Jamnagar

જામનગર શહેર અને જિલ્લામાં ડેન્ગ્યુની બીમારીએ માથું ઊંચક્યું : જિલ્લામાં કુલ 22 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગર શહેર અને જિલ્લામાં બદલાયેલા વાતાવરણને કારણે મોસમી રોગચાળો વકર્યો છે. છેલ્લા સવા માસમાં ડેન્ગ્યુના 22 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરમાં 12 અને ગ્રામ્ય વિસ્તારોમાં 10 કેસ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ અને ફોગિંગ કામગીરી હાથ ધરાઈ છે. ડેન્ગ્યુથી બચવા સ્વચ્છતા અને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર અને જિલ્લામાં ડેન્ગ્યુની બીમારીએ માથું ઊંચક્યું : જિલ્લામાં કુલ 22 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ

Jamnagar News : જામનગર શહેર અને જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટા સાથે મોસમી રોગચાળો વકર્યો છે. ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં વધારો થતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. છેલ્લા સવા માસના સમયગાળા દરમિયાન જામનગર શહેર અને જિલ્લામાં ડેન્ગ્યુના કુલ 22 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જામનગર શહેરમાં 12 અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 10 કેસ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ જામનગર શહેર વિસ્તારમાં સવા માસ દરમિયાન ડેન્ગ્યુના 12 કેસ નોંધાયા છે. જેમાં સપ્ટેમ્બર માસમાં 8 અને ઓક્ટોબર માસમાં તા.6 સુધીમાં 4 કેસ નોંધાયા હોવાનું જણાવાયું છે. બીજી તરફ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ 10 દર્દીઓ ડેન્ગ્યુ પોઝિટિવ નોંધાયા છે.
કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે મુલાકાત લઈ મચ્છરના સંવર્ધન સ્થાનો શોધી પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જરૂરી વિસ્તારોમાં ફોગિંગ સહિતની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.
ડેન્ગ્યુથી બચવા સાવચેતી જરૂરી
ડેન્ગ્યુ ફેલાવતો એડીસ ઇજિપ્તી મચ્છર ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઈંડા મૂકે છે. તેથી ઘરમાં કે આસપાસ પાણી ભરાઈ રહે તેવા કુલર, ફ્રિજની ટ્રે, ફૂલદાની, જૂના ટાયર, ખુલ્લા વાસણો સહિતના સ્થળોની નિયમિત સફાઈ કરવી જરૂરી છે. આવા વાસણોમાં પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવી અને અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત તેને ખાલી કરી સૂકવવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવે છે.
ઘરમાં ઉપયોગ માટે રાખેલા પાણીના અવેડા, ટાંકી કે અન્ય પાત્રોને હવાચુસ્ત રીતે ઢાંકીને રાખવા જોઈએ. ડેન્ગ્યુ ફેલાવતો મચ્છર મુખ્યત્વે દિવસ દરમિયાન કરડતો હોવાથી શરીર સંપૂર્ણ ઢંકાય તેવાં કપડાં પહેરવા તેમજ મચ્છર ભગાડતી ક્રીમ અને મચ્છરદાનીનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
આ લક્ષણો દેખાય તો તબીબી સલાહ લો
અચાનક સખત તાવ આવવો, આંખના પાછળના ભાગમાં દુખાવો, સ્નાયુઓ અને સાંધામાં દુખાવો તથા શરીર પર લાલ ચાંઠા પડવા જેવા લક્ષણો ડેન્ગ્યુમાં જોવા મળી શકે છે. આવા લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સલાહ મેળવી સારવાર કરાવવી જરૂરી છે.