કાલાવડમાં જૂની અદાવતમાં યુવક પર છરીથી જીવલેણ હુમલો : 3 નામજોગ સહિત આઠેક શખ્સો સામે ગુનો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : કાલાવડ શહેરમાં જૂની અદાવતના કારણે એક શ્રમજીવી પર છરી, ધોકા અને પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવતાં ચકચાર મચી છે. ભત્રીજાને અગાઉ માર મારવાના બનાવને લઈને ચાલતી અદાવતમાં ત્રણ નામજોગ શખ્સો સહિત આશરે પાંચેક અજાણ્યા શખ્સોએ ભેગા મળી હુમલો કર્યાની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, કાલાવડના કાશ્મીરપરામાં રહેતા અને મજૂરીકામ કરતા મનોજભાઈ દિનેશભાઈ ચનાભાઈ ગોહિલ (કોળી, ઉંમર વર્ષ 35)ના ભત્રીજા દિલીપ મનસુખભાઈ ગોહિલ એક અન્ય ધર્મની યુવતીને ભગાડી ગયો હોવાના બનાવ બાદ આરોપી લતીફ ઓસમાણભાઈ સમા અને તેના મિત્રોએ દિલીપને માર માર્યો હતો. આ બાબતે મનોજભાઈ અને લતીફ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારથી બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી રહેતી હતી.
આ જૂની અદાવતનો ખાર રાખીને તા.13 ઓક્ટોબરની રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ફરિયાદીના રહેણાક મકાનની સામે આવેલી હનુમાનદાદાની ડેરી પાસે હુમલાખોરો એકઠા થયા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી લતીફ ઓસમાણભાઈ સમા, મુનાફ ઉર્ફે મુસાભાઈ હારૂનભાઈ ઓડિયા, સુલતાન શેખ ફકીર અને અન્ય આશરે પાંચેક શખ્સો સાથે મળી કાવતરું રચી ગેરકાયદે મંડળી બનાવી હતી. તેઓ છરી, ધોકા અને પાઇપ જેવાં હથિયારો સાથે સજ્જ થઈ આવ્યા હતા.
આરોપી લતીફે મનોજભાઈને જાનથી મારી નાખવાના ઇરાદે છરી વડે ડાબા ખભાના હાંસડીના ભાગે ઘા ઝીંકતાં બે ટાંકા લેવા પડ્યા હતા. ત્યારબાદ છરીનો બીજો ઘા જમણા હાથની ટચલી આંગળી તથા તેની બાજુની આંગળીમાં વાગતાં ત્યાં પણ બે-બે ટાંકા આવ્યા હતા. હુમલાથી બચવા ફરિયાદી પોતાના ઘર તરફ દોડ્યા ત્યારે અન્ય શખ્સોએ ધોકા અને પાઇપ વડે પાછળના ભાગે માર મારી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત, બેઠકના ભાગે છરીના પાંચ ઘા મારવામાં આવતાં દરેક ઘામાં ત્રણ-ત્રણ ટાંકા લેવા પડ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવ અંગે મનોજભાઈ ગોહિલની ફરિયાદના આધારે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં લતીફ ઓસમાણભાઈ સમા, મુનાફ ઉર્ફે મુસાભાઈ હારૂનભાઈ ઓડિયા, સુલતાન શેખ ફકીર તથા અન્ય અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો 61, 109(1), 115(2), 118(1), 189(2), 189(4), 191(2), 191(3), 190 તેમજ જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હુમલાખોરોએ હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનો પણ આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
કાલાવડ ટાઉન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.ટી.જયસ્વાલ દ્વારા આ બનાવ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે.




