જામનગર શહેર-જિલ્લામાં દેશી દારૂનો ધંધો ધમધમ્યો : 5 સ્થળે પોલીસના દરોડા, 21 લિટર દેશી દારૂ કબજે, 4 શખ્સો સામે કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Liquor Case : જામનગર શહેર અને જિલ્લામાં દેશી દારૂના ગેરકાયદે સંગ્રહ અને વેચાણની પ્રવૃત્તિઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. શહેરના સોનલનગર અને બાવરીવાસ વિસ્તાર ઉપરાંત જોડિયા, જામજોધપુર અને ધ્રોલ પંથકમાં જુદા જુદા સ્થળોએ દરોડા પાડી કુલ 21 લિટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે રૂ.4,200ની કિંમતનો દારૂ કબજે કરી ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે એક મહિલા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જામનગર શહેરના સોનલનગર હનુમાન ટેકરી વિસ્તારમાં વાછરાડાડાના મંદિર નજીક આવેલા રહેણાંક મકાનમાં દેશી દારૂના વેચાણની બાતમીના આધારે સીટી ‘સી’ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મંગાભાઈ કુંભાભાઈ માયાણી (ઉં.વ.50)ના મકાનમાંથી રૂ.2,000ની કિંમતનો 10 લિટર દેશી દારૂ મળી આવતાં પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપી સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો હતો.
બીજા બનાવમાં જામનગરના ખુલ્લી ફાટક નજીક બાવરીવાસ વિસ્તારમાં સીતા મહેશ કાંગી નામની મહિલાના ઝૂંપડામાં દેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમી મળતાં સીટી ‘સી’ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઝૂંપડામાંથી પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરેલો પાંચ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.1,000 આંકવામાં આવી હતી. જોકે, દરોડા સમયે મહિલા હાજર મળી આવી ન હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
દરમિયાન જોડિયા તાલુકાના ભીમકટા ગામના બસ સ્ટેશન નજીક પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ઊભેલા લાલજીભાઈ બબુભાઈ મકવાણા (ઉં.વ.26)ની તપાસ કરતાં તેમની પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં રહેલી સાત કોથળીઓમાંથી ત્રણ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂ.600ની કિંમતનો દારૂ કબજે કરી આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ ઉપરાંત જામજોધપુરના ચણવા ઓટા નજીક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન જગનેશભાઈ બુધગરભાઈ મેઘનાથી (ઉં.વ.20) પાસેથી કાપડની થેલીમાં રહેલી ચાર કોથળીઓમાંથી બે લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂ.400ની કિંમતનો દારૂ કબજે કરી યુવક સામે પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે ધ્રોલ તાલુકાના સણોસરા ગામની સીમમાં નેચરલ કંપની નજીક ખરાબાની જમીનમાં દેશી દારૂ રાખવામાં આવ્યો હોવાની બાતમીના આધારે ધ્રોલ પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન દેકકડ ગામના વિજયસિંહ ઉદુભા જાડેજા (ઉં.વ.34) પાસેથી પ્લાસ્ટિકના ડબલામાં ભરેલો એક લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂ.200ની કિંમતનો દારૂ કબજે કરી આરોપી સામે ગુનો નોંધ્યો હતો.
આમ, જામનગર શહેર અને જિલ્લાના જુદા જુદા પોલીસ મથકોમાં પ્રોહિબિશનના પાંચ ગુના નોંધી કુલ 21 લિટર દેશી દારૂનો રૂ.4,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તમામ બનાવોમાં પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




