Jamnagar

જામનગરમાં દારૂના નશામાં ધમાલ : માતાએ પુત્ર સામે અને પુત્રએ પિતા સામે બોલાવી પોલીસ!

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગર પોલીસે શહેર અને જિલ્લામાં દારૂના નશામાં જાહેરમાં લથડિયાં ખાતા 7 શખ્સો સામે પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી કરી છે. આ પૈકી 2 કિસ્સામાં માતા-પુત્રએ જ નશાખોર પુત્ર-પિતા સામે પોલીસની મદદ માંગી હતી. જામનગરના પાણાખાણ, 45 દિ. પ્લોટ, લીમડા લાઇન, પંચવટી સર્કલ, દિગ્જામ સર્કલ અને કાલાવડ તાલુકાના પીઠડીયા-2 ગામમાંથી આ શખ્સો ઝડપાયા હતા. પોલીસે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં દારૂના નશામાં ધમાલ : માતાએ પુત્ર સામે અને પુત્રએ પિતા સામે બોલાવી પોલીસ!

Jamnagar Police : જામનગર શહેર અને જિલ્લામાં દારૂના નશામાં જાહેરમાં લથડિયાં ખાતા તેમજ તોફાન કરતા શખ્સો સામે પોલીસે પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. શહેરના વિવિધ વિસ્તારો ઉપરાંત કલાવડ તાલુકામાં નશાની હાલતમાં મળી આવેલા કુલ સાત શખ્સો સામે જુદા જુદા પોલીસ મથકોમાં ગુના નોંધાયા છે. આ બનાવોમાં બે કિસ્સા એવા પણ સામે આવ્યા છે, જેમાં દારૂના નશામાં તોફાન કરતા પુત્ર સામે માતાએ અને પિતા સામે પુત્રએ જ પોલીસની મદદ માગવી પડી હતી.
જામનગરના પાણાખાણ વિસ્તારમાં શેરી નં.2માં રહેતા જયદીપ રમેશભાઈ અપારનાથી (ઉં.વ. 28) દારૂના નશામાં ઘરે તોફાન કરતા હોવાની જાણ તેમની માતા વર્ષાબેન રમેશભાઈ ગોસાઈએ 112 ઇમરજન્સી હેલ્પલાઇન પર કરી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકને સીટી ‘સી’ ડિવિઝન પોલીસ મથકે લઈ ગઈ હતી. જ્યાં તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
બીજા બનાવમાં જામનગરના 45 દિ. પ્લોટ વિસ્તારમાં ગણેશવાસમાં રહેતા મગનભાઈ ભીમજીભાઈ (ઉં.વ.60) દારૂના નશામાં ઘરે આવી પત્ની અને પુત્ર સાથે પૈસાની બાબતે ગાળાગાળી કરી ઝઘડો કરતા હોવાની ફરિયાદ તેમના પુત્ર વિક્રમભાઈએ 112 પોલીસને કરી હતી. આથી પોલીસે સ્થળ પર પહોંચી મગનભાઈને પોલીસ મથકે લઈ જઈ તેમની સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો હતો.
દરમિયાન જામનગરના લીમડા લાઇન વિસ્તારમાં રાજપૂતપરા શેરી નં.1 પાસે મોડી રાત્રે નશાની હાલતમાં તોફાન કરતા રાજેન્દ્રસિંહ હેમતસિંહ જાડેજા (ઉં.વ.33)ને સીટી ‘બી’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. 112 જનરક્ષક હેલ્પલાઇન મારફતે મળેલી માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.
તેવી જ રીતે પંચવટી સર્કલ પાસે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન લથડિયાં ખાતા સાગરભાઈ લવાભાઈ ગઢવી (ઉં.વ.24, રહે. ખોડિયાર કોલોની) ઝડપાયા હતા. જ્યારે સીટી ‘બી’ ડિવિઝન પોલીસ મથક નજીક જાહેરમાં નશાની હાલતમાં બકવાસ કરતા તુષાર રામજીભાઈ મકવાણા (ઉં.વ.22, રહે. નાગેશ્વર) સામે પણ પોલીસે પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત જામનગરના દિગજામ સર્કલ પાસે જાહેર માર્ગ ઉપર દારૂ પીધેલી હાલતમાં મળી આવેલા રેશમ સુરજન્દર સિંગ (ઉં.વ.35)ને 112 પોલીસની ટીમે ઝડપી સીટી ‘સી’ ડિવિઝન પોલીસને સોંપ્યા હતા.
જ્યારે કલાવડ તાલુકાના પીઠડીયા-2 ગામના પાદર વિસ્તારમાંથી નીખીલભાઈ સુરેશભાઈ શીંગાળીયા (ઉં.વ.27)ને દારૂના નશાની હાલતમાં 112 પોલીસની ટીમે ઝડપી કાલાવડ ગ્રામ્ય પોલીસને સોંપ્યા હતા.
પોલીસ ફરિયાદો મુજબ, સંબંધિત શખ્સોના મોઢામાંથી દારૂની વાસ આવતી હોવાનું તેમજ કેટલાક શખ્સો શરીરનું સંતુલન જાળવી શકતા નહીં હોવાનું નોંધાયું હતું. તપાસ દરમિયાન દારૂ પીવા અંગે માન્ય પાસ-પરમિટ નહીં હોવાનું સામે આવતાં પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુના નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર શહેર અને જિલ્લામાં નશાની હાલતમાં જાહેરમાં તોફાન કરવાના બનાવો સામે આવતાં પોલીસ દ્વારા પ્રોહિબિશન અંગેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.