Jamnagar

જામનગરમાં એસ.ટી.ના ડ્રાઇવરની ઘોર બેદરકારી: ચાલુ બસે બાળકને સ્ટીયરિંગ સોંપતો વીડિયો વાયરલ

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં ગુજરાત એસ.ટી. બસના ડ્રાઈવરે મુસાફરોની સુરક્ષા જોખમમાં મૂકી છે. મંગળવારે રાત્રે ડેપોમાંથી નીકળતી બસનું સ્ટીયરીંગ એક માસૂમ બાળકને સોંપતો વીડિયો વાયરલ થયો છે. રિક્ષાચાલકે આ ઘટના મોબાઇલમાં કેદ કરી હતી. આ બેદરકારી બદલ એસ.ટી. નિગમે ડ્રાઈવર સામે તપાસ અને સસ્પેન્શન સહિતના કડક પગલાં લેવાની તજવીજ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં એસ.ટી.ના ડ્રાઇવરની ઘોર બેદરકારી: ચાલુ બસે બાળકને સ્ટીયરિંગ સોંપતો વીડિયો વાયરલ

Jamnagar News : જામનગરમાં ગુજરાત એસ.ટી. નિગમની બસમાંથી મુસાફરોની સુરક્ષા સામે ગંભીર બેદરકારીનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. એસ.ટી. ડેપોમાંથી બહાર નીકળતી ચાલુ બસમાં ડ્રાઇવરે એક માસૂમ બાળકને બસનું સ્ટીયરિંગ સોંપી દીધું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચકચાર મચી છે.
મંગળવારે રાત્રે ડેપોમાંથી બસ બહાર નીકળતી હતી ત્યારે સમગ્ર ઘટનાને એક રિક્ષાચાલકે પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી. વાયરલ થયેલા વીડિયોમાં ડ્રાઇવિંગ સીટ પર બેઠેલો ડ્રાઇવર પોતાની બાજુમાં એક બાળકને બેસાડીને બસ ચલાવવા દેતો હોવાનું સ્પષ્ટપણે જોવા મળે છે. બસનું સ્ટીયરિંગ બાળકના હાથમાં છે, જ્યારે ડ્રાઇવર તેની બાજુમાં બેઠેલો જોવા મળે છે.
એસ.ટી. બસમાં દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોય છે, ત્યારે ચાલુ બસમાં બાળકને સ્ટીયરિંગ સોંપવાની આ હરકત મુસાફરોના જીવને ગંભીર જોખમમાં મૂકી શકે તેવી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ડ્રાઇવરની આવી બેદરકારીને કારણે કોઈ અકસ્માત સર્જાયો હોત તો તેની જવાબદારી કોની રહેત? તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ એસ.ટી. નિગમનું તંત્ર હરકતમાં આવ્યું હોવાનું જાણવા મળે છે. જવાબદાર ડ્રાઇવરની ઓળખ મેળવવા તેમજ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ડ્રાઇવર સામે શિસ્તભંગની કાર્યવાહી ઉપરાંત સસ્પેન્શન સહિતનાં પગલાં ભરવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. મુસાફરોના જીવ સાથે ચેડાં કરતી આવી ગંભીર બેદરકારી સામે માત્ર કાગળ પરની કાર્યવાહી નહીં, પરંતુ જવાબદાર સામે દાખલારૂપ કડક પગલાં ભરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી

છે.