Jamnagar

જામનગરમાં સાયબર છેતરપિંડી કરવા માટે બેંક ખાતા ખોલાવી આપનાર 9 શખ્સો સામે ગુનો નોંધાયો

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગર સાયબર ક્રાઇમે ઓનલાઈન છેતરપિંડીના નાણાંની હેરાફેરી માટે પોતાના નામે બેંક ખાતા ખોલાવી કમિશન મેળવતા 9 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે તપાસ કરતા આશરે ₹64,49,699ના અનધિકૃત નાણાકીય વ્યવહારો થયાનું સામે આવ્યું. આરોપીઓએ ખોટી ઓળખ ઉભી કરી સાયબર છેતરપિંડી માટે ખાતા ખોલાવી કિટ સહઆરોપીને સોંપી કમિશન મેળવ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં સાયબર છેતરપિંડી કરવા માટે બેંક ખાતા ખોલાવી આપનાર 9 શખ્સો સામે ગુનો નોંધાયો

Jamnagar Cyber Crime : જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીના નાણાની હેરાફેરી માટે પોતાના નામે બેંક ખાતા ખોલાવી સાગરીતને ખાતાની કિટ સહિત આપી કમિશન મેળવનાર નવ શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે તપાસ દરમિયાન આશરે રૂ.64,49,699ના અનધિકૃત નાણાકીય વ્યવહારો થયાનું સામે આવતાં કાર્યવાહી હાથ ધરી છે.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલે સરકાર તરફે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, સાયબર ગઠિયાઓ દ્વારા બેંક ખાતા ધારકોને કમિશન આપી તેમના ખાતામાં ઓનલાઈન છેતરપિંડીથી મેળવેલા નાણાં જમા કરાવી ગેરકાયદેસર આર્થિક વ્યવહારો કરવાની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપવામાં આવી હતી.
આ અંગે પોલીસે રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ તેમજ સમન્વય પોર્ટલ ઉપર મળેલી માહિતીના આધારે શંકાસ્પદ ખાતાઓની તપાસ કરી હતી. પોસ્ટ ઓફિસ જામનગર ડિવિઝનના બેંક ખાતાઓના કેવાયસી દસ્તાવેજો તથા સ્ટેટમેન્ટનું વિશ્લેષણ કરતાં અનધિકૃત વ્યવહારો મળી આવ્યા હતા. પોર્ટલ ઉપર મળેલી ફરિયાદોમાં પણ જામનગર જિલ્લાના કેટલાક વ્યક્તિઓ પોતાના નામે ખાતા ખોલાવી પોતાના મળતિયાઓને ખાતાની કિટ સહિત સોંપી કમિશન મેળવતા હોવાનું સામે આવ્યું હતું.
ફરિયાદમાં યાસ્મીન ઇસાકભાઈ પીઠડિયા સહિત ફરવાન મુસ્તાકભાઈ પાંઢડીયા, જમીર વલીમામદ ઠાસરીયા, અમીન મહમદ બ્લોચ, અબરાર સુલેમાન ઓડીયા, સાહિત્ય સાજીદ માડકીયા, અલ્તાફ સુલેમાનભાઈ ઓડીયા, સાજીદ સતારભાઈ માડકીયા તથા આતીક ઉર્ફે આતીફ યાકુબભાઈ માડકીયાના નામ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ પૂર્વઆયોજિત ગુનાહિત કાવતરું રચી એકસમાન ઈરાદાથી ખોટી ઓળખ ઊભી કરી સાયબર છેતરપિંડી માટે બેંક ખાતાઓ ખોલાવ્યાં હતાં. ત્યારબાદ ખાતા સહઆરોપી આતીક ઉર્ફે આતીફ યાકુબભાઈ માડકીયાને કિટ સહિત સોંપી દરેક ખાતા દીઠ અલગ-અલગ કમિશન મેળવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ખાતાઓ મારફતે લોકો સાથે છેતરપિંડીથી મેળવેલા નાણાંના વ્યવહારો કરી નાણા સગેવગે કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 11(2), 3(5), 54 તથા માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમની કલમ 66(ડી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.