જામનગર-ખંભાળિયા હાઇવે રોડ પર મોટી ખાવડી પાસે હિટ એન્ડ રનનો બનાવ : મોટરસાયકલની હડફેટે રાહદારીનું કરુણ મૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Hit and Run : જામનગર-ખંભાળિયા હાઇવે પર મોટી ખાવડી ગામની સીમમાં પાયલધારની ગોળાઈ પાસે રોડ ક્રોસ કરી રહેલા આધેડને પુરઝડપે અને બેદરકારીપૂર્વક ધસી આવેલી મોટરસાયકલે ઠોકર મારતાં ગંભીર ઇજાઓના કારણે તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી મોટરસાયકલચાલક વાહન સાથે નાસી છૂટ્યો હતો. આ અંગે મૃતકના પુત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ અમદાવાદના અમનભાઈ વિજયભાઈ રાઠોડના પિતા વિજયભાઈ મોહનભાઈ રાઠોડ (ઉ.વ.46) છેલ્લા સાતેક મહિનાથી જામનગર જિલ્લાના મોટી ખાવડી ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા, અને ત્યાં રહેતા હતા. તા.7 ઓગસ્ટની રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં તેઓ મોટી ખાવડી ગામની સીમમાં પાયલધારની ગોળાઈ પાસે હાઇવે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે જીજે-37-આર-3330 નંબરની મોટરસાયકલના ચાલકે પુરઝડપે અને બેફિકરાઈથી વાહન હંકારી તેમને અડફેટે લીધા હતા.
અકસ્માતમાં વિજયભાઈને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર હોટેલ સંચાલક કાનાભાઈએ મૃતકના પરિવારજનોને જણાવ્યું હતું કે, અકસ્માત બાદ મોટરસાયકલ પણ ત્યાં પડી હતી અને તેના ચાલકને આંખ ઉપર તથા તેની સાથે બેઠેલા અન્ય એક વ્યક્તિને હાથમાં ઇજા થઈ હતી. બાદમાં મોટરસાયકલચાલકના ઓળખીતા આવી પહોંચતા તે મોટરસાયકલ લઈને ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ કોઈએ 108ને જાણ કરતાં વિજયભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
દરમિયાન પરિવારજનોને અકસ્માતની જાણ થતાં તેઓ જામનગરની જી.જી. હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન વિજયભાઈનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિવારજનો પોલીસ મથકે પહોંચ્યા હતા. અકસ્માતના સ્થળની તપાસ અને પૂછપરછ દરમિયાન જીજે-37-આર-3330 નંબરની મોટરસાયકલથી અકસ્માત સર્જાયો હોવાનું સામે આવતાં અમનભાઈએ મોટરસાયકલચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 125(એ), 125(બી), 103(1) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









