી આરોપી ફરાર થઈ જતાં ભારે દોડધામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર : જામનગરમાં પોલીસની કસ્ટડીમાંથી એક આરોપી ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઈ છે. શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં ઝડપાયેલા આરોપીને ફોટા તથા ફિંગરપ્રિન્ટ માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા બાદ પરત ફરતી વખતે એમ.પી. શાહ કોલેજના ખૂણે વાહનો વચ્ચે આવી જવાથીં હોમગાર્ડ જવાનનું સ્કૂટર ધીમું પડતા આ તકનો લાભ લઈ આરોપી ચાલુ વાહનમાંથી નીચે ઉતરી ગયો હતો અને પાછળથી બાઇક લઈને આવી રહેલા સાગરીતની બાઇક પર બેસી ફરાર થઈ ગયો હતો.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા મુજબ, શહેરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ સભ્ય કિરણકુમાર ધીરજલાલ ત્રિવેદીને આરોપી મીત સુનીલભાઈ બારીયાને ફોટા તથા ફિંગરપ્રિન્ટ લેવડાવવા માટે લઈ જવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આરોપીને સ્કૂટર પર પાછળ બેસાડી શહેરના બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો હતો, જ્યાં ફોટા અને ફિંગરપ્રિન્ટની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.
આ દરમિયાન એક શખ્સ બાઇક લઈને ત્યાં આવ્યો હતો અને આરોપીને મસાલો આપવાનો પ્રયાસ કરતાં હોમગાર્ડે તેને અટકાવ્યો હતો. તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ પ્રકાશ ઉર્ફે પકો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તે બાઇક લઈને ત્યાંથી નીકળી ગયો હતો. આરોપીને લઈને હોમગાર્ડ ગુરુદ્વારા તરફના રસ્તે થઈ સાત રસ્તા તરફ જઈ રહ્યા હતા ત્યારે આ બાઇક ચાલકે પાછળથી તેમનો પીછો કર્યો હતો. એમ.પી. શાહ કોલેજના ખૂણે રસ્તા પાસે બે-ત્રણ વાહનો વચ્ચે આવતાં હોમગાર્ડે સ્કૂટર ધીમું કરતા આ તકનો લાભ લઈ આરોપી મીત ચાલુ વાહનમાંથી નીચે ઉતરી અને પાછળથી આવી રહેલા સાગરીત પ્રકાશ ઉર્ફે પકોના બાઇક પર બેસી અને બન્ને નાસી ગયા હતા. ફરજ પરના અધિકારીને તાત્કાલિક ફોન કરી બનાવની જાણ કરવામાં આવી હતી અને સમગ્ર પોલીસ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું હતું. આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.




