ઓખા રેલવે સ્ટેશનમાં ટિકિટ બાબતે માથાકૂટ: પોઇન્ટ્સમેનને ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: ઓખા રેલવે સ્ટેશન ખાતે ટિકિટ બાબતે થયેલી બોલાચાલીમાં ત્રણ શખ્સોએ ઉશ્કેરાઈને રેલવેના પોઇન્ટ્સમેન પર હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ રેલવે પોલીસમાં નોંધાઈ છે.
આ બનાવ અંગે ઓખા રેલવે કોલોનીમાં રહેતા અને છેલ્લા પાંચ વર્ષથી ઓખા રેલવે સ્ટેશનના ટ્રાફિક વિભાગમાં પોઇન્ટ્સમેન તરીકે ફરજ બજાવતા સંદીપભાઈ પરશોત્તમભાઈ દરગાણી (ઉં.વ. 40)એ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, તા. 20 નવેમ્બરના રોજ રાત્રે 11થી 12 વાગ્યા દરમિયાન તેઓ પ્લેટફોર્મ નંબર-1 પર સ્ટેશન માસ્ટરની ઓફિસ પાસે ફરજ પર હતા. તે દરમિયાન રાત્રે આશરે 11:40 વાગ્યે સુલ્તાન અનવરભાઈ સુભણિયા નામનો શખ્સ સ્ટેશન માસ્ટરની ઓફિસમાં ધસી આવ્યો હતો અને ટિકિટ બાબતે ફરજ પરના સ્ટેશન માસ્ટર અમિતકુમાર ગુપ્તા સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરવા લાગ્યો હતો.
આથી સ્ટેશન માસ્ટરે પોઇન્ટ્સમેનને આરપીએફ સ્ટાફને બોલાવવા જણાવતાં તેઓ આરપીએફ કોન્સ્ટેબલ નરેશભાઈને બોલાવી લાવ્યા હતા. ગાળાગાળી કરવાની ના પાડતાં સુલ્તાને પોઇન્ટ્સમેન અને આરપીએફ કોન્સ્ટેબલ સાથે પણ ઝઘડો કરી ગાળો આપી હતી અને ફોન કરીને અફઝલ તથા હારુન નામના અન્ય બે શખ્સોને બોલાવી લીધા હતા.
ત્યારબાદ ત્રણેય શખ્સોએ એકસંપ કરીને સંદીપભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. કોલર પકડી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, તેમને રેલવે સ્ટેશનની બહાર ઢસડી જવાનો પ્રયાસ કરતાં ત્યાં હાજર આરપીએફના સ્ટાફે દરમિયાનગીરી કરી તેમને છોડાવ્યા હતા. હુમલામાં સંદીપભાઈને બંને ગાલ, ગળા, ડોક અને કમરના ભાગે ઇજાઓ થઈ હતી.
આ બનાવ અંગે ઓખા પોલીસે સુલ્તાન, અફઝલ અને હારુન સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 351(3), 352, 121(1) અને 54 મુજબ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઈ વિજાણંદભાઈ ભુવાએ તપાસ હાથ ધરી છે.




